નવજીવન ન્યૂઝ.અરવલ્લીઃ કોરોના સંક્રમણમાં અનેક લોકોએ સેવાનો ધોધ વરસાવ્યો હતો ત્યારે કોરોના મહામારીમાં લોકોની સેવા કરી ભાજપના કોર્પોરેટર પદ સુધી પહોંચેલા પિતાની આબરુ પુત્રની કરતૂતથી ધૂળધાણી થઈ હોવાની ઘટના બહાર આવી છે. જેમાં મોડાસા શહેરના સર્વોદયનગર (ડુંગરી) વિસ્તારમાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતા મોહનભાઈ સલાટ પણ તેમના વિસ્તારમાં રહેતા ગરીબ લોકોને મફત શાકભાજી વેચી સેવાની સરવણી વહાવી ગરીબોના બેલી બનતા સમગ્ર વિસ્તારમાં ભારે લોક ચાહના મેળવી પછી ભાજપે નગરપાલિકાની ચૂંટણીમાં તેમને વોર્ડ. નં-૩ માંથી ટિકિટ આપતા મોહન સલાટ અને તેમની પેનલનો જંગી બહુમતીથી વિજય થયો હતો. બીજીબાજુ તેમના જ પુત્ર શંકર સલાટે અન્ય સલાટ ગેંગના સભ્ય સાથે મળી બસ સ્ટેન્ડ વિસ્તારમાં એક શ્રમિકને લાખ રૂપિયા તેમને આપીએ તેમ જણાવી શ્રમિકના પહેરેલી બુટ્ટી અને મોબાઈલ લૂંટી ફરાર થઈ જતાં ભારે ચકચાર મચી હતી. મોડાસા ટાઉન પોલીસે ભાજપ કોર્પોરેટરના પુત્ર શંકર સલાટ અને પૂનમ સલાટને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
બનાવની વિગત એવી છે કે, રાજસ્થાનનો યોગેશ કાળુરામ મીણા બુધવારે સાંજે મોડાસા બસ સ્ટેશનમાં બસની રાહ જોઈને ઉભો હતો. આ સમયે બે અજાણ્યા શખ્સો આ યુવક પાસે આવ્યા હતા અને અમારે આબુ રોડ જવુ છે, પૈસા નથી તેમ કહી યુવકને વાતોમાં ભોળવી લીધો હતો. ત્યારબાદ રૂ. 1 લાખનુ બંડલ આપવાની લાલચ આપી યુવક પાસેથી ૧૫ હજારની સોનાની બુટ્ટી અને છ હજારની કિંમતનો ફોન આ બન્ને આરોપીઓએ તફડાવી લીધો હતો અને તેના બદલામાં એક લાખ રૂપિયાનુ બંડલ ભરેલું કાળુ પર્સ યુવકને આપ્યું હતું.
જોકે, આ બંને ઠગો પળવારમાં ગાયબ થઈ ગયા બાદ યુવકે પર્સમાં જોતાં માત્ર કાગળ જ જોવા મળ્યા હતા અને છેતરપિંડી ભાન થતા આ અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે તપાસ કરતા સ્લાટ ગેંગનું નામ સામે આવ્યું હતું. જેના પગલે પોલીસે હિંમતનગરના પુનમ દાના સલાટ અને મોડાસા નગર પાલિકા વોર્ડ નં.3 ના ભાજપના કાઉન્સિલર મોહન સલાટના પુત્ર સલાટની ધરપકડ કરી મુદ્દામાલ કબજે લીધો છે.
![]() |
![]() |
![]() |











