નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ પણ હવે મેટ્રો સિટી તરીકે જ ઓળખાય છે. મેટ્રો સિટીની મુખ્ય સમસ્યા ટ્રાફિક પણ હવે અમદાવાદમા અનુભવાય છે. અમદાવાદમા છેલ્લા કેટલાક વર્ષોમાં વાહનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ વધી છે. તંત્ર દ્વારા ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે અનેક જગ્યાએ ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવામાં આવ્યા છે અને અનેક જગ્યાએ બની રહ્યા છે, તેમ છતાં ટ્રાફિકની સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી અને અનેક જગ્યાઓએ અકસ્માત સર્જાય છે. જેના કારણે હવે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આ અકસ્માતોને અટકાવવા માટે વાહનોની સ્પીડ નિયંત્રિત કરવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદ શહેરમાં મોટાભાગે SG હાઇવે અને SP રિંગ રોડ ઉપર અકસ્માતો સર્જાય છે, જેનું મુખ્ય કારણ લોકો ઓવરસ્પીડમાં વાહન ચલાવે છે તે છે. જેના કારણે હવે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે હવે અમદાવાદમા કારની મર્યાદિત ઝડપ હવેથી 70 કિલોમીટર પ્રતિ કલાક રાખવામા આવશે તેમજ ટુ-વ્હીલર વાહનો માટે આ ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક રાખવામા આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ જેવા શહેરમાં રાત હોય કે દિવસ હોય વાહનોથી હંમેશા રસ્તા ભરેલા હોય છે. આવા સમયે કોઇની બેદરકારીના કારણે અન્ય વ્યક્તિએ જીવ ગુમાવવો પડી શકે છે, જેના કારણે હવે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદનાં રસ્તાઓ ઉપર સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે. તાજેતરમાં જ દેશના સૌથી યુવા IPS સફિન હસનની અમદાવાદનાં ટ્રાફિક DCP તરીકે નિમણૂક કરવામાં આવી છે, પોતાનો કાર્યભાર સાંભળ્યા બાદ સતત તેમણે આમદવાદની ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.








