નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ ભારતીય સેનાનું એક ચિતા હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશમાં ક્રેશ થયું છે. જેમાં સેનાનો એક અધિકારી શહીદ થયો હતો, જ્યારે અન્ય એક ઘાયલ થયો હતો. આ હેલિકોપ્ટર અરુણાચલના તવાંગમાં ક્રેશ થયું છે. હેલિકોપ્ટર સવારે 10:00 વાગ્યાની આસપાસ નિયમિત ફ્લાઇટ દરમિયાન ક્રેશ થયું હતું.
સેનાએ જણાવ્યું કે, ચિતા હેલિકોપ્ટરમાં બે પાયલટ સવાર હતા. ક્રેશ થયા બાદ બંનેને બહાર કાઢીને નજીકની આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ લેફ્ટનન્ટ કર્નલ સૌરભ યાદવ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બીજો પાયલોટ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘અકસ્માત હજુ સુધી શોધી શકાયો નથી. ઘટનાની હજુ પણ તપાસ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે માર્ચમાં જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાસે સેનાનું વધુ એક ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. તેમાં પણ પાયલટનું મોત થયું હતું, જ્યારે કો-પાઈલટ ગંભીર રીતે ઘાયલ થયો હતો.








