કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): હાલ ચેમ્પિયન્સ ટ્રોફી (2025 ICC Champions Trophy) ચાલી રહી છે અને તેમાં આઠ ટીમો સામેલ થઈ છે. ક્રિકેટમાં હવે બે દેશો વચ્ચે મેચ રમાવાનો ટ્રેન્ડ જ રહ્યો છે. ટ્રાઇસિરીઝ કે તેનાથી વધુ દેશો રમતાં હોય તેવી ટુર્નામેન્ટ જૂજ છે, તેમાંની એક એટલે ચેમ્પિયન્સ ટ્રોફી. આ ટુર્નામેન્ટ એ રીતે પણ વિશેષ છે કે, પાકિસ્તાન (Pakistan) 28 વર્ષ પછી કોઈ ક્રિકેટ વર્લ્ડ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. પાકિસ્તાનની સાથે કેટલીક મેચો ‘યુનાઇટેડ આરબ અમિરાત’[યુએઈ]ના શહેર દુબઈમાં (Dubai) પણ રમાવાની છે. દુબઈમાં ભારતની ત્રણ મેચો તો રમાવાની જ છે, પણ સેમિફાઈનલ અને ફાઈનલનો વિકલ્પ પાકિસ્તાન અને દુબઈ માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. મતલબ કે ભારત ફાઈનલમાં આવશે તો સેમિફાઈનલ અને ફાઈનલ મેચો દુબઈમાં થશે, નહીંતર આ મેચો પાકિસ્તાનમાં રમાશે. ‘યુએઈ’નું દુબઈ અને શારજાહ શહેર ક્રિકેટ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન રહ્યું છે, પરંતુ શારજાહમાં મેચ ફિક્સિંગની બનેલી ઘટનાઓએ આ શહેરને કાયમ માટે ક્રિકેટથી દૂર કરી દીધું અને હવે ‘યુએઈ’નું દુબઈ ક્રિકેટ માટે ડેસ્ટિનેશન બની રહ્યું છે. શારજાહમાં હાલમાં પણ મેચ થાય છે, પરંતુ દુબઈને હવે પ્રાથમિકતા આપવામાં આવે છે અને એટલે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો દુબઈમાં થવાની છે.

દુબઈ વિશ્વ પ્રવાસન નગરી બની ચૂક્યું છે અને અહીંની વસતી 38 લાખની આસપાસ પહોંચી છે. આ શહેરમાં નેવું ટકા નિવાસી બહારના દેશોથી આવેલા છે, અને તેમાં ભારતીયોની સંખ્યા નોંધપાત્ર છે. એક સમયે જ્યારે કેનેડા, અમેરિકા કે યુરોપના દેશોમાં કામ કરવા જવાનું દુશ્કર હતું ત્યારે ઓછા ખર્ચે કમાવવા માટે દુબઈ ભારતીયોનું પસંદીદા સ્થળ રહ્યું હતું. આજે પણ દક્ષિણ ભારતીયો દુબઈને કામ કરવાના સ્થળ તરીકે પસંદ કરે છે. કોઈ શહેરનો ઇતિહાસ બે સદીમાં કેટલો બધો બદલાય છે તે દુબઈ પરથી ખ્યાલ આવી શકે. 1822માં બ્રિટિશ નૌકા દળના સર્વેયર નોંધ્યું છે કે, દુબઈમાં તે વેળાએ માત્ર એકાદ હજાર લોકોની વસતી હતી. અહીં ઊંટ અને બકરીઓ જોવા મળતી અને દુબઈ સાવ ગામડું હતું. તે પછી ઓગણીસમી સદીના મધ્યમાં દુબઈમાં શીતળાની મહામારી પ્રસરી અને લોકો અહીંથી સ્થળાંતર કરીને બાજુમાં આવેલા દેરા જઈને વસ્યા હતા. આવી નાની-મોટી અનેક ઘટનાઓથી દુબઈ બહાર આવ્યું અને વીસમી સદીના શરૂઆતમાં અહીંયા જકાતમુક્ત બંદર વીકસાવવામાં આવ્યું. બંદર તરીકે દુબઈ વિકસતું ગયું અને તેનું મહત્ત્વ આ ક્ષેત્રમાં વધતું ગયું ત્યારે 1908માં આવેલા વાવાઝોડાએ દુબઈને ફરી જમીન પર લાવી દીધું. અનેક જહાજોને નુકસાન થયું અને સોથી વધુ લોકોના મૃત્યુ અહીં થયા.

શહેર-દેશ કોઈ એક ઘટનાથી કેટલાં બદલાઈ જાય છે તેવી એક ઘટના દુબઈમાં જકાત મુક્ત બંદર નિર્માણ કરવાથી બની, જ્યારે બીજી ઘટના અહીં બની તે જાણીતાં બ્રિટીશ આર્કિટેક જોહન હેરિસ દ્વારા શહેરનો પ્રથમ માસ્ટર પ્લાન બન્યો તે હતી. 1960નો દાયકો આવતાં આવતાં દુબઈ સોનાનું માર્કેટ બની ચૂક્યું હતું. એ ગાળામાં ભારતમાં 75 ટકા સોનું દુબઈમાંથી આવતું હતું. જોકે તે પછી સ્મગલિંગના કારણે ભારત સાથેનો આ વેપારમાં મર્યાદા પણ આવી. 1970 આવતાં દુબઈનું નસીબ ક્રૂડ ઓઈલથી ચમકવા માંડ્યું અને અહીંયા ક્રૂડ ઓઈલના ભંડાર મળ્યા, જેનાથી પૂરા શહેરની કાયાપલટ થઈ ગઈ. જોકે ત્યાં સુધી દુબઈ સ્વતંત્ર રીતે એક રાજ્ય હતું, તે પછી 1971માં ‘યુનાઇટેડ આરબ અમિરાત’ બન્યું, જેમાં સાત આવાં રાજ્યો એકઠા થયા છે. આ રાજ્યોમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતું આબુ ધાબી છે, શારજાહ છે, અજમન, ફુઝરાહ, રસ અલ ખમૈહ, ઉમ્મ અલ ક્વાવન અને દુબઈ છે. ‘યુએઈ’માં દુબઈ બીજા ક્રમાંકનું સૌથી મોટું રાજ્ય છે.

‘યુએઈ’માં જોડાણ પછી દુબઈ આધુનિક યુગ તરફ ઝડપથી ગતિ કરવા લાગ્યું. ક્રૂડ ઓઈલ અને અન્ય વેપારથી દુબઈની રેવન્યૂ ખૂબ ઝડપથી વધવા લાગી. જોકે દુબઈની કેટલીક મુશ્કેલીઓ હજી પણ દૂર થઈ નહોતી, તેમાંની એક ‘યુએઈ’માં એકઠા થયેલા રાજ્યોની સરહદને લઈને હતી. આ પ્રશ્નનું સમાધાન થયા બાદ દુબઈની પ્રગતિના માર્ગે દોડવા લાગ્યું. તેમાં એક મહત્ત્વનો દોર ત્યારે આવ્યો જ્યારે જેબેલ નામનું બંદર બન્યું. 35 કિલોમીટરના વિસ્તારમાં બનેલું આ બંદરની આસપાસ અનેક વેપાર ફૂલ્યાફાલ્યા. 1985 દરમિયાન અહીંયા ‘જેબેલ અલી ફ્રી ઝોન’ નિર્માણ કરવામાં આવ્યો. બંદરની આસપાસ આવેલી તમામ ઇન્ડસ્ટ્રીઅલ ઝોનને તમામ કરથી મુક્ત રાખવામાં આવ્યો. પર્સનલ કે કોર્પોરેટ ટેક્સ પણ અહીંયા આપવો પડતો નથી. આશ્ચર્ય થાય પણ આ સ્થળનો એટલી બધી રીતે વિસ્તાર કરવામાં આવ્યો કે તેમાં તમામ ધર્મના સ્થાનકો પણ બન્યાં. આજે અહીંયા મહત્ત્વના કહેવાય તેવાં છએક ચર્ચ છે. ગુરુદ્વારા છે અને મંદિર પણ છે. તદ્ઉપરાંત અહીંયા દુબઈ એરપોર્ટ નિર્માણ પામ્યું અને એવિએશન ઇન્ડસ્ટ્રીઝને પણ પાંખ મળી.
દુબઈ નેવુંના દાયકામાં ભારતીયો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું અને અહીંયાનું ચલણ દિરહામ કમાવવા અર્થે ભારતીયો મોટા પ્રમાણમાં દુબઈ અને ‘યુએઈ’ના અન્ય રાજ્યો તરફ જવા લાગ્યા. આજ કારણે અહીંયા ભારતીય સહિત અન્ય દેશોના લોકો ઝડપથી વધ્યા. 1822માં જે દુબઈ નામના ગામડાંમાં માત્ર એક હજાર લોકો વસતાં હતાં, ત્યાં 1960 સુધી વસતીનો આંક માત્ર 40,000 સુધી પહોંચ્યો હતો. 1995માં આ વસતીનો સાડા છ લાખની આસપાસ હતો. 2010માં વસતી વીસ લાખની નજીક પહોંચી અને હવે દુબઈની વસતી સાડત્રીસ લાખ છે. દુબઈનો જે રીતે વિકાસ થયો તેમાં ત્યાં મજૂર વર્ગ તો આકર્ષિત થયો, પણ સાથે સાથે દુનિયાભરની મોટી મોટી કંપનીઓ પણ વસી. બહારના લોકો માટે દુબઈએ એટલું મોકળું મેદાન આપ્યું કે આજે દુબઈમાં મૂળ લોકોની વસતી ઘટીને પંદર ટકાની આસપાસ રહી છે.
દુબઈમાં નિવાસ કરનારાં પચાસ ટકાથી વધુ લોકો ભારતીય છે, બીજા ક્રમાંકે તેમાં પાકિસ્તાની છે. પાકિસ્તાની નાગરિકોની વસતી અહીંયા પંદર ટકાની આસપાસ છે. તે પછી બાંગ્લાદેશી, ફિલિપિન્સી પણ મોટાં પ્રમાણમાં વસે છે. આ રીતે પૂરા દુબઈ શહેરનું ક્લેવર બન્યું છે, જ્યાં દક્ષિણ એશિયાઈ લોકોએ તેનો ગતિમાં વિકાસ કર્યો છે. દુબઈની આ બધી ખાસિયત સાથે આજે તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું છે. જોકે દુબઈની અર્થતંત્રની મોટા ભાગનો ભાર તે ક્રૂડ ઓઈલ પર અવલંબે છે. એવું પણ કહેવાય છે કે દુબઈમાં નીકળી રહેલું ક્રૂડ ઓઈલની આવરદા આગામી બે દાયકામાં પૂર્ણ થઈ જશે. અને એટલે દુબઈમાં જે માર્કેટ ખીલ્યું છે તે રિઅલ એસ્ટેટનું છે. દુનિયાની બેનમૂન કહેવાય તેવી ઇમારતો અહીં નિર્માણ પામી છે, તેમાં એમિરાત ટાવર્સ છે, બુર્જ ખલિફા છે અને પામ આઇલેન્ડ છે. દુબઈમાં આ વિકાસમાં સ્વાભાવિક છે કે બદીઓ આવે. એવું કહેવાય છે કે દુબઈમાં થયેલા ઝડપી વિકાસમાં કેટલાંક ગુનેગારોને પણ શરણ મળી છે. ગુનાઓનું નેટવર્ક અહીં નિર્માણ પામ્યું છે. વિશ્વભરના અનેક પત્રકારોએ એવાં અહેવાલ તૈયાર કર્યા છે જેમાં દુબઈને ગુનેગારો માટે સુરક્ષિત જગ્યા દર્શાવી છે. 2022 પછી અહીંયા ફરી પ્રોપર્ટીના ભાવમાં ઊછાળો આવ્યો કારણ કે અનેક રશિયન નાગરિકોએ યુક્રેન યુદ્ધ વખતે અહીંયા રોકાણ કર્યું છે. દુબઈને આમ અનેક રીતે રોકાણકારો પ્રાથમિકતા આપતાં રહ્યાં છે.
હવે દુબઈમાં પ્રવાસન ઉદ્યોગ વિકસી રહ્યો છે અને તેના ભાગ રૂપે પણ ચેમ્પિયન્સ ટ્રોફી અને ક્રિકેટને ત્યાં પ્રોત્સાહન મળી રહ્યું છે. દુબઈમાં એવાં અનેક સ્થળો છે જેની ગણના વિશ્વના શ્રેષ્ઠ ટુરિસ્ટ સ્પોટ તરીકે કરી શકાય. બુર્જ ખલિફા પણ ટુરિસ્ટ સ્પોટ છે : દુબઈ ફાઉન્ટેન, દુબઈ એક્વારિયમ, બુર્જ અલ અરબ, દુબઈ મ્યૂઝિયમ, દુબઈ ક્રિક, બસ્તાકિયા જિલ્લો, વાઇલ્ડ વાડી વોટર પાર્ક અને મ્યૂઝિયમ ઓફ ધ ફ્યૂચર. દુબઈમાં લખલૂટ પૈસો છે અને અહીંયા પૈસાની બોલબાલા છે. દુબઈની સ્થિતિ અંગે મજદૂર વર્ગના કેટલાંક અહેવાલો એવાં પણ આવ્યા છે કે અહીંયા તેમનું ખૂબ શોષણ થાય છે. મૂડીવાદના શિખર તરીકે દુબઈની ગણના થાય છે, પરંતુ તેના પેટાળમાં અનેક મજદૂર વર્ગનું શોષણ અને પીડા છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796