નવજીવન ન્યૂઝ. દ્વારકાઃ તાજેતરમાં બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બની રહેલો પુલ ધરાશાયી થયો હોવાના અહેવાલ સામે આવ્યા હતા. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલો બ્રિજ સેકન્ડોમાં પાણીમાં વહી ગયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો. બ્રિજ ભલે બિહારમાં તૂટ્યો હોય, પરંતું હાલ તેને લઈને ગુજરાતનું તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. કારણ કે બિહારમાં જે કંપનીને બ્રિજનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો, તે જ કંપનીને ગુજરાતમાં પણ બે બ્રિજ બનાવાના કોન્ટ્રાક્ટ મળ્યા છે.
બિહારમાં જે બ્રિજ ધરાશાયી (collapsed bridge in Bihar) થયો તે બ્રિજનો કોન્ટ્રાક્ટ SP સિંગલા કન્સ્ટ્રક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ (SP Singla Constructions Pvt. Ltd.) કંપનીને મળ્યો હતો. આ જ કંપની ગુજરાતમાં બેટ દ્વારકા અને ઓખાને જોડતો સમુદ્રમાં રૂપિયા 962 કરોડના ખર્ચે ફોરલેન કેબલ સ્ટેડ સિગ્નેચર બ્રિજ (Okha–Beyt Dwarka Signature Bridge) બનાવી રહી છે. આ બ્રિજ દરિયાઈ બાંધમાક 900 મીટરના કેબલ સ્ટેસ્પેન સાથે 2,452 મીટર લંબાઈ ધરાવે છે. આ બ્રિજનું કામ વર્ષ 2017માં શરૂ થયું હતું, હવે આ બ્રિજનું કામ હવે પૂર્ણતાના આરે છે.
બિહારના ભાગલપુરમાં બ્રિજ દુર્ઘટના બાદ દ્વારકા જિલ્લા તંત્ર પણ જાગ્યું છે. તંત્રએ બેટ દ્વારકામાં સિગ્નેચર બ્રિજના ઈન્સ્પેક્શનની તૈયારી શરૂ કરી દીધી છે. સિગ્નેચર બ્રિજ બની ગયા બાદ થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન કરવામાં આવશે. દ્વારકાના બ્રિજ સહિત SP સિંગલા કન્સ્ટ્રક્શન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપની વડોદરાના સિનોર તાલુકામાં નર્મદા નદી પર રૂપિયા 180 કરોડનો પુલ બનાવી રહી છે. આ બ્રિજ ડભોઈ-સિનોર-માલસર-આસા રોડનો ભાગ છે. આ બ્રિજ માટે R&B વિભાગે 2018માં ટેન્ડર બહાર પાડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, SP સિંગલા કન્સ્ટ્રક્શન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા બિહારમાં જે બ્રિજ બનાવામાં આવી રહ્યો હતો તેના ધરાશાયી થવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ સામે આવ્યું નથી. ગત વર્ષે 27 એપ્રિલે પણ આ જ પુલનું સુપર સ્ટ્રક્ચર નદીમાં ધરાશાયી થઈ ગયું હતું. ભારે વરસાદ અને જોરદાર તોફાનમાં બ્રિજનો 100 ફુટનો ભાગ પડી ગયો હતો. તે સમયે પણ કોઈ જાનહાની સામે આવી ન હતી. આ બનાવ બાદ ફરીથી બ્રિજ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796