કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): પોતાના ક્ષેત્રમાં કશુંય વિશેષ કરી જાણનારા આજે પોતાની કથા શબ્દોમાં બયાન કરે છે; તેમાં કોઈ નવાઈની વાત નથી. પરંતુ હાલમાં પૂર્વ ક્રિકેટર મોહિન્દર અમરનાથે (Mohinder Amarnath) પોતાની આવી કથા લખી છે તેમાં પોતાની જીવનકથા સાથે તેમના પિતા લાલા અમરનાથની પણ અજાણી વાતો જાણવા મળે છે. લાલા અમરનાથ (Lala Amarnath)અને મોહિન્દર અમરનાથનું ઇન્ડિયન ક્રિકેટ ટીમને (Indian Cricket Team)આપેલું યોગદાન અનન્ય છે અને આ પિતા-પુત્રની જોડીના નામે આજેય રેકોર્ડ બોલે છે. જેમ કે, લાલા અમરનાથ આઝાદ દેશના પ્રથમ ટેસ્ટ ટીમના કેપ્ટન હતા. લાલા અમરનાથને ‘ઇન્ડિયન ક્રિકેટના પિતામહ’નો દરજ્જો મળ્યો છે. ઉપરાંત, 1952માં પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ સિરીઝ જીત ટીમ ઇન્ડિયાએ મેળવી તે વખતે તેઓ કેપ્ટન રહ્યા હતા. ભારત વતી પ્રથમ ટેસ્ટ સદી ફટકારનારા પણ લાલા અમરનાથ હતા. આવી અનેક સિદ્ધીઓ તેમના નામે છે. લાલા અમરનાથના ત્રણ દીકારા પણ ક્રિકેટમાં જ આગળ વધ્યા અને તેમાંથી મોહિન્દર અમરનાથ તો સિત્તેરથી નેવુંના દાયકા સુધી ઇન્ડિયન ક્રિકેટના મજબૂત ખેલાડી રહ્યા હતા. મોહિન્દર અમરનાથના એક ભાઈ સુરીન્દર અમરનાથ પણ દસ ટેસ્ટ મેચ અને ત્રણ વનડે ભારત વતી રમ્યા છે. બીજા એક ભાઈ રજિન્દર અમરનાથ પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર રહી ચૂક્યા છે.
અમરનાથની આજે ત્રીજી પેઢી પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી રહી છે અને ભવિષ્યમાં સંભવત્ ઇન્ડિયન ક્રિકેટ ટીમ વતી રમશે. અમરનાથની પેઢીઓમાં ક્રિકેટ પ્રત્યેનો કેવો ગાઢ લગાવ રહ્યો હતો તે અંગે મોહિન્દર અમરનાથે પોતાની હાલમાં આવેલા પુસ્તક ‘ફિઅરલેસ’માં અનેક વાતો દિલ ખોલીને કરી છે.
ક્રિકેટર તરીકે સ્થાપિત થવામાં મોહિન્દર અમરનાથને તેમના પિતા લાલા અમરનાથે કેવી રીતે તાલીમ આપી હતી તે વિશે ‘ફિઅરલેસ’માં તેઓ લખે છે કે, “અમે હજુ તો કોઈ દરજ્જાની ક્રિકેટ રમ્યા નહોતા. તેમ છતા પાપાજી[લાલા અમરનાથ] એ જોઈ શકતા કે અમારા માટે શ્રેષ્ઠ બાબત કંઈ છે. કોઈ પણ પ્રસંગની હાજરી અંગે તેઓ અફસોસ વ્યક્ત કરતા નહોતા. તેઓ ક્રિકેટમાં શ્રેષ્ઠતા અને સાતત્ય ઇચ્છતા હતા. નેટ્સમાં પ્રેક્ટિસ કરતી વેળાએ અને તેમની સાથે સંવાદમાં તેમણે ક્રિકેટનું એક વિશ્વ રચ્યું હતું. બાળકો જ્યારે તેમના શોખ કેળવતા; ત્યારે તો રજાઓમાં સુધ્ધા અમારી રોજિંદી દિનચર્ચા નિર્ધારીત હતી. અને તેમની સજા કરવાની અનેક કથાઓ અમારી મમ્મી અને ઘરમાં કામ કરનારાં અમને સતત કહેતા રહેતા. પાપાજી તેમના દરેક અનુભવ અમને કહેતા અને શરીરને તંદુરસ્ત રાખવાના લાભથી અમને સતત જાગ્રત રાખતા. લાંબા અંતરનું રનિંગ, રોજિંદી કસરત અને દોરડા કૂદનું મહત્ત્વ સતત અમને સમજાવતા. તેઓ વહેલા સવારે ઉઠનારા હતા, ચાર વાગે તેઓ ઊઠી જતા. અને એક દિવસ પણ તેઓ દિનચર્યાથી ચૂકતા નહીં. અને જ્યારે અમે પટિયાલાથી દિલ્હી રહેવા આવ્યા ત્યારે અમે હંગામી ધોરણે એક ફ્લેટમાં રહ્યા બાદ પંચકુયિઆ માર્ગ પર આવેલા એક બંગલામાં રહેવા આવ્યા. કોલોનિયલ શૈલીનો આ બંગલો જૂનો હતો અને અમારો નવ સભ્યોના પરિવાર તેમાં નિવાસ કરી શકતો તેટલો વિશાળ હતો. અમારા ઘરની થોડે જ અંતરે અતિ સમૃદ્ધ વિસ્તાર કોનેટ શોપિંગ સેન્ટર હતું. અમારા ઘરમાં પૂરતી જગ્યા હતી, જ્યાં અમે ભાઈઓ ક્રિકેટ રમી શકતા હતા.”
આંતરરાષ્ટ્રિય ક્રિકેટર તરીકે સજ્જ થવા માટે કેટલી મહેનત કરવાની થાય તે મોહિન્દર અમરનાથના લખાણથી ખ્યાલ આવે છે. લાલા અમરનાથે તેમના દીકરાઓમાં ક્રિકેટ સિંચવામાં કોઈ કસર છોડી નહોતી. આગળ મોહિન્દર લખે છે : “પાપાજી કોચિંગ વિના ક્રિકેટર બન્યા હતા. અને તેથી તેઓ હાર્ડ ટાસ્કમાસ્ટર હતા. ટોમ(સુરિન્દર) અને હું સવારે સાડા પાંચ વાગે ઊઠી જતા અને તેઓ અમને કસરત માટે મેદાન પર લઈ જતા અને તે પછી નેટ પ્રેક્ટિસ માટે. પછી તેઓ અમને સ્ટ્રોક ફટકારવાની પ્રેક્ટિસ કરાવતા અને જો તેમાં નાની અમથી પણ ભૂલ હોય તો તેઓ પરફેક્ટ શોટ સ્ટ્રોક કેવી રીતે મારી શકાય તે શીખવતા. અમે મહદંશે દિલ્હીના પહાડગંજ સ્ટેડિયમમાં રેલવે ટીમ સાથે પ્રેક્ટિસ કરતા, જ્યાં હું નેટ્સમાં કલાકો સુધી બોલિંગ નાંખવાનું શીખ્યો. એ દરમિયાન જ્યારે પણ મારાથી કોઈ ભૂલ થાય તો મને ટોમ સતત સૂચન કરતો. આ ઉપરાંત પાપાજી એવું ઇચ્છતા કે સ્પિન અને ફાસ્ટ બોલિંગ સામે આક્રમક બેટિંગ કરવી – જે રીતે તેઓ કરતા હતા.” આ રીતે બહાર ટ્રેનિંગ થતી, પણ ઘરના કોર્ટયાર્ડમાં પણ સતત ત્રણેય ભાઈઓની ટ્રેનિંગ પિતા લાલા અમરનાથ દ્વારા થતી રહેતી હતી. મોહિન્દર અમરનાથે ક્રિકેટના મેદાનમાં પર તેમની દૃઢ માનસિક અને શારીરિક ક્ષમતાઓ જે દાખવી હતી તેનો યશ પૂરેપૂરો પિતા લાલા અમરનાથને જાય છે. મોહિન્દર લખે છે : “ભર શિયાળા અને ઉનાળા દરમિયાન અમારી કડક તાલીમ ચાલતી. મને યાદ છે મારા પિતાની પ્રશંસા માટે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાની ઝાકળમાં હું ઉઘાડા પગે પ્રેક્ટિસ કરતો. તેઓ માનતા કે આંખો માટે આ ક્રિયા સારી છે. અમે તેમનો હુકમ ત્યાં સુધી પાળતા જ્યાં સુધી અમારા પગના પંજા ઠંડીના કારણે સુન્ન ન થઈ જાય. અમે ક્યારેય તે અંગે ફરિયાદ ન કરી. તેમનું કહેણ અમારા માટે સર્વોપરી હતું અને તેમાં જ અમારો રસ કેળવાયો હતો. આ દરમિયાન અમને ખ્યાલ આવ્યો કે ભીના ઘાસમાં ગતિ બદલતાં બોલ સામે કેવી રીતે બેટનો ઉપયોગ કરવો. બપોરે અમારી પ્રેક્ટિસ ઇંટના ભીંત પર શરૂ થતી. અમારા ઘરના દરેક ખૂણે પ્રેક્ટિસ થતી, જેથી અલગ-અલગ સ્થિતિથી અમે ટેવાઈએ.”
અમરનાથ આગળ શ્રેયસ તલપડે અભિનિત ફિલ્મ-ઇકબાલ-માં એક દૃશ્ય છે તે પ્રકારની પ્રેક્ટિસનો ઉલ્લેખ પુસ્તકમાં કરે છે. ઇકબાલમાં શ્રેયસ તલપડે બોલિંગ પ્રેક્ટિસ માટે કોચ નસરૂદ્દિનને એ રીતે બોલ નાંખે કે બોલર ઇચ્છે ત્યાં બેટ્સમેન શોટ મારવા મજબૂર થાય. આ માટે નિશાની ખાતર શ્રેયસ તલપડે-નસરૂદ્દીન ભેંસો પર નંબર લખીને તેમને મેદાન પર અલગ-અલગ જગ્યાએ બાંધે છે. એ જ પ્રમાણે લાલા અમરનાથે તેમના દીકરાઓ માટે પોતાના ગાર્ડનના કુંડાઓ રાખ્યા હતા. લાલા અમરનાથ જે કુંડા તરફ કહે તે તરફ અમરનાથ અને તેમના ભાઈઓએ શોટ મારવાનો રહેતો. તેઓ પોતે ખુરશીમાં ચા પિતા બેઠા હોય અને જ્યાં સુધી તેઓ શ્રેષ્ઠતા પુરવાર ન કરીએ ત્યાં સુધી તેમને પ્રેક્ટિસ કરાવતા હતા. ઉબડખાબડ ઘાસની સપાટી પર પ્રેક્ટિસ કરીને તેઓએ ડિફેન્સની તાલીમ મેળવી હતી, તદ્ઉપરાંત અલગ-અલગ શોટ કેવી રીતે ફટકારવાના તે પણ પ્રેક્ટિસ થતી. શરૂઆતના જ સમયથી લાલા અમરનાથે તેમના દીકારાઓ માટે જુદી જુદી સપાટી પર રમવાની ટેવ પાડી હતી. ઝીણામાં ઝીણી વિગતોથી તેઓ પરિચિત કરતા સાથે જ્યારે કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે તેઓ વિસ્તૃત રમતના પાસાં શીખવાડતાં.
અમરનાથ સાથે તેમના ભાઈ રજિન્દરે તેમને આ પુસ્તક લખવા માટે મદદ કરી છે. અને મોહિન્દર અમરનાથે એક મુલાકાતમાં આ પુસ્તક વિશે જે કહ્યું છે તે ગાંઠે બાંધવા જેવું છે. તેઓ કહે છે : “મારા ક્રિકેટ કાળમાં ખૂબ ઊતાર-ચઢાવ આવ્યા અને તે સમયને શબ્દોમાં સમજાવવો કઠીન છે – પરંતુ તે જ કારણે હું વધુ સમજદાર થયો અને દૃઢ માનસિકતા કેળવી. મુશ્કેલ પરિસ્થિતિમાં કેવી રીતે અડગ રહેવું તે હું શીખ્યો. ક્રિકેટે મારા પર ખૂબ ખૂબ કૃપા વરસાવી છે – મારા સપનાઓ પૂર્ણ કરવા અર્થે. દેશના ક્રિકેટ ચાહકોનો મારા પ્રત્યે ખૂબ લગાવ રહ્યો જે કારણે હું આગળ વધતો રહ્યો. અને દરેક સ્થિતિ સામે ઝઝૂમ્યો. આ પુસ્તક હું મારા પિતા અને માતાને અર્પણ કરું છું- જેમણે અમને અમારા જીવનના ઉદ્દેશોને સર કરવા સાચું માર્ગદર્શન આપ્યું. હું હંમેશા વર્તમાનમાં જીવું છું. અને હંમેશા મારું કામ પ્રોફેશનલી કરવામાં માનું છું. અને નિષ્ફળતા અંગે ક્યારેય બહાનું નથી કાઢતો. ભૂલોથી હંમેશા શીખતો રહ્યો છું. હારને પણ ગૌરવભેર સ્વીકારી છે. તમે પણ તમારા સપનાં પૂરા કરી શકો છો, જો તમે તે દિશામાં મહેનત કરો. વિશ્વાસ હોય તો કશુંય અશક્ય નથી.”
મોહિન્દર અમરનાથના પુસ્તકમાં તેમના જીવન અને ક્રિકેટજીવનના અનેક વિવાદોની પણ વાતો છે. વિશેષ કરીને તો જ્યારે તેમણે પંસદગીકારોને ‘અ બન્ચ ઑફ જોકર્સ’ કહ્યા હતા ત્યારે તો ખૂબ હોબાળો મચ્યો હતો. જોકે મોહિન્દર અમરનાથ – ‘જિમ્મી’- આટલા વિવાદોમાંથી પસાર થઈને પણ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. તેમના પિતાના પાઠ આજે પણ તેઓ ભૂલ્યા નથી તે તેમના શબ્દોમાં સતત ઝળકી રહ્યું છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796