નવજીવન ન્યૂઝ, અમદાવાદ : પશ્ચિમ અમદાવાદમાંથી માત્ર સ્પૉર્ટસ બાઈકની ચોરી (Many sports bikes stolen from Ahmedabad) કરતી ટોળકીના ત્રણ સાગરીતોને અમદાવાદ ઝોન-1 LCBની ટીમે ઝડપી પાડ્યા છે. પોતાની ગર્લફ્રેન્ડને મોંઘી ખરીદી કરાવવા અને અંગત મોજ-શોખ પૂરા કરવા ચોરીના રસ્તે ચડેલા ત્રણ આરોપીઓને અમદાવાદ શહેર પોલીસે પકડ્યા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે વાહન ચોરીના કુલ ડઝન ગુનાનો ભેદ ઉકેલી 13 લાખ રૂપિયાની કિંમતના 12 સ્પોર્ટ્સ બાઇક કબજે કર્યા છે.
DCP Zone 1 LCB Team ના સકંજામાં આવેલા આરોપીઓમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા સુનિલ ગરાસીયા (મૂળ સિરોહી, રાજસ્થાન) અને કૈલાશ ઉર્ફે રોકી રોત તેમજ હાઉસકીપિંગનું કામ કરતા વિજેશ ઉર્ફે વિજ્જુ નનોમા (બંને મૂળ રહે. ડુંગરપુર, રાજસ્થાન) નો સમાવેશ થાય છે. ચોરીની ઘટનામાં પકડાયેલા આરોપીઓને સાથ આપનારા મૂળ રાજસ્થાનના સિરોહી જિલ્લાના જ રહેવાસી એવા અન્ય ત્રણ આરોપીઓ થાવરા ઉર્ફે થાવો, વિકાસ અને પ્રવીણ હજુ પોલીસ પકડથી દૂર છે. અમદાવાદમાંથી સ્પોર્ટ્સ બાઈક ચોરાઈ રહ્યા હોવાનું ઝોન-1 LCBની ટીમના ધ્યાનમાં આવ્યું હતું. જેને લઈને અલગ-અલગ વિસ્તારોના સીસીટીવી ફૂટેજ, ડમ્પ ડેટા અને ટેકનિકલ સોર્સની મદદથી તપાસ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી સુનિલકુમાર ગુજરાત યુનિવર્સિટી, સોલા, હાઈકોર્ટ અને સાબરમતી જેવા પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં જ્યાં ચાર-પાંચ કલાક સુધી બાઈક પાર્ક રહેતા હોય તેવી જગ્યાઓની રેકી કરતો હતો. ત્યારબાદ તે રાજસ્થાનથી તેના સાગરીતોને અમદાવાદ લાવતો હતો અને થલતેજમાં કૈલાશના ઘરે રોકાતા હતા. આરોપીઓ એક ખાસ ડિસમિસથી બાઈકનું હેન્ડલ લોક તોડીને ચોરી કરતા હતા.








