નવજીવન ન્યૂઝ.ભાવનગર: ભાવનગરમાં બાઈક ચોરી કરતી ગેંગનો ભાવનગર LCBએ પર્દાફાશ કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી ભાવનગરમાં બાઈક ચોરીના બનાવો સામે આવી રહ્યા હતા. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા ચોર ટોળકીને ઝડપી પાડવા પોલીસ સક્રિય થઈ હતી. ત્યારે આજે ભાવનગરની LCBની ટીમે ચોરીના બાઈક વેચવા નિકળેલી ટોળકીને દબોચી લીધી છે. સાથે જ ચોરીના બાઈક પણ કબ્જે કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમારના આદેશ મુજબ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામવા અને આરોપીઓને પકડવા ભાવનગર LCBની ટીમ બગદાણા ચેક પોસ્ટ પાસે ચેંકિગમાં હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભદ્રેશ પંડયા અને મહેન્દ્ર સિંહ સરવૈયાને બાતમી મળી હતી કે, મહુવા તાલુકાના ઓથા ગામે શૈલેષ ભૂપત ભાલીયની વાડી પાસે ચોરી કરેલી મોટરસાયકલ રાખવામાં આવી છે અને આ મોટરસાઈકલનું કેટલાક વ્યકિતઓ વેચાણ કરી રહ્યા છે.
ચોરીના બાઈક અંગે પોલીસને માહિતી મળતા બાતમી વાળા સ્થળ પર પહોંચી ગઈ હતી. જ્યાં પોલીસની ટીમે દરોડો પાડી બાઈક અંગેના પુરાવા માગ્યા હતા. જોકે ટોળકી પુરાવા તેમજ સંતોષકારક જવાબ આપી શકી ન્હોતી. જેથી પોલીસે ઘટનાસ્થળેથી અલગ -અલગ કંપનીની 22 મોટર સાયકલ અને 7,89,000 મુદ્દામાલ કબ્જે કરીને શૈલેશ ભૂપત ભાલીયા ,વિક્રમ હિરજીભાઈ ભાલીયા, જગદીશ હિરજીભાઈ નામના ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.
આરોપીની પૂછપરછ ખુલાસો થયો છે કે, દિપેશ ઉર્ફે દિપક પરશોત્તમભાઇ શિયાળ નામનો વ્યકિતએ આ ચોરીની બાઈક આપી ગયો હતો. જે બાઈકને વેચાણ કરવા માટે તેઓ નિકળ્યા હતા. સમગ્ર મામલે બગદાણા પોલીસે બાઈક ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.








