નવજીવન ન્યૂઝ. ભાવનગરઃ ભાવનગરના (Bhavnagar) સિહોર વિસ્તારમાં ગત શનિવારે ચોરીનો (Theft) બનાવ સામે આવ્યો હતો. ગઢુલા ગામે એકલા રહેતા વૃદ્ધ મહિલા ખેતીકામ કરીને ઘરે પરત આવ્યા હતા, ત્યારે ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો અને સોના-ચાંદીના ઘરેણા અને રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે સોનગઢ પોલીસ સ્ટેશનમાં (Songadh Police Station) ફરિયાદ નોંધાવા જતાં મહિલાને પોલીસનો કડવો અનુભવ થયો હતો. કારણ કે, ચોરી જેવી સામાન્ય બાબતમાં પણ વૃદ્ધાને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. આખરે આ મામલાની જાણ જિલ્લા પોલીસ વડાને (Bhavnagar SP) કરવામાં આવતા સોનગઢ પોલીસે આજે વૃદ્ધાની ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં રહેતા જીતુબેન ધોળા ગઢુલા વાવડી પાટી વિસ્તારમાં એકલા રહે છે. ગત શનિવારના રોજ તેમણે ખેતીકામ પરથી ઘરે પરત ફર્યા હતા. તે દરમિયાન ઘરના ટેલામાં બારીને અંદરથી બંધ કરેલી હતી. જેથી કુંટુંબી અને આસપાસના લોકોને બોલાવીને ઘરના ધાબા પર જઈને ઘરમાં ઉતરીને જોતા વચ્ચેના રૂમમાં કબાટ તૂટેલી હાલતમાં હતું, બેડના ગાદલા વેરવિખેર હાલતમાં પડ્યા હતા. સાથે તકીયામાં રાખેલા ચોના-ચાંદની દાગીના અને રોકડ રકમ રૂપિયા 1000ની ચોરી થઈ ગઈ હતી.
આ બનાવ અંગે સોનગઢ પોલીસ સ્ટેશનમાં જઈને ઘરમાં થયેલી ચોરી અંગીની લેખિતમાં જાણ કરી હતી. ત્યાર બાદ સાંજે છ વાગ્યે પોલીસક્રમીઓ ઘરે તપાસ કરવા માટે આવ્યા હતા અને ફરીથી આવશું તેમ જણાવ્યું હતું. વૃદ્ધાએ FIR નોંધવા અંગે જણાવતા પોલીસે કહ્યું હતું કે, તમારો દિકરો સોમવારે સુરતથી આવવાનો છે, તેને પોલીસ સ્ટેશનમાં મોકલજો તેમ જણાવીને જતાં રહ્યા હતા. મહિલાનો દિકરો સુરતથી સોમવારે આવી જતાં ચોરીની ફરિયાદ નોંધાવા માટે સોનગઢ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, પરંતું ફરિયાદ નોંધવામાં આવી ન હતી.
વૃદ્ધ મહિલાના દિકરાનો આક્ષેપ છે કે, સોમવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે ગયો હતો, ત્યારે PSI બેન હાજર નહોવનું જણાવીને તેમણે આવશે ત્યારબાદ ફરિયાદ નોંધવામાં આવશે તેવું પોલીસ સ્ટેશન દ્વારા જણાવામાં આવ્યું હતું. ત્યાર બાદ LCB વાળા બે ગાડીને લઈને આવ્યા હતા, તેમણે બાની પુછપરછ કરીને ગામના આગેવાનને લઈને સોમવારે પોલીસ સ્ટેશન આવવા માટે જણાવ્યું હતું, સોમવારે જ્યારે હું પોલીસ સ્ટેશન ગયો ત્યારે કહેવામાં આવ્યું હતું કે સાહેબ હાજર નથી, ભાવનગર છે, મીટીંગમાં છે. આ પ્રકારે બે-ત્રણ દિવસ સુધી પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવામાં આવ્યા હતા. ગઈકાલે સાંજના 4 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી હું પોલીસ સ્ટેશનમાં બેસી રહ્યો, તેમ છતાં મારી ફરિયાદ લેવામાં આવી ન હતી. અમારી કોઈ ઓળખાણ નથી એટલા માટે અમારી ફરિયાદ પોલીસ વાળા લેતા નથી. જેથી કંટાળીને આજે અમે જિલ્લા પોલીસ વડાને ચોરી અંગેની ફરિયાદ લેવા માટે રજૂઆત કરવા માટે આવ્યા છે, જિલ્લા પોલીસ વડાએ અમને વિશ્વાશ આપ્યો છે હતો કે તમે સોનગઢ પોલીસ સ્ટેશન પહોંચી જાઉં તમારી ફરિયાદ લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લા પોલીસ વડાને ચોરીની ફરિયાદ લેવા અંગે રજૂઆત કરતા શનિવારના બનાવની FIR આજે સોનગઢ પોલીસ સ્ટેશન દ્વારા લેવામાં આવી છે. ચોરી જેવી સામાન્ય બાબાતમાં પણ પોલીસ ફરિયાદ નોંધાવા માટે વલખા મારવા પડતાં હોય તો ગંભીર ગુનામાં શું થતું હશે તેની માત્ર કલ્પના જ કરી શકાય. સામાન્ય લોકોની ફરિયાદ લેવામાં સોનગઢ પોલીસ સ્ટેશન આળશ કરી રહ્યું છે, માટે લોકો જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચી રહ્યા છે. ત્યારે અહીં સવાલએ થાય કે, શું પોલીસને કાર્યવાહી કરવામાં કંટાળો આવે છે? શું પોલીસ સ્ટેશન માત્ર હરવા ફરવા માટે બનાવામાં આવ્યું છે? ચાર-ચાર દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ આવતા નહીં હોય ? અને જો આવી જ સ્થિતિ હોય તો ગૃહ વિભાગે તાકીદે આ પોલીસ સ્ટેશન બંધ કરી દેવું જોઈએ અને પોલીસ સ્ટેશનમાં કામ કરતાં કર્મચારીઓ અને અધિકારીઓને પણ ફરજમુક્ત કરી દેવા જોઈએ.








