Saturday, July 11, 2026
HomeGujaratભરૂચના લોકો તૈયારી કરી લેજોઃ 22 દિવસનો લાંબો પાણીકાપ કરી શકે છે...

ભરૂચના લોકો તૈયારી કરી લેજોઃ 22 દિવસનો લાંબો પાણીકાપ કરી શકે છે પરેશાન, જાણી લો પાણી વિતરણના સમય

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ભરૂચઃ ભરૂચ શહેરના નાગરિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી મુજબ આગામી 24 મેથી 15 જૂન સુધી શહેરમાં પાણીકાપનો સામનો કરવો પડશે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા અમલેશ્વર બ્રાંચ કેનાલમાં જરૂરી રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન માતરિયા તળાવમાં સંગ્રહિત પાણી તેમજ ટ્યુબવેલના પાણીના આધારે શહેરના વિવિધ વિસ્તારોમાં સમયબદ્ધ પાણી વિતરણ કરવામાં આવશે. 15 જૂન બાદ કેનાલમાં ફરી પાણી છોડવામાં આવશે ત્યારબાદ પાણી પુરવઠો પૂર્વવત થઈ જશે.

- Advertisement -

આગામી 22 દિવસ સુધી મર્યાદિત પાણી પુરવઠાની જાહેરાત બાદ ભરૂચ શહેરમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મે અને જૂનની આકરી ગરમી વચ્ચે પાણીની અછત સીધી રીતે રોજિંદા જીવનને અસર કરી શકે છે. રાંધવા, કપડાં ધોવા, વાસણ સાફ કરવા અને ઘરગથ્થુ સફાઈ જેવા રોજિંદા જરૂરી કામોમાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

ગરમીના દિવસોમાં સામાન્ય રીતે પાણીની જરૂરિયાત વધુ રહેતી હોવાથી આ સમયગાળો નાગરિકો માટે વધુ પડકારજનક બની શકે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બીમાર લોકો માટે મુશ્કેલીઓ વધી શકે છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સમયપત્રક મુજબ જ પાણી મળવાનું હોવાથી નાગરિકોએ સમયસર પાણીનો પૂરતો સંગ્રહ કરવો પડશે, નહીં તો દિવસભર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

નગરપાલિકાએ નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને પાણીનો બગાડ ટાળવા અપીલ કરી છે. જો યોગ્ય આયોજન નહીં કરવામાં આવે તો પાણીની સમસ્યા વધુ ગંભીર બની શકે છે અને સામાન્ય જનજીવન પર તેની મોટી અસર પડી શકે છે. હાલથી જ શહેરમાં પાણીની તંગીને લઈને ચિંતા વધી રહી છે અને આગામી 22 દિવસ ભરૂચવાસીઓ માટે કસોટી સમાન બની શકે છે.

- Advertisement -

નગરપાલિકાએ નાગરિકોને કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ પણ આપી છે. જાહેર કરાયેલા સમયપત્રક મુજબ પાણીનો વહેલો અને પૂરતો સંગ્રહ કરી લેવા જણાવાયું છે. શાકભાજી ધોવામાં અથવા RO ફિલ્ટરમાંથી નીકળતા વેસ્ટ પાણીનો ઉપયોગ પોતું મારવા, ફ્લશિંગ કરવા અથવા છોડમાં નાખવા માટે કરવાની સલાહ આપવામાં આવી છે. ઉપરાંત બ્રશ અથવા શેવિંગ કરતી વખતે નળ ચાલુ ન રાખવા, તેમજ આ દિવસોમાં વાહનો ધોવા અથવા આંગણામાં પાણી છાંટવાનું સંપૂર્ણ ટાળવા અપીલ કરવામાં આવી છે.

ભરૂચ નગરપાલિકાએ નાગરિકોને અનુરોધ કર્યો છે કે જરૂરિયાત મુજબ જ પાણીનો ઉપયોગ કરે અને બગાડ ટાળે જેથી શહેરના તમામ વિસ્તારોમાં છેવાડાના ઘર સુધી સુચારૂ રીતે પાણી પહોંચાડી શકાય.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular