નવજીવન ન્યૂઝ, અમદાવાદ : ગત બુધવારે અમદાવાદમાં આવેલા રાજીવ ગાંધી ભવન (Rajiv Gandhi Bhavan Ahmedabad) ખાતે કૉંગ્રેસની રાજ્ય કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓલ ઈન્ડિયા કૉંગ્રેસના સચિવ પણ ઉપસ્થિત રહ્યાં હતા, પરંતુ પ્રદેશ યુવા કૉંગ્રેસના કુલ 55 પદાધિકારીઓ હાજર રહ્યાં ન (55 Gujarat Congress office bearers absent from executive meeting) હતા. જેના પગલે તમામને કારણદર્શક નોટિસ ફટકારીને ત્રણ દિવસમાં ખુલાસો માગવામાં આવ્યો છે. ગેરહાજર રહેનારા પદાધિકારીઓ નોટિસનો યોગ્ય ખુલાસો નહીં આપે તો તેમને ફરજમુક્ત કરી અન્યને જવાબદારી સોંપવામાં આવશે.
દેશમાં ચાલી રહેલા NEET Exam, ઇટલીમાં વડાપ્રધાન મેલોડીનું માર્કેટિંગ જેવા અનેક મુદ્દાઓને લઈને આગામી સમયમાં કેવા પ્રકારની રણનીતિ બનાવવી અને કેવા પ્રકારના કાર્યક્રમ આપવા તે મુદ્દે રાજ્ય કારોબારીમાં ચર્ચા થઈ હતી. રાજ્ય કારોબારી બેઠકમાં 28 જિલ્લા પ્રમુખો ઉપરાંત 27 પ્રદેશ સ્તરના પદાધિકારીઓ કોઈપણ કારણ આપ્યા વિના ગેરહાજર રહ્યાં હતા. કારોબારી બેઠકમાં પ્રદેશ ઉપપ્રમુખ, મહામંત્રીઓ અને સચિવ સ્તરના નેતાઓ પણ હાજર રહ્યાં ન હતા. બેઠક પૂર્વનિર્ધારિત હતી અને તમામ પદાધિકારીઓને સમયસર જાણ કરવામાં આવી હોવા છતાં કેટલાક નેતાઓ પૂર્વ સૂચના કે પરવાનગી વિના ગેરહાજર રહ્યા હતા. ગુજરાત યુવા કોંગ્રેસમાં સંગઠનાત્મક શિસ્તને લઈને ગેરહાજર તમામને નોટિસ ફટકારી (Notice issued to all absentees Congress office bearers) ખુલાસો માગવામાં આવ્યો છે.








