Friday, May 1, 2026
HomeGujaratભરૂચઃ 1960માં ગુજરાત-મહારાષ્ટ્ર અલગ થયા, સરકારે પુછયુ 'કયાં જવુ છે' મેં ગુજરાતમાં...

ભરૂચઃ 1960માં ગુજરાત-મહારાષ્ટ્ર અલગ થયા, સરકારે પુછયુ ‘કયાં જવુ છે’ મેં ગુજરાતમાં રહેવાનું નક્કી કર્યું એક નિવૃત્ત જમાદારની કહાની તેમની જુબાની

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન અમદાવાદ): હું શશીકાંત ગણેશ મોઘે, મારૂં મૂળ ગામ તો મહારાષ્ટ્રના ધુળેમાં આવેલુ જાપી છે, આ વાત છે 1958ની, મહારાષ્ટ્રમાં દુષ્કાળનું વર્ષ હતું નદીઓ સુકાઈ ગઈ હતી, ખેતીની બરબાદી થઈ ગઈ હતી, ઘરમાં ત્રણભાઈઓ અને પિતા હતા, માતા તો હું સાત વર્ષનો હતો ત્યારે જ ગુજરી ગઈ હતી, હું અને મારો મોટો ભાઈ જર્નાદન ખાડાઓ ખોદવાનું અને મજુરી કરવાનું કામ કરતા હતા. કારણ આવકનો બીજો કોઈ સ્ત્રોત ન્હોતો, ત્યારે મને કોઈએ સમાચાર આપ્યા કે ભરૂચમાં પોલીસનો ભરતી મેળો લાગ્યો છે, ત્યારે ગુજરાત મહારાષ્ટ્ર એક જ હતું. મને વિચાર આવ્યો જો મને નોકરી મળે તો ઘરની સ્થિતિ સુધરી શકે તેમ છે. ઘરની આર્થિક સ્થિતિને કારણે મારૂં શિક્ષણ પણ સાતમાં ધોરણ સુધી જ થયુ હતું. મેં મારા પિતા અને મોટાભાઈની રજા લીધી અને ભરૂચ પોલીસમાં પોલીસમાં ભરતી થવા આવ્યો.



મારી ઉંચાઈ છ ફુટ અને મજુરીને કારણે શરીર ખડતલ હતું, ત્યારે લેખિત પરીક્ષા ન્હોતી, માત્ર શારિરીક પરિક્ષા પાસ કરવાની હતી. મેં બધી જ પરીક્ષા પાસ કરી અને મેડીકલ ટેસ્ટમાં પણ હું પાર ઉતર્યો અને 1959માં હું ભરૂચ પોલીસનો હિસ્સો બન્યો, મને ખુબ આનંદ થયો હતો. હાંશ… હવે મારા ભાઈઓ અને પિતાને હું મદદ કરી શકીશ, મારી જેમ ત્યારે મહારાષ્ટ્રથી ઘણા છોકરાઓ આવ્યા હતા જેમાંથી મોટા ભાગના પોલીસમાં જોડાઈ ગયા હતા. મારો પગાર 35 રૂપિયા હતો અને બીજા ભથ્થા મળી કુલ માસીક 70 રૂપિયા મારા હાથમાં આવતા હતા. મારે ઘરે તો પૈસા મોકલવાના હતા, પણ મારા એક પોલીસ સબ ઈન્સપેકટર હતા શ્રીમાન ભોઈટે, બહુ જ કડક અમલદાર, તેમને મારી અને મારા જેવા બીજા પોલીસવાળાના ઘરની આર્થિક સ્થિતિની ખબર હતી.

ભોઈટે સાહેબનો આદેશ હતો કે પગાર થાય તેના બીજા દિવસે દરેક પોલીસવાળાએ પોતાના ઘરે મનીઓર્ડર કરી ઘરે પૈસા મોકલી આપવાના, ત્યારે પોલીસની પરેડ રોજ થતી હતી, પણ પગાર થાય તેના બીજા દિવસે ભોઈટે સાહેબ પરેડની રજા આપતા કારણ અમારે મનીઓર્ડર કરવા પોસ્ટ ઓફિસમાં જવું પડતું હતું. હું મારા ઘરે પિતા અને ભાઈને 70 રૂપિયામાંથી 25 રૂપિયા મોકલી આપતો હતો. આ રકમ તેમના માટે ખુબ જરૂરી હતી, પણ ભોઈટે સાહેબ બહુ ભલા માણસ, તેમનો આદેશ હતો કે અમે ઘરે મની ઓર્ડરથી પૈસા મોકલ્યા છે તેની રસીદ અમારે તેમને બતાવી ફરજીયાત હતી.

- Advertisement -

1960માં મોટું આંદોલન થયું, ગુજરાતી લોકોની માગણી હતી કે જ્યાં ગુજરાતી ભાષી રહે છે તેમને અલગ રાજ્ય આપવામાં આવે. તોફાનો થયા, તે તોફાનો ખાળવામાં અમારી નોકરી ભરૂચ સહિત વડોદરામાં લાગી હતી, પણ થોડા મહિના પછી સરકારે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યને અલગ કરવાનો નિર્ણય કર્યો અને ગુજરાતની સ્થાપના થઈ, ત્યારે સરકારે એક પરિપત્ર કર્યો અને અમને પસંદગી તક આપી કે તમારે ગુજરાતમાં નોકરી કરવી છે કે મહારાષ્ટ્રમાં, હું મરાઠી માણુસ, આમ તો મારા માટે મહારાષ્ટ્ર વધુ અનુકુળ હતું, પણ કોણ જાણે મને ભરૂચમાં ગોઠી ગયું હતું, મારા ઘણા પોલીસ સાથીઓ જે મરાઠી હોવાને કારણે તેમને મહારાષ્ટ્ર જવાનો નિર્ણય કર્યો પણ મેં સરકારને લખી આપ્યું કે મારે ગુજરાત રહેવું છે, અને હું રોકાઈ ગયો. મને લાગે છે કે મેં ત્યારે કરેલો નિર્ણય ખુબ સારો હતો.



મારા એક ડીએસપી હતા કે એસ ચતુર્વેદી સાહેબ, પ્રમાણિક અને સારા માણસ, મને હેડકવાર્ટરમાંથી સૂચના મળી કે મારે ડીએસપી સાહેબના બંગલે ઓર્ડલી તરીકે ફરજ બજાવવાની છે, પોલીસમાં આદેશ એટલે આદેશ. મારે કોઈ પ્રશ્ન કરવાનો ન્હોતો, હું ડીએસપી સાહેબના બંગલે ઓર્ડલી તરીકે હાજર થઈ ગયો. પોલીસમાં ઓર્ડલીનું કામ બહુ અપમાનજનક માનવામાં આવે છે. મેં મારા ઘરે પણ હું ઓર્ડલી તરીકે ફરજ બજાવુ છું તેવું કહ્યું ન્હોતું, પણ કોણ જાણે થોડા મહિના પછી ડીએસપી ચતુર્વેદી સાહેબને જાણકારી મળી કે હું બ્રાહ્મણ છું, તેમણે મને બોલાવ્યો અને પુછ્યું શશીકાંત તુમ બ્રાહ્મણ હો.. મેં કહ્યું… સર. તેમના ચહેરા ઉપરનો હાવભાવ બદલાઈ ગયા. તેમના ચહેરા ઉપર અફસોસ દોડી આવ્યો. તેમણે મને કહ્યું અરે તુમને મુઝસે પાપ કરવાયા, તુમ બ્રાહ્મણ હો કર ભી મેરે બંગલે ઓર્ડલી કા કામ કરતે હો યહ ઠીક નહીં. મુઝે એસા નહીં કરના ચાહીયે થા. મેં કહ્યું કોઈ બાત નહીં સર નોકરીએ હે તો કામ તો કરના પડેગા, તેમણે મને કહ્યું નહીં મેં સૂચના દેતા હું આપકો કોઈ ઔર ડ્યુટી દી જાયેગી.

ત્યારે પોલીસનું સંખ્યાબળ ખુબ ઓછું હતું, અમારે ભાગ્યે જ અથવા જરૂર હોય ત્યારે જ પોલીસ હેડકવાર્ટરની બહાર નિકળવાનું થતુ, પણ રસ્તા ઉપર પોલીસ નજરે પડે ત્યારે લોકો અમને કુતુહલ અને આદરથી જોતા હતા, ત્યારે પોલીસને ખુબ આદર હતો. બાળકો પણ અમને જુવે તો સલામ કરતા હતા. પગાર અને હોદ્દો નાનો હતો પણ હું ખાખી પહેરુ ત્યારે બીજા કરતા જુદો અને પોતાને શકિતશાળી માનતો હતો. પોલીસ લાઈનમાં એકલો જ રહેતો, જાતે રસોઈ કરી જમતો હતો. 1965માં મારૂં લગ્ન રજની સાથે થયું, એક વર્ષ પછી પ્રદીપનો જન્મ થયો, આજે પ્રદીપ પણ પોલીસમાં છે તે આસીસ્ટન્ટ પોલીસ સબ ઈન્સપેકટર તરીકે ફરજ બજાવે છે. આમ તો તેણે શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી હતી પણ પછી તે પોલીસમાં જોડાયો. પ્રદીપ પછી પ્રશાંત અને શિવાની આવ્યા આજે બધા પોતાના સંસારમાં ગોઠવાઈ ગયા છે.



1993માં હું જમાદાર તરીકે નિવૃત્ત થયો આજે મારી ઉમંર 85 વર્ષ છે, પાછું ફરીને જોવું તો મારી નાનકડી જીંદગીમાં કોઈ મોટી ઘટનાઓ નથી. હું એક નાનકડો પોલીસવાળો હતો અને જમાદાર તરીકે નિવૃત્ત થયો. મારી કોઈ મોટી સિધ્ધી નથી, છતાં મનમાં એક સંતોષ છે જે પણ કર્યું તે પુરી પ્રમાણિકતા કર્યું. આજે જીવનના કોઈ નિર્ણયનો અફસોસ નથી.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular