કિરણ બગડા (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): સ્માર્ટફોન આવવાથી આપણું જીવન સરળ બન્યું છે. દુનિયાભરની દરેક માહિતી હવે આપણી આંગળીના ટેરવે છે. પરંતુ તેની બિહામણી વાસ્તવિકતા એ પણ છે કે, દુનિયા સાથે જોડાયેલા સમજીને આપણે સ્વજનોથી દૂર થઈ રહ્યા છીએ. ઘર-પરિવારમાં સંવાદમાં અંતર આવી રહ્યું છે. એક જ ઘરમાં રહેતાં હોવા છતાં એકબીજાની વાતો કહેવા-સાંભળવાનો સમય રહ્યો નથી. આમ છતાં, ઇન્ટરનેટની ઉપયોગિતાને પણ નકારી ન શકાય. જોકે વર્તમાન સમયમાં જોઈએ તો યુવાનોમાં ઇન્ટરનેટની જાણે લત લાગી છે. જે ઉંમરે યુવાનોએ પોતાની કારકિર્દી ઘડવી જોઈએ, તે ઉંમરે યુવાનો માત્ર ‘રીલ્સ’ બનાવીને પોતાનો સમય વેડફી રહ્યા છે. બલકે કેટલાંક કિસ્સામાં તો તેઓ રીલ્સ (Reels) બનાવતી વેળાએ મોતને પણ ભેટે છે. સોશિયલ મીડિયા (Social Media) પર સસ્તી લોકપ્રિયતાનો જુવાળ યુવાનોના માથે ચઢી ગયો છે.

વર્તમાન સમયમાં બાળકોથી લઈને વૃદ્ધો રીલ્સને લઈને ગાંડપણના હદે વળગ્યા છે. ઇન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ પર કલાકો સુધી રીલ્સ જોવામાં પોતાનો સમય વેડફે છે. એક અભ્યાસ મુજબ દેશની વસ્તીના 61 ટકા લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. આ આંકડો 2025 સુધી હજુ વધીને 67 ટકા સુધી પહોંચશે. વિચાર કરવાની વાત એ છે કે, 2015માં માત્ર 19 ટકા લોકો સોશિયલ મીડિયા પર સક્રિય હતા અને માત્ર આઠ વર્ષમાં ત્રણ ગણો તેમાં વધારો થયો છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ દરેક વ્યક્તિ પોતાની સગવડ મુજબ કરી રહ્યો છે. કંપનીઓ પોતાનું માર્કેટિંગ કરી રહી છે, તો વળી રાજકીય પક્ષો પોતાના પ્રચાર અર્થે તેનો ઉપયોગ કરે છે. ઘણાં એવાં પણ છે જેમણે સોશિયલ મીડિયાને આવક રળવાનું સાધન બનાવ્યું છે. તો કેટલાંક વળી તેને જ્ઞાનવર્ધક માનીને એ રીતે ઉપયોગ કરે છે. જોકે મોટા ભાગના યુવાનો રીલ્સના રવાડે ચઢીને પોતાનો સમય વેડફી રહ્યા છે.

કેન્દ્ર સરકારે જૂન 2020માં ચીની એપ ટિકટોકને સુરક્ષાના કારણોસર પ્રતિબંધિત લગાવ્યો હતો. પણ તેના એક મહિના પછી જ માર્ક ઝુકરબર્ગે મેટાની માલિકી હેઠળ ઇન્સ્ટાગ્રામ પર ટિકટોક જેવું જ એક પ્લેટફોર્મ શરૂ કરી દીધું. જેના દ્વારા 30 સેંકડનો વિડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકીને તેનાથી નાણાં પણ કમાવી શકો. એટલે જ ખૂબ ટૂંકા ગાળામાં ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવામાં જાણે જુવાળ ફાટી નીકળ્યો. થોડા જ વખતમાં લોકોમાં તેની લોકપ્રિયતા પણ વધી. છેલ્લા ચાર વર્ષોમાં ઇન્સ્ટાગ્રામ દેશના ચોવીસ કરોડ સુધી પહોંચી ચૂક્યું છે. આ દેશની કુલ વસ્તીના અંદાજે સત્તર ટકા જેટલી છે. આજે અનેક જાણીતા યુવાનો રીલ્સ બનાવીને સારાં એવાં નાણાં કમાવી લે છે. પરંતુ એ વાતને કોઈ નકારી નહીં શકે કે, રીલ્સ બનાવવામાં યુવાનો જીવ પણ જોખમમાં મૂકે છે. થોડા દિવસો પહેલાં જ ઉત્તર પ્રદેશમાં એક મહિલાને જ્યારે તેના પતિએ રીલ્સ બનાવતા અટકાવી તો તેણે પતિની હત્યા કરી દીધી. વિચારો રીલ્સનું આ કેવું ગાંડપણ!

કલારી કેપિટલના એક અભ્યાસ મુજબ ભારતમાં આઠ કરોડ જેટલાં કન્ટેન્ટ ક્રિએટર છે, જેઓ રીલ્સને પોતાની કારકિર્દી અને કમાણીનો સાધનું બનાવવા ઇચ્છે છે. પરંતુ વાસ્તવિકતા જોઈએ તો માત્ર દોઢ લાખ લોકો જ તેમાંથી કશુંક ઠીકઠાક કમાવી શકે છે. ઓનલાઇન કન્ટેન્ટ ક્રિએટર્સની કમાણીનો મોટો હિસ્સો એમને જ મળે છે, જેમના ફોલોઅર્સની સંખ્યા દસ લાખથી વધુ છે. રેડસીર સ્ટડીના અહેવાલ મુજબ દેશમાં સ્માર્ટફોનના યુઝર્સ સરેરાશ રોજના અઢી કલાક મનોરંજન અર્થે મોબાઈલનો ઉપયોગ કરે છે, જેમાં ચાળીસ મિનિટ તેઓ માત્ર રીલ્સ જુએ છે. રીલ્સ પ્રત્યેનું ગાંડપણ એટલું વધ્યું છે કે તેમાં નાનાં ભૂલકાઓ પણ ફસાયા છે અને તે માટે પોતાનું ખાણું-પિણું બધું જ બાજુમાં મૂકી દે છે. નાનાં બાળકોની આઉટડોર એક્વિટિ ઘટવાથી તેમના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર થઈ રહી છે.

સોશિયલ ઇનસાઇડર મુજબ રીલ્સ કોઈ અન્ય કન્ટેન્ટ કરતાં બમણી ગતિએ લોકો સુધી પહોંચે છે. રીલ્સની યુઝર્સ સુધી પહોંચવાનો દર ત્રીસ ટકા છે, ત્યાં તસવીર તેના અડધી ગતિએ યુઝર્સ સુધી પહોંચે છે. એક સમયે સેલ્ફી પ્રત્યે યંગસ્ટર્સનું ગાંડપણ હતું. ડિમાંડ્એજ વેબસાઇજ મુજબ ત્રીસ ટકા ઇન્સ્ટાગ્રામ યુઝર્સ સાથે ભારત હવે દુનિયાનું સૌથી મોટું બજાર બની ચૂક્યું છે. અમેરિકા બીજા ક્રમાંકે છે. રીલ્સમાં પોતાની જાત પ્રત્યેનું આકર્ષણ ઊભું કરવા માટે ઘણી વાર ક્રિએટર્સ ટ્રેઇનની અડફેટે સુધ્ધા આવી જાય છે. કેટલાંક કિસ્સા તો એવાં પણ આવ્યા છે કે તેઓ રીલ્સના ચક્કરમાં ગૂંગળાઈને મૃત્યુ પામ્યા હોય. રીલ્સનું વાસ્તવિક જીવન સાથે કોઈ લેવાદેવા નથી.
ઇન્સ્ટાગ્રામ પર અશ્લીલતા અને નગ્નતા છડેચોક જોઈ શકાય છે. તેની અસર સમાજ પર પણ થઈ રહી છે. આ અંગે યુવાનોના માતા-પિતા પણ નિસહાય નજરે પડી રહ્યા છે. આ કોઈ બીમારી નથી કે તેનો ઇલાજ કોઈ દવાથી થઈ જાય. વાલીઓને સુધ્ધા આ અંગે એવી ભીતિ લાગે છે કે તેઓ બાળકોને કશુંક કહેશે ને તેઓ ખોટું પગલું લઈ બેસશે. આ બધાં પાસાં પર વિચારતાં એવું લાગે છે કે ડિજિટલ બીમારી મહામારીની જેમ પ્રસરે તે પહેલાં સામૂહિક રીતે તેનાથી છૂટકારો મળે તે માટે કોઈ માર્ગ મળવો જોઈએ.
[‘જનસત્તા’માં 22 ફેબ્રુઆરી 2024ના રોજ સંપાદકીય પાનાં પર પ્રકાશિત સોનમ લવવંશીના લેખનો ભાવાનુવાદ]








