નવજીવન ન્યૂઝ.ગોધરાઃ સામાન્ય લોકોને બેન્કમાં કેવા જવાબ મળે છે તેની સારી રીતે ખબર છે. તેમાં પણ જમવાના સમયે તો લગભગ ખાતું ધરાવતા દરેકને આ અનુભવ થયો હશે. જોકે અહીં રોજ જવાબો આપીને જડ બની ગયેલા એવા પણ લોકો જોવા મળે છે જેઓ પોતાની અંદરનો માણસ પણ સમય જતાં મારી નાખે છે. આવા જ એક બેન્ક મેનેજર ગોધરામાં હોવાની વિગતો મળી છે જેમના જવાબો પરથી તેમની માણસાઈ પણ મરી પરવારી છે કે શું તેવો પ્રશ્ન થાય.
ગોધરાના રાયસીંગપુરા ખાતે રહેતા રાયમલસિંહ રાઠોડ નામના વ્યક્તિના બે બાળકોની વાત છે, ધોરણ 11માં ભણતો યોગેન્દ્રસિંહ અને ધોરણ 7માં ભણતો હરજીતસિંહ. તેમની માતા 2016માં અવસાન પામી જે પછી કોરોનાએ પિતાને પણ તેમનાથી દુર કરી દીધા. સરકારે આવા ઘણા બાળકોના પડખે આવવાનું નક્કી કર્યું અને તેમને 4 હજાર રૂપિયા પ્રતિ માસ આપવાની યોજના ઘડી કાઢી, પણ ઉધઈ બધે જ લાગેલી છે. આવા નેક ઈરાદાઓ પર બનેલી આ યોજનાને પણ કેટલાક કઠોર હૃદયના લોકો ઉધઈ બની ચોંટેલા છે. સમાજ સુરક્ષા વિભાગે આ બંને બાળકોની પણ સહાય મંજુર કરી અને દર મહિને 4 હજાર રૂપિયા હરકુંડી ગામે આવેલી બરોડા ગુજરા ગ્રામીણ બેન્કમાં જમા થતા હતા.
બંને બાળકોના બેન્ક એકાઉન્ટમાં કુલ 8000 રૂપિયા દર મહિને જમા થાય છે, પણ ગ્રામીણ બેન્કના મેનેજર તેમના આ સહાયના રૂપિયા ઉપાડી આપતા નથી જેથી બંને ભાઈઓની મુશ્કેલીઓ વધી છે. તેઓના માસા હાલમાં તેમના પાલક પિતા બન્યા છે અને તેમણે પણ બેન્કમાં જઈ રૂપિયા આપવા આજીજી કરી લીધી પરંતુ પથ્થર હૃદયનો માનવી પીગળ્યો તો નહીં પરંતુ જવાબ આપ્યો કે પિતાએ લીધેલી લોનના પૈસા ભરો તો જ રૂપિયા મળશે. હવે બાબત એવી છે કે આ બાળકોના પિતાએ રૂપિયા 72 હજાર જેટલી લોન લીધી હતી. જેની રિકવરી કરવા બેન્ક દ્વારા મૃત્યુ પામેલા આ વ્યક્તિના બાળકો પાસેથી વસુલવાના તિકડમ અજમાવવાના શરૂ કર્યા છે અને તે તિકડમ પ્રમાણે બાળકની સહાયના રૂપિયા ઓક્ટોબર 2021થી રોકીને રાખ્યા છે જેની અસર બાળકોના ભણતર સહિત બીજી ઘણી બાબતોમાં પડી રહી છે.
આ અંગે તેમના પાલક પિતા પ્રતાપ રાઠોડનું કહેવું છે કે, યોગેન્દ્રસિંહને એડમીશનના રૂપિયા ભરવાના બાકી હોવાથી હું બેન્કમાં ગયો પણ મેનેજરે પૈસા આપવાની ના પાડી દીધી. હરજીતસિંહને પણ સ્કૂલ જવા સાયકલ લેવાની હતી. બેન્કમાં જઈ 12 હજાર ઉપાડવાની સ્લીપ ભરી આજીજી કરી ત્યારે દસ હજાર આપ્યા. મેનેજરે કહ્યું કે તેમના પિતાએ 50 હજારની લોન લીધી હતી વ્યાજ સાથે 72 હજાર થાય છે. લોનના પૈસા ભરો તો જ સહાયના પૈસા મળશે તેવું કહી પાછા મોકલી દીધા. છોકરાઓએ દિવાળીમાં પણ નિરાશ થવું પડ્યું હતું.
આ તરફ બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કના મેનેજર આર ડી પટેલનું કહેવું છે કે, બંને બાળકોના ખાતા અમારી બેન્કમાં છે, પહેલા સહાયના રૂપિયા આપતા હતા પણ તેમના પિતાએ લીધેલી લોનના રૂપિયાની ઉઘરાણી કરવા અમારી ઉપર પણ સતત પ્રેસર આવતું હોવાથી સહાયના રૂપિયા રોક્યા હતા. વચ્ચે વચ્ચે તેમણે બેન્કમાંથી પૈસા ખાતામાં આપ્યા છે. તે લોન ભરી દે તો પાછળથી મુશ્કેલીન પડેને, એટલે મેં કહ્યું હતું. તેમની સહાયના રૂપિયા ખાતામાંથી આવીને ઉપાડી શકે છે અમે તેમને રોક્યા નથી.
(અહેવાલ-તસવીરો આભારસહઃ દિવ્યભાસ્કર)
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











