Wednesday, December 11, 2024
HomeGeneralમહિલા અધિકારીને સાહેબ કહેવામાં કેમ તકલીફ પડે છે?

મહિલા અધિકારીને સાહેબ કહેવામાં કેમ તકલીફ પડે છે?

- Advertisement -




પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): 1992નો અરસો હતો, હજી મને પત્રકારત્વમાં આવ્યે થોડાક જ વર્ષો થયા હતા, મારી સાથે કોઈ માર્ગદર્શક પણ ન્હોતો. પોતાની જ ભુલોમાંથી શીખવાનું હતું. જીવન અને પત્રકારત્વને એક સાથે સમજવાનો પ્રયત્ન ચાલી રહ્યો હતો, ગુજરાતના મુખ્યમંત્રી પદે ચીમનભાઈ પટેલ હતા. સ્ત્રીઓ ઉપર થતાં અત્યાચાર સમજવામાં અને સ્ત્રીઓને ન્યાય આપવામાં પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ ક્યાંક ચુક કરે છે અથવા સ્ત્રી સંબંધી ગુના તરફ સંવેદનશીલતાનો અભાવ છે તેવી રજૂઆત ચીમનભાઈ પટેલ પાસે આવી અને તેમણે મહિલાઓ સંબંધી ગુના માટે મહિલા પોલીસ સ્ટેશન શરૂ કરવાનો નિર્ણય કર્યો, જેમાં પોલીસ અધિકારી તરીકે પણ મહિલા પોલીસ અધિકારી જ હશે તેવું પણ નક્કી થયું. ગુજરાતનું પહેલુ મહિલા પોલીસ સ્ટેશન અમદાવાદના કારંજ વિસ્તારમાં ખોલવામાં આવ્યું. જેના મહિલા પોલીસ ઈન્સપેકટર તરીકે કદમને મુકવામાં આવ્યા. ખાતાકીય બઢતી મેળવી પોલીસ ઈન્સપેકટર સુધી પહોંચેલા કદમ ગુજરાતના પહેલા મહિલા પોલીસ ઈન્સપેકટર હતા.

મહિલા પોલીસ સ્ટેશનનો પ્રારંભ થયો તે પહેલા મહિલા પોલીસ સબઈન્સપેકટર અને મહિલા ઈન્સપેકટરને કોઈ મહત્વનું કામ આપવામાં આવતું ન્હોતું કારણ મહિલા પોલીસ અધિકારી કેવી રીતે ગુનેગારોનો સામનો કરી શકે તેવી માનસીકતા સિનિયર પોલીસ અધિકારીઓમાં પણ હતી, એટલે મહિલા પોલીસને સામાન્ય કામગીરી જ સોંપવામાં આવતી હતી, પણ મહિલા પોલીસ સ્ટેશનની સ્થાપના સાથે કોઈ મહિલા પોલીસ અધિકારીને સ્વતંત્ર પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યું હોય તેવી આ પહેલી ઘટના હતી. મારા માટે પણ એક નવો અનુભવ હતો, મહિલા પોલીસ સ્ટેશનની હું મુલાકાતે ગયો, મારે ઈન્સપેકટર કદમને મળવું હતું, મેં તેમની ચેમ્બરનો દરવાજો નોક કર્યો અને પુછ્યું બહેન આવું, ઈન્સપેકટર કદમે મારી સામે કરાડી નજરે જોયું અને અંદર આવવાનો ઈશારો કર્યો. હું તેમની સામેની ખુરશીમાં બેઠો, તેમની આંખોમાં એક પ્રકારની નારાજગી હતી, પહેલા તો મને નારાજગી શું કામ છે તેની ખબર પડી જ નહીં.



ઈન્સપેકટરે મારો પરિચય પુછ્યો અને પછી મને સવાલ કર્યો તમે બીજા કોઈ પોલીસ સ્ટેશનમાં જાવ છો ત્યારે તમે પોલીસ ઈન્સપેકટરને શું કહી સંબોધન કરો છો ? મેં વિચાર કરી કહ્યું સાહેબ.. ઈન્સપેકટર કદમના ચહેરા ઉપર એક આછું સ્મિત આવ્યું તેમણે મને તરત બીજો સવાલ કર્યો તો પછી તમે મારી ચેમ્બરમાં આવતા મને બહેન કહી કેમ સંબોધન કર્યું ? મને ક્ષણમાં મારી ભુલ સમજાઈ ગઈ, મેં કહ્યું સર તમે જે કહેવા માંગો છો તે હું સમજી ગયો છું હવે હું તે બાબતનું ધ્યાન રાખીશ. તે દિવસ પછી મારા મનમાં સ્પષ્ટતા આવી ગઈ છે અધિકારી કોઈ પણ હોય પુરૂષ કે મહિલા બન્નેનો દરજ્જો સરખો છે, આ વાતને ત્રણ દાયકા થઈ ગયા પણ આજે પણ હું કોઈ પણ મહિલા અધિકારી હોય તો તેમને સર કહીને જ તેમની સાથે વાત કરૂ છું, હવે સમય બદલાયો છે, હવે તો પોલીસમાં પણ મોટી સંખ્યામાં કોન્સટેબલથી લઈ આઈપીએસ અધિકારી સુધી મહિલા અધિકારીનું પ્રભુત્વ વધ્યું છે, પરંતુ પુરૂષની માનસીકતામાં ખાસ ફેર પડયો નથી. પહેલા તો કોઈ મહિલા અધિકારી પોતાના સાહેબ હોઈ શકે તે સ્વીકારવાની મનના કોઈ ખુણામાં તકલીફ પડી રહી છે અને મહિલા ઓફિસરને જ્યારે સાહેબ કહેવું પડે છે ત્યારે જીભ ઉપર એક મણનો ભાર મુક્યો હોય તેવી સ્થિતિ નિર્માણ થાય છે.

- Advertisement -

પુરૂષ સબ-ઈન્સપેક્ટરને પણ સહજ રીતે લોકો વાત કરતા સાહેબ કહી સંબોધે છે પણ મહિલા અઈપીએસ અધિકારીને મળવાનું થાય છે ત્યારે સામાન્ય માણસ તો ઠીક પણ વર્ષોથી પત્રકારત્વ કરતા પત્રકારો પણ તેમને બહેન કહી સંબોધે છે. સવાલ અહિયા સાહેબ કહી માન આપવાનો કે બહેન કહી અપમાન કરવાનો નથી, પણ પુરૂષના મનમાં જે છાપ અંકીત થઈ છે તેમાં સાહેબ તો પુરુષ જ હોય, મહિલા ક્યારે સાહેબ હોઈ શકે નહીં તેનું આ પરિણામ છે. અહિયા મેં ઉદાહરણ રૂપે મહિલા પોલીસ અધિકારીની વાત મુકી છે, પણ આવી સ્થિતિ માત્ર પોલીસમાં જ નથી, હવે જે વિભાગોમાં મહિલા અધિકારીઓ ફરજ બજાવે છે તે તમામ સ્થળે સરખી જ સ્થિતિ છે. મુળ વાત એવી છે કે જે કામ પુરૂષ કર્મચારી કે અધિકારી કરે છે તેવા તમામ પડકારોને પહોંચી વળવા માટે મહિલા પણ તૈયાર છે તેવું સ્વીકારવા આપણું મન તૈયાર નથી. જેની પાછળ આપણો ઉછેર પણ મહત્વનો છે,. આપણા દરેકના ઘરમાં આપણી માતા-બહેન અને પત્ની માટે આપણે અનેક વખત એવુ કહ્યું છે કે તારાથી આ નહીં થાય તને નહીં ફાવે છોડી દે.



આ જ માનસીકતાનું પ્રતિબીંબ કામના સ્થળ ઉપર પણ પડે છે, પુરૂષ અધિકારીઓ જેમ પોતાનું કામ ઉત્તમ રીતે કરે છે તેવી ઉત્તમતા મહિલા અધિકારીઓ પણ પોતાના કામમાં દાખવે છે, જાહેરમાં આપણે એ મુદ્દે તેમની કામગીરી પ્રસંશા કરી શકતા નથી કારણ મહિલા અધિકારીની પ્રસંશા કરતી વખતે પણ અંદરના પુરૂષને અપમાન લાગે છે, ઓફિસર-ઓફિસર હોય છે પડકારજનક કામગીરી કરી પુરૂષ અધિકારી ઘરે જાય ત્યારે તેમની પાસે ઘરની કોઈ ચિંતા હોતી નથી, પણ ફરજ ઉપર રહેલી મહિલા અધિકારીને સતત પોતાના બાળકની વૃધ્ધ માતા પિતા અથવા વૃધ્ધ સાસુ-સસરાની બીમારી, ઘરની રસોઈની, નોકર હોય તો તેમને સમયાતંરે સૂચનાઓ આપવાની સહિતની અનેક કામગીરી કરવાની હોય છે. આમ મહિલા અધિકારીઓ ફરજ અને ઘરના મોરચે એક સાથે લડે છે અને જીતે છે, છતાં આપણી નજરમાં બંદુક લઈ ફરતો અધિકારી જ બહાદુર સાહેબ હોય છે.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular