નવજીવન ન્યૂઝ. બનાસકાંઠાઃ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ઉત્તરગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. ભારે વરસાદના કારણે રસ્તાઓમાં પાણી ફરી વળ્યા છે. બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે એક સાઈડનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ઉપરાંત રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે.
બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ છે. ભારે વરસાદના કારણે બનાસ નદી પાંચ વર્ષ બાદ બે કાંઠે થઈ છે. ભારે વરસાદના કારણે થરાદ-ડીસા હાઈવે બંધ કરવામાં આવ્યો છે. થરાદથી ડીસા જવા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેના કારણે થરાદથી જેતડા અને દિયોદર થઈને ડીસા જવું પડશે. બનાસકાંઠાના દાંતીવાડામાં સવારના 6થી 10 વાગ્યામાં 6 ઈંચ જ્યારે પાલનપુરમાં સવારના 8થી10 વાગ્યામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. અતિભારે વરસાદને પગલે ડીસા તાલુકાના કેટલાક રસ્તાઓ હંગામી ધોરણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
વરસાદી પાણી રોડ પર ફરી વળતા પાલનપુર-આબુનો એક તરફનો રોડ બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે 5 કિ.મી.થી વધારેનો ટ્રાફિક સર્જાયો છે. જ્યોરે બીજી તરફના રોડ પરથી માત્ર ભારે વાહનોને જ પસાર થવા દેવામાં આવી રહ્યા છે. પાણી ભરાયેલા રસ્તા પરથી નાના વાહનો પસાર ન થાય તે માટે રસ્તા પર પોલીસ ખડકી દેવામાં આવી છે. ઉપરાંત કોઈ વાહન પાણીમાં બંધ થઈ જાય તો તેના માટે ક્રેન પણ તૈનાત કરવામાં આવી છે. હાલ આ અઠવાડિયામાં જાહેર રજાઓ આવતી હોવાના કારણે અનેક લોકોએ આબુ જવા માટેનો પ્લાનિંગ બનાવીને નીક્ળયા છે તેમણે અધ વચ્ચે જ રોકાઈ જવાનો વારો આવ્યો છે.








