Tuesday, March 17, 2026
HomeGujaratબનાસકાંઠામાં ગૌ રક્ષકોએ યુવકને આપી તાલિબાની સજા, જાણો શું હતો સમ્રગ મામલો

બનાસકાંઠામાં ગૌ રક્ષકોએ યુવકને આપી તાલિબાની સજા, જાણો શું હતો સમ્રગ મામલો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બનાસકાંઠા: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી રીતે જાહેરમાં મારામારી અને હત્યાની ઘટનાઓ બની રહી છે. જ્યારે કોઈ વ્યક્તિએ ગુનો કર્યો હોય તો પોલીસ છે, કોર્ટ છે છતાં કેટલાક લોકો તો કાયદો પણ હાથમાં લેતા ખચકાતા નથી અને મારામારી પર ઉતરી આવી ન્યાય કરવા લાગે છે. તે વચ્ચે બનાસકાંઠાના (Banaskantha) ગોળીયા ગામમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. કેટલાક લોકોએ એક યુવકને બેરહેમથી માર મારતા (beating to youth) હોય તેવો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ (Video Viral) થઈ રહ્યો છે. આ ઘટનાનો વિડીયો સામે આવતા બનાસકાંઠા પોલીસ (Banaskantha Police) હરકતમાં આવી હતી અને આવી રીતે આમાનવીય કૃત્ય કરનારા ચારેય આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી.

બનાવની વિગત મુજબ, બનાસકાંઠાના લાખણી તાલુકાના ગોળિયા ગામ ખાતેથી 22 જુલાઈના રોજ શોહરાબ બલોચ અને જાવેદ બલોચ નામના વ્યક્તિઓ પોતાની પીકઅપમાં 3 જેટલી ભેંસોને કતલ ખાને લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન આ ઘટનાની જાણ થતાં ગૌરક્ષક અખેરાજ સિંહ વાઘેલા, મહેન્દ્ર સિંહ સોલકી, ઈશ્વર પુરોહિત અને ચેલ સિંહ સોલંકીએ પોતાની કારમાં ભેંસ ભરીને જઈ રહેલા પીકઅપ ડાલુનો પીછો કરી ગોળિયા ગામ પાસે આ લોકોને અટકાવ્યા હતા. તે દરમિયાન શોહરાબ બલોચ ભાગી ગયો હતો. જ્યારે ગૌ રક્ષકોએ જાવેદ બાલોચને પકડી પાડ્યો હતો અને તેને ગોળિયા ગામની અવાવરૂ જગ્યા પર લઈ જઈ લાકડીઓ વડે શરીર ભાગે લાકડીના ફટકા માર્યા હતા. જેમાંથી એક આરોપીએ આ સમ્રગ ઘટનાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં પોલીસ પણ દોડતી થઈ હતી. તેમજ તાલિબાની સજા આપતા ચારેય આરોપીઓ સામે અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. જોકે પોલીસે ફરિયાદી શોહરાબ અને જાવેદ બાલોચ સામે પણ પશુક્રૂરતા અધિનિયમ અંતર્ગત ગુનો નોંધ્યો હતો.

- Advertisement -

આ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, આરોપીઓ યુવકને તાલિબાની સજા આપતા નજરે પડી રહ્યા છે. જ્યાં પાણીની હોજમાં નાંખી શરીરના ભાગે લાકડીઓ વડે ઢોર માર મારતા નજરે પડી રહ્યા છે. જ્યારે બીજી તરફ પિડીત આજીજી કરતો જોવા મળી રહ્યો છે. સાથે જ બળજબરીપૂર્વક ધાર્મિક નારા લગાવાનું કહી રહ્યા છે. આ ઘટના બાદ મુસ્લિમ સમુદાયમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે.

આ અંગે અગથાળા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેકટર ડી. બી. ચૌધરી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ફરિયાદી 22 જુલાઈના રોજ પીકઅપ ડાલુમાં ભેંસો ભરી કતલ ખાને લઈ જઈ રહ્યો હતો. આ દરમિયાન ગૌરક્ષકોએ તેનો પીછો કરી તેનો પકડી પાડ્યો હતો. ત્યાર બાદ ગૌરક્ષકો ફરિયાદીને અવાવરૂ જગ્યા પર લઈ જઈ ઢોર માર માર્યો હતો. જે બાબતે પોલીસે ચારેય આરોપી સામે મારામારી તેમજ અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. તેમજ ફરિયાદી સામે પણ પશુઓને ગેરકાયદે કતલખાને લઈ જવાને પગલે પશુ ક્રૂરતા અધિનિયમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular