કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ‘એ રાત ખરેખર ક્યારેય ભૂલાવી શકાશે નહીં. અમે સૌ કોઈ ટીવીના લૉન્જમાં એકઠા હતા. આટલાં અંતરેથી આવતી તસવીરોને સ્ક્રીન પર જોઈ રહ્યા હતા. અમે આ ઐતિહાસિક ક્ષણને ગુમાવવા માંગતા નહોતા. વિશેષ કરીને જ્યારે અમને ટેલિવિઝન સેટ મળ્યો હતો. તે દિવસોમાં તે લક્ઝરી ગણાતી હતી. આવનારી તસવીરો બ્લેક એન્ડ વ્હાઇટ હતી. પરંતુ તેની ગુણવત્તા સારી હતી. નીલ આર્મસ્ટ્રોગના પગના નિશાન ધૂળમાં જોવા તે આશ્ચર્ય સર્જનારી ઘટના હતી. અને તે સમયે આર્જેન્ટિનાના ટીવી પર અંગ્રેજી કૉમેન્ટરીનો સ્પેનિશ અનુવાદ આવી રહ્યો હતો. જેને ‘સીબીએસ’ નામની અમેરિકાની કંપની પ્રસારીત કરી રહી હતી. અને પછી તે ઐતિહાસિક ક્ષણ આવી ગઈ, જ્યારે અંતરીક્ષ યાત્રીએ એ શબ્દો કહ્યા જે આજે ઇતિહાસનો ભાગ બની ચૂક્યા છે. અમને તે શબ્દો સ્પેનિશ ભાષામાં સંભળાયા : આ એક માનવીના નાનકડા ડગ છે, પરંતુ માનવજાત માટે આ મોટી છલાંગ છે. તે સમયનો ઉત્સાહ અવર્ણનીય હતો.’ આ શબ્દો છે પોપ ફ્રાન્સિસના અને તેમણે કરેલું આ વર્ણન તેમની આત્મકથામાં છે. આત્મકથાનું નામ છે : ‘લાઇફ : માય સ્ટોરી થ્રૂ હિસ્ટરી’. પોપ ફ્રાન્સિસનું અવસાન ગત્ મહિને 21 તારીખે વેટિકન સિટીમાં થયું અને હાલમાં તેમની આત્મકથા અંગ્રેજીમાં ઉપલબ્ધ થઈ છે તેથી તેમની આત્મકથાની ચર્ચા છે. પોપ ફ્રાન્સિસે આ પ્રકરણમાં ચંદ્ર પર માનવી પહોંચ્યો તે ઘટનાને જિજ્ઞાશાવશ કેવી રીતે જોઈ હતી તે આલેખી છે.

આ ઘટના બની ત્યારે તેઓ આર્જેન્ટિમાં હતા અને આગળ તેઓ લખે છે : ‘કેટલાંક છોકરાઓએ બપોરે સીધું પ્રસારણ થઈ રહ્યું હતું ત્યારે ત્રણ વાગે ટીવી ચાલુ કરી દીધું હતું. આ પ્રસારણ મોડી રાત સુધી ચાલ્યું. લાંબી મેરથોનની જેમ. એટલું કહેવું પૂરતું હશે કે આર્મસ્ટ્રોંગે ચંદ્રની સપાટી પર ઉતર્યાના લગભગ છ કલાક બાદ, આર્જેન્ટિનામાં અડધી રાતના સમયે, તે ડગ માંડ્યો. અમે સૌના શ્વાસ થંભેલા હતા. તે દિવસે મારે ઘણાં કામ કરવાના હતા. એ માટે હું રાતે દસ સુધી ટીવી લૉન્જમાં ન ગયો. અને ત્યાં સુધી આપણે ચંદ્ર પર પહોંચવાની ક્ષણ સુધી ખાસ્સા નજીક પહોંચી ચૂક્યા હતા. જ્યારે આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર ડગ માંડ્યો અને થોડી જ વાર પછી તેમણે અને તેમના અંતરિક્ષ યાત્રી એડવિન એલ્ડ્રિને અમેરિકાનો ધ્વજ ચંદ્રની માટીમાં લગાવ્યો. ત્યારે અમે સૌ કોઈ મોં તાસીને તે જોઈ રહ્યા હતા. અને તે ક્ષણને અમે એ રીતે નિહાળી – જેથી અમે હંમેશા યાદ રાખીએ. આ અવિશ્વસનીય હતું.”
પોપ ફ્રાન્સિસ જે રીતે પોતાના બાળપણની યાદો બયાન કરી છે તેમાં તેમની ભારોભાર નમ્રતા ઝળકે છે. તેઓ પોતાને ક્યાંય ધર્મગુરુના ભાર તળે મૂકતા નથી. આવી અનેક વાતો તેઓ હળવાશથી પોતાની આત્મકથામાં કરી છે. આગળ તેઓ લખે છે : ‘પ્રગતિ મહત્વની છે. – આપણે સતત આગળ વધતાં રહેવું જોઈએ. પરંતુ તે પ્રગતિ માનવજાતમાં સંવાદિતાને બરકરાર રાખી શકે તે રીતે હોવી જોઈએ. અને જો તે પ્રગતિ સંવાદિતા ન હોય તો તેને અંકુશમાં રાખી શકાતી નથી અને તે અમાનવીય દિશામાં આગળ વધે છે. આ જોખમ અગાઉ પણ હતું અને આજે પણ છે, જે રીતે આર્ટિફિયલ ઇન્ટેલિજન્સ. આજે ‘એઆઈ’ આપણા જીવનનો મહત્ત્વનો હિસ્સો બની ચૂક્યું છે. જો તેનો ઉપયોગ ખોટી અથવા ગુનાહિત રીતે કરવામાં આવે તો તે ખૂબ ઘાતકી બને છે. જે રીતે ‘ફેક ન્યૂઝ’ને ખોટાં આધાર-પુરાવા સાથે રજૂ કરવામાં આવે છે. આજે નવી ટેક્નોલોજી ટુલ્સના આધારે આ કામ કુશળતાથી થાય છે. આ બાબતો આપણને નવી રીતે વિચારવાની અને આવા પ્રશ્નોને ઉઠાવવા માટે પ્રેરીત કરે છે. જે અંગે આપણે અગાઉ ક્યારેય વિચાર કર્યો નહોતો. આપણને નવી વાસ્તવિકતા માટે નૈતિક દૃષ્ટિકોણની આવશ્યકતા છે. અને અગાઉ પણ મે ‘અલ્ગોરિથમ’ વિશે વાત કરી હતી, જે અભ્યાસનો નવો વિષય છે. માનવ અને મશીન વચ્ચે ઇન્ટરએક્શન પર તે વિચાર કરે છે. જેથી એ નિર્ધારીત થઈ શકે કે પ્રગતિ હંમેશા વ્યક્તિના સન્માનના દાયરામાં થવી જોઈએ.’
આ વાત જણાવીને એક ધર્મગુરુ આગળ જે કહે છે તે મહત્ત્વનું છે. તેઓ વિજ્ઞાનની વાત કરતા કહે છે : ‘હંમેશા સત્યની શોધમાં અડગ રહેવું જોઈએ અને નવા વૈજ્ઞાનિક શોધોને વિનમ્રતા સાથે સ્વીકારવી જોઈએ. બીજું કે ભૂતકાળની ભૂલોને આપણે ફરી ન કરવી જોઈએ. માનવજ્ઞાનની સીમાઓ વિસ્તરતા આપણે ઈશ્વરનો સાચો અનુભવ પ્રાપ્ત કરી શકીએ છીએ, જે આપણા હૃદયને ભરી દે. ચર્ચના સામાજિક સિદ્ધાંત આપણા માટે માર્ગદર્શક રીતે કાર્ય કરે છે. તે અગત્યનું યોગદાન આપણને બક્ષે છે : ન્યાય, માનવગરિમા, ભાઈચારો અને એકતા. જોકે નુકસાન ત્યારે થાય છે જ્યારે નવી ટેકનોલોજી અથવા તો વૈજ્ઞાનિક શોધોને અન્ય ઉદ્દેશ્ય માટે ઉપયોગમાં લેવાય છે. યુદ્ધમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ, ટેસ્ટ ટ્યૂબમાં ભ્રૂણ બનાવવું કે તેને ખતમ કરવા માટે નવું જ્ઞાન – એક અમાનવીય પદ્ધતિને પ્રોત્સાહન આપે છે. જે ધીરે ધીરે વધુ વ્યાપક બને છે અને તે પુરુષ અને મહિલાઓની ગરિમાને જોખમમાં મકે છે અને બાળકોને તે જાણે વસ્તુ સમજીને વ્યવહાર કરે છે.’
પોપ ફ્રાન્સિસે જે લખ્યું છે તે અહીંયા શબ્દેશબ્દ અનુવાદ કરવાનો નહીં બલકે તેનો ભાવ અહીં આલેખવાનો પ્રયાસ વધુ છે. અને તેથી અહીં કોઈ મર્યાદા હશે તો પોપ ફ્રાન્સિસ નહીં પણ લખનારની હશે. આગળ જે કહે છે તેમાં પોપ ફ્રાન્સિસ માનવજાત પ્રત્યેની નિસબતનો ઉલ્લેખ છે, તેમાં તેઓ લખે છે : ‘હંમેશા આપણે માવવજીવનની સુરક્ષા કરવી જોઈએ. ગર્ભાધાનથી મૃત્યુ સુધી. હું એ કહેતા ક્યારેય નહીં થાકું કે ગર્ભપાત હત્યા છે. તે એક ગુનાહિત કૃત્ય છે. તે માટે અન્ય કોઈ શબ્દ ન હોઈ શકે. તેમાં એક નિર્દોષ માનવજીવનનો અંત આવે છે.’ તેઓ વારંવાર એ અરજ કરતા રહ્યા કે આપણે વધુ ને વધુ જવાબદારી પ્રત્યે સજાગ બનીએ. પોપ ફ્રાન્સિસના જીવનમાંથી ઘણાં બોધપાઠ લઈ શકાય. સૌથી અગત્યનો કે તેમણે પોતાનું જીવન સાદગીભર્યું રાખ્યું.
હાલમાં તો તેમની આત્મકથા ‘લાઇફ : માય સ્ટોરી થ્રૂ હિસ્ટરી’ના થોડાં અંશો જ વિવિધ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેમાંની થોડી વિગતો અહીંયા મૂકી છે. પરંતુ તેમણે પોતાના જીવન સાથે કેટલીક ઐતિહાસિક ઘટનાને વણી લીધી છે, જે રીતે માનવીનું ચંદ્ર પર જવું. આત્મકથાના પ્રથમ પ્રકરણમાં તેઓ બીજા વિશ્વયુદ્ધ વિશે લખે છે. ઉપરાંત અન્ય પ્રકરણો પણ વિશ્વની ઐતિહાસિક ઘટનાઓ અંગે છે. જેમ કે, શીતયુદ્ધ, બર્લિન દિવાલને તોડી પાડવી, યુરોપિયન યુનિયનનનો જન્મ, 11 સપ્ટેમ્બરના રોજ અમેરિકામાં થયેલો આતંકવાદી હૂમલો, આર્થિક મંદી અને કોવિડકાળ. આ બધી જ ઘટનાઓને એક ધર્મગુરુ કેવી રીતે જુએ છે અને તેની રજૂઆત કેવી રીતે કરે છે તે અગત્યનું છે.
પોપ ફ્રાન્સિસ કેટલીક બાબતોમાં ખુલીને પોતાના મત વ્યક્ત કર્યા હતા. જેમ કે જમણેરી રાજનીતિને મળતાં પ્રોત્સાહનના તેઓ ટીકાકાર રહ્યા. ઉપરાંત એન્ટિ-ઇમિગ્રેશન મુદ્દે થતી રાજનીતિનો પણ તેઓ વિરોધ કરતા રહ્યા હતા. તેમનું સ્પષ્ટ માનવું હતું કે ઇમિગ્રેશન એ આપણી ‘સભ્યતાની ફરજ’ છે. પોપ ફ્રાન્સિસની ભૂમિકા અમેરિકા અને ક્યૂબાના સંબધો સુમેળભર્યા થાય તે માટે અગત્યની રહી છે. એટલું જ નહીં ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના વિવાદનો ઉકેલ શાંતિથી આવે તે માટે તેમણે પ્રયાસ કર્યા હતા. એટલું જ નહીં જ્યારે ઇઝરાયલ-ગાઝાનો સંઘર્ષ આગળ વધ્યો તો તેમણે 2023માં ગાઝામાં જે રીતે ઇઝરાયલ સેનાએ સંહાર કર્યો તો તેમણે તેનો વિરોધ કર્યો હતો. પોપ ફ્રાન્સિસ વિશે હજી પણ ઘણી બાબતો લખી શકાય, પરંતુ હાલ પૂરતું તો તેમની આત્મકથા સંદર્ભે આટલી રજૂઆત કરી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796