નવજીવન ન્યૂઝ, અમદાવાદ : દેશની સુરક્ષા એજન્સીઓ પર ગ્રેનેડ વડે હુમલો કરાવવાના ગુનામાં સંડોવાયેલો તેમજ ISI માટે કામ કરતી પાકિસ્તાની ગેંગનો ફરાર સાગરીત બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપાયો છે. Gujarat ATS અને બનાસકાંઠા SOG એ સંયુક્ત ઑપરેશન હાથ ધરીને બિક્રમજીતસિંઘ ઉર્ફે વિક્કીને પકડી પાડી પંજાબ પોલીસ (Panjab Police) ને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે, પકડાયેલા આરોપી સામે બે દિવસ અગાઉ પંજાબમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ભૂતકાળમાં પંજાબ પોલીસના ચોપડે નોંધાયેલા કેસોમાં બિક્રમજીતસિંઘની સંડોવણી હોવાની પૂરેપૂરી શક્યતા છે. તાજેતરમાં ભાજપ કાર્યાલય નજીક પણ એક બ્લાસ્ટ થયો છે.
વિક્કી મહેરા બનીને આરોપી ડીસામાં રહેતો હતો
ISI માટે કામ કરતા પાકિસ્તાની ગેંગસ્ટર શહેઝાદ ભટ્ટી ગેંગ સાથે સંકળાયેલા શખસની માહિતી સામે આવતા સ્પેશિયલ ઑપરેશન સેલ (SSOC) અમૃતસર ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. વિસ્ફોટક પદાર્થ અધિનિયમ અને આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલા કેસ બાદ મળેલી ચોક્કસ માહિતીના આધારે એટીએસ અને બનાસકાંઠા એસઓજીએ ડીસા ખાતે એક ઑપરેશન હાથ ધર્યું હતું. ચોક્કસ લૉકેશન અને માહિતીના આધારે પોલીસ ટીમ વિક્કી મહેરાના નામના મજૂર પાસે પહોંચી હતી. વિક્કી નામ ધારણ કરીને બિક્રમજીતસિંઘ કશ્મીરસિંઘ છેલ્લાં કેટલાંક સમયથી ડીસામાં રહેતો અને ઢાબા પર મજૂરી કરતો હતો. બિક્રમજીતને ઝડપી લઈ તેની પાસેથી એક મોબાઈલ ફોન સહિતની કેટલીક સામગ્રી Team ATS એ કબજે કરી હતી.
ગ્રેનેડ હુમલા માટે ગેંગમાં સ્થાનિક શખસોને જોડતો
પંજાબમાં થયેલા અનેક ગ્રેનેડ હુમલાના કેસોમાં બિક્રમજીત પાકિસ્તાની ગેંગસ્ટર શહેઝાદ ભટ્ટી સાથે મળીને ગ્રેનેડ સ્મગલીંગ અને સુરક્ષા એજન્સીના વિભાગો પર વિસ્ફોટ કરાવવાનું કામ કરતો હતો. પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલાત કરી છે કે, ભટ્ટીની સૂચના અનુસાર પંજાબના સ્થાનિક શખસોને ગેંગમાં જોડતો અને તેમના થકી ગ્રેનેડ હુમલા કરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો.
BJP કાર્યાલય હુમલામાં 5 આરોપી પકડાયા
ચંદીગઢમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પાસે થયેલા હુમલાના કેસમાં તાજેતરમાં જ પાંચ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. પંજાબ પોલીસ અને ચંદીગઢ પોલીસે સંયુક્ત ઑપરેશન હાથ ધરીને પાંચેય આરોપીઓને તાજેતરમાં પકડયા છે. BJP Office પર હુમલાની જવાબદારી ખાલિસ્તાન આતંકી ગ્રુપે લીધી હતી. સુખજિંદરસિંહ બબ્બર નામના શખસે આ ઘટનાનું સમર્થન કર્યું હતું. પકડાયેલા આરોપીઓમાં બલવિંદર લાલ ઉર્ફે શમ્મી, જસબીરસિંહ ઉર્ફે જસ્સી, ચરણજીતસિંહ ઉર્ફે ચન્ની, રૂબલ ચૌહાણ અને મનજીત ઉર્ફે અભિજીત શર્માનો સમાવેશ થાય છે. જો કે, આ મામલામાં બિક્રમજીતસિંઘની સંડોવણી અંગે પોલીસ એજન્સીએ હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.








