નવજીવન ન્યૂઝ, અમદાવાદ : ત્રણ દિવસ અગાઉ અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં પરિણીતા થયેલા શંકાસ્પદ મોતના કેસમાં પૉસ્ટમોર્ટમ રિપોર્ટે ભેદ ઉકેલી કાઢ્યો છે. પરિણીતાની હત્યા તેના પતિએ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે સાબરમતી પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ આરંભી છે.
પાલડી ભુદરપુરા ખાતે રહેતા ઈશ્વરભાઈ ઠાકોરે સાબરમતી પોલીસ સ્ટેશન (Sabarmati Police Station) માં જમાઈ હર્ષ પ્રજાપતિ (રહે. પર્લ 78 રેસીડન્સી, સ્વામિનાયારણ મંદિર પાસે, ન્યુ રાણીપ) વિરૂદ્ધ હત્યાની ફરિયાદ આપી છે. ઈશ્વરભાઈ ઠાકોરની નાની દીકરી કોમલના પ્રથમ લગ્ન ગોતા ગામમાં રહેતા વિષ્ણુ ઠાકોર સાથે 17 વર્ષ પહેલાં થયા હતા. કોમલને વિષ્ણુ સાથે મનમેળ ન આવતા વર્ષ 2022માં સામાજિક રીતે છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા બાદ કોમલને ચાંદલોડીયાના રણછોડનગર ખાતે રહેતા હર્ષ પ્રજાપતિ સાથે પ્રેમસંબંધ થયો ગયો હતો. બંનેએ વર્ષ 2022માં લગ્ન કર્યા હતા અને વર્ષ 2024માં કોમલે એક સંતાનને જન્મ આપ્યો હતો. કર્ણાવતી ડેન્ટલ યુનિવર્સિટીમાં ઓટી આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતો હર્ષ ખાનગી ક્લિનીકમાં કમ્પાઉન્ડર તરીકે પણ નોકરી કરતો હતો.
ગત 4 એપ્રિલના રોજ હર્ષ પ્રજાપતિએ કોમલના મોત બાદ કહ્યું હતું કે, તે બાથરૂમમાંથી બહાર આવી તે પછી તેને ચક્કર આવ્યા અને પડી જતાં મોત થયું છે. મૃતક કોમલના પિતાને દીકરીના મોત અંગે શંકા જતાં તેમણે પૉસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જમાઈ હર્ષ પ્રજાપતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી તે કોમલને છૂટાછેડા આપવા માટે દબાણ કરતો અને આ મામલે બંને વચ્ચે ઝઘડા થતાં હોવાથી હત્યા કરાઈ હોવાનો આરોપ ઈશ્વરભાઈએ લગાવ્યો છે.








