નવજીવન ન્યૂઝ, જૂનાગઢ : વિવાદાસ્પદ કીર્તિ પટેલ સાથે થોડા સમય અગાઉ વિવાદમાં આવેલી જૂનાગઢની દિવ્યા સાવલાણી (Divya Savlani Junagadh) સામે પોલીસે વ્યાજખોરીની ફરિયાદ નોંધી છે. જૂનાગઢ શહેરમાં રહેતા અને ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા વ્યક્તિને 10 ટકા વ્યાજે મામૂલી રકમ આપી તેની પાસેથી બે કોરા ચેક પડાવી લીધા છે.
જૂનાગઢ જોષીપરામાં નંદનવન રોડ પર રહેતા અશરફભાઈ અનવરભાઈ બલોચને ફેબ્રુઆરી-2024માં 30 હજાર રૂપિયાની જરૂરિયાત હોવાથી દિવ્યા કિશોરભાઈ સાવલાણીનો સંપર્ક કર્યો હતો. દિવ્યાએ પોતાની પાસે વ્યાજવટાવનું લાયસન્સ હોવાનું કહી 30 હજાર આપી મહિને 10 ટકા વ્યાજની માગણી કરી હતી. દિવ્યાએ 30 હજારની લોન પર એડવાન્સ વ્યાજ પેટે 6 હજાર કાપી લઈને અશરફ બલોચને 24 હજાર રોકડા આપ્યા હતા. લોનની ગેરંટી પેટે બે સહી કરેલા કોરા ચેક પણ દિવ્યાએ લખાવી લીધા હતા.
ફરિયાદી અશરફ બલોચે શરૂઆતમાં દર ગુરુવારે બે હજારના રૂપિયાના હપ્તા ચૂકવ્યા હતા. અશરફભાઈ બાકીના હપ્તા ભરી નહીં શકતા દિવ્યા સાવલાણીએ તેમને ઑફિસે બોલાવીને “તું મને ઓળખતો નથી, મારી ઑફિસની નીચે જ મારા માણસો બેઠા છે, તારા ટાંટીયા ભંગાવી નાખીશ” તેમ કહી ધમકી આપી હતી. ડરી ગયેલા અશરફભાઈએ પોતાની પાસે રાખેલા દવા લેવા માટેના 6 હજાર રૂપિયા દિવ્યાએ પડાવી લીધા હતા. અશરફ બલોચની ફરિયાદના આધારે આરોપી મહિલા દિવ્યા સાવલાણીની Junagadh Police એ ધરપકડ કરી છે. આ મહિલા વિરુદ્ધ એક મહિના પહેલા પણ ખંડણી માગવાનો ગુનો નોંધાયો હતો.








