કિરણ કાપુરે (નવજીવન.અમદાવાદ): વિશ્વમાં રમકડાંની ખપત દિવસે ને દિવસે વધી રહી છે અને માર્કેટમાં મોંઘા રમકડાંનો ખડકલો થઈ રહ્યો છે. આ સ્પર્ધામાં હવે ભારત પણ જોડાય તેવી વડા પ્રધાનની નેમ છે. ટોય્ઝ બનાવવા ભારતનું સ્થાન ચોક્કસ બનવું જોઈએ અને વિદેશથી આવતાં ટોય્ઝ કરતાં સ્વદેશી ટોય્ઝ સારાં હોય તો બાળકો માટે વધુ યોગ્ય ગણાઈ શકે. પરંતુ દેશમાં આજે પણ જે વર્ગ ટોય્ઝ ખરીદી શકે છે તે મર્યાદિત છે અને મોંઘાદાટ રમકડાં ખરીદવામાં તો હજુય આપણો હિસ્સો નહિવત્ છે. સર્વવ્યાપી આ રમકડાંના બિઝનેસમાં જ્યાં કરોડો રૂપિયાની વાત થઈ રહી છે ત્યારે દેશના જ એક વ્યક્તિ ખૂબ સસ્તામાં-સરળતાથી મજાનાં રમકડાં ઘરે જ બનાવાનું શીખવે છે. આ વ્યક્તિનું નામ છે અરવિંદ ગુપ્તા. આજે તેઓને રમકડાં બનાવવામાં ચાર દાયકાનો સમય વિતાવી ચૂક્યા છે. આપણી આસપાસ દિવાસળી, માચિસબોક્સ, તાર, રબ્બર, બોક્સ જેવી વસ્તુઓથી અરવિંદ ગુપ્તા અદભુત રમકડાં બનાવી જાણે છે. આ રમકડાં કોઈ પણ બાળક ઘરે બનાવી શકે છે અને તે પણ એક જ વાર શીખવાથી. અરવિંદ ગુપ્તા રમકડાંની બાબતમાં ખરેખર આત્મનિર્ભરતાની મિસાલ બની ચૂક્યા છે.
માર્કેટમાં આજે અવનવાં રમકડાં આવી રહ્યા છે ત્યારે અરવિંદ ગુપ્તા દ્વારા ઘરે જ બનતાં રમકડાં કોઈને જૂનવાણી લાગી શકે, પરંતુ બાળકની કલ્પના ખિલવવા અરવિંદ ગુપ્તાનાં રમકડાં બનાવાવાની પ્રક્રિયા ખૂબ ઉપયોગી થઈ શકે. બાળકને નાની વયે કશું તૈયાર આપવા કરતાં જો તે બનાવટ કરવામાં પોતાની જાતને જોતરે તો તેનાથી ઉત્તમ વળી શું હોઈ શકે. ઘરના જ નકામા સામાનથી રમકડાં બનાવવાનો કન્સેપ્ટ કેટલો વિકસી શકે અને તેનાથી બાળકોને ઉપયોગી કેટકેટલું મળી શકે તે તો અરવિંદ ગુપ્તાએ બતાવી આપ્યું છે. આ ઉપરાંત, પણ તેઓએ રમકડાં નિર્માણમાં અદ્વિતિય શોધ કરી છે. રમકડાં બનાવવાનું કાર્ય તેમણે ખૂબ વિચારીને પસંદ કર્યું છે કારણ કે જ્યારે તેઓએ માત્ર રમકડાં પર ધ્યાન કેન્દ્રિત કર્યું ત્યારે તેમની પાસે ઓલરેડી ‘આઈઆઈટી’ની ડિગ્રી હતી. 1970ના વર્ષમાં કાનપુરથી ‘આઈઆઈટી’માંથી અભ્યાસ પૂર્ણ કરનાર અરવિંદ ગુપ્તા સામે વિકલ્પોની ભરમાર હતી. તેઓ ઇચ્છે એટલાં નાણાં રળી શકતા હતા, પરંતુ તેમણે સ્કૂલના અભ્યાસ દરમિયાન એક શિખ મળી હતી તેને તે વળગી રહ્યા અને આ રમકડાં બનાવવા તરફ વળ્યા. અરવિંદ ગુપ્તા જ્યારે નાના હતા ત્યારે તેઓને શાળાના એક શિક્ષકે નોટમાં લખી આપ્યું હતું કે, “જો તમારે ઈશ્વરને પ્રેમ કરવો હોય તો ગરીબોની સેવા કરો” આ વાત અરવિંદના બાળમાનસ પર કોરાઈ ગઈ અને જ્યારે તેમનું શિક્ષણ પૂર્ણ થયું ત્યારે તેઓએ આ વાક્યને જ અનુસરીને પોતાનો માર્ગ નક્કી કર્યો.
હવે સ્વાભાવિક છે કે જે ક્ષેત્રમાં કશું કામ થયું ન હોય, કશી તક ન હોય અને વળી તે વખતે રમકડાં પર ઇન્વેસ્ટ કરવા પણ કોણ તૈયાર થાય. એ વેળાએ અરવિંદે નક્કી કર્યું કે રમકડાં પર કામ કરીએ. આ અગાઉ સારાં પગારની નોકરી પણ અરવિંદ કરી ચૂક્યા હતા. પણ તેમાં મન ન લાગ્યું. તે વખતે દેશ આઝાદ થયાને બે દાયકા જ વિત્યા હતા ત્યારે તકો ઉઘડી રહી હતી, સાથે-સાથે રાજકીય વાતાવરણમાં બદલાવ આવી રહ્યો હતો અને સમાજ સુધારકો પણ નવી દીશામાં ડગ માંડવાનું વિચારી રહ્યા હતા. આ વખતે અરવિંદ પણ કશુંક નવું કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પહેલાં તો બાળકોને વિનામૂલ્યે ભણાવવાનું શરૂ કર્યું અને તેમાંથી એક દિવસ વિચાર આવ્યો કે બાળકોને ગમ્મત સાથે અભ્યાસ કરાવાય તો તે બાળકોના વિકાસમાં કેટલું મદદરૂપ થઈ શકે. બસ, પછી તો શું અરવિંદના વિચાર અવનવાં રમકડાં બનાવવા તરફ દોડવા માંડ્યા અને તેના પરીણામે લાખો બાળકો આજે અરવિંદના કહ્યા મુજબના રમકડાં બનાવવામાં આત્મનિર્ભર બની ચૂક્યા છે.
અરવિંદ ગુપ્તાએ જાતે જ જોયું કે રમકડાં દ્વારા બાળકોને શીખવવામાં સરળતા રહે છે અને પછી તો તે અંગે તેમણે અઢળક વાંચ્યું પણ ખરાં. એક મુલાકાતમાં તેમણે આ વિશે વિસ્તૃત વાત કરી છે. તેમના મતે, “મનોચિકિત્સક સુદ્ધા કહી ચૂક્યા છે કે ‘બાળકો સાથેની રમત એ ખૂબ ગંભીર બાબત’ છે અને જે બાળકો સારી રીતે રમતાં નથી તેમની કેળવણીમાં મર્યાદા રહી જવાની શક્યતા છે. ઇવન તેઓ મોટા થઈ ગયા પછી પણ તે ખામી પૂરી શકાતી નથી. બાળકો અલગ-અલગ વસ્તુઓને સ્પર્શ કરીને, તેને જોઈને, તેની સાથે રમીને વાસ્તવિક દુનિયાનો ખ્યાલ મેળવે છે અને તેનાથી ઘણું બંધું શીખે છે. રમકડાંથી તેનું મન, હાથ અને મસ્તિષ્ક એક જ દિશામાં પરોવાય છે, જેથી કરીને તેનાં હાથ તેને શીખવવામાં મદદ કરે છે. શાળામાં મહદંશે એક ઢબથી જ બધા બાળકોને શીખવાડાય છે, ત્યાં પ્રયોગોનો અવકાશ નહીવત્ છે તેથી બાળકોને ઘરે રમકડાં સાથે પ્રયોગ કરીને શિક્ષણ આપવું જોઈએ.”
એક જ ક્ષેત્રમાં આટઆટલાં વર્ષ આપવાથી અરવિંદ ગુપ્તા રમકડાંનાં દરેક પાસાં અંગે વિચારી શકે છે. માતા-પિતા બાળકોને મોંઘાદાટ રમકડાં અપાવે છે તે અંગે પણ તેમનું માનવું છે કે, મોંઘાદાટ રમકડાં જ્યારે ઘરમાં આવે છે ત્યારે બાળક તેને સાચવી સાચવીને રમવા અપાય છે. આ કરતાં જો બાળકોને ઘરમાં જ નકામી ચીજવસ્તુઓ દ્વારા રમકડાં બનવવાની કેળવણી આપવામાં આવે તો તે માટે અદભુત શીખવાનું ભાથું બની શકે. પરંતુ મહંદશે આજના માતા-પિતા પાસે સમયનો અભાવ છે અને તે શક્ય બનતું નથી. આ ઉપરાંત રમકડાં પસંદ કરવાને અંગે પણ અરવિંદ ગુપ્તાનો ચોક્કસ મત છે તેમના મતે બાળકને જ તેનાં રમકડાં પસંદ કરવા દેવા. સામાન્ય રીતે રમકડાંને ઉંમર પ્રમાણે કેટેગરાઇઝ્ડ કરવામાં આવે છે, પણ ખરેખર રમકડાં એવાં હોવા જોઈએ જે કોઈ પણ ઉંમરનું બાળક રમી શકે.
બાળકો સાથે આટલાં વર્ષો કામ કરીને અરવિંદ એવું ઠોસ પણે માને છે કે વર્તમાનના સંજોગોમાં માતા-પિતા બાળકોની જવાબદારી શાળા પર નાંખી દે છે, પરંતુ ખરેખર માતા-પિતા જ બાળકના ખરાં કેળવણીકાર છે અને તેથી માતા-પિતાએ પોતાની આવક ઓછી થાય તેમ છતાં પણ બાળકો સાથે વધુ ને વધુ સમય પસાર કરવો જોઈએ.
અરવિંદ ગુપ્તાએ બનાવેલાં રમકડાં માત્ર રમવા અર્થે નથી, બલકે તેમની વેબસાઈટ http://www.arvindguptatoys.com/ પર જઈએ તો જોઈ શકાય કે બાળકોને વિજ્ઞાન, ગણિતના કેટલાંક પાયાના નિયમ પણ રમતમાં રમતમાં કેવી રીતે શીખવાડી શકાય. રમકડાં પર કામ કરીને અરવિંદ ગુપ્તા પૂરા દેશભરમાં ખ્યાતિ મેળવી ચૂક્યા છે. સ્વાભાવિક છે કે તેમની ખ્યાતિ બાળકોમાં અને બાળકેળવણીકારોમાં વધુ છે. આ ઉપરાંત તેઓ પદ્મશ્રી, ડો. નરેન્દ્ર દાભોલકર મેમોરીયલ સન્માન, લોકમત પ્રેરણા એવોર્ડ અને અનેક રાજ્ય ને રાષ્ટ્રીય સ્તરના સન્માન મેળવી ચૂક્યા છે. અરવિંદ ગુપ્તાની વાત માનીએ તો માર્કેટમાં ટોય્ઝ ક્ષેત્રમાં સ્પર્ધા કરીએ તેનાં કરતાં બાળકો પાછળ સમય આપીએ તો તેનાથી લાંબાગાળાનું ટકાઉ પરીણામ મળી શકે.