Monday, September 9, 2024
HomeGujaratવો કાગઝ કી કશ્તી વો બારીશ કા પાની !

વો કાગઝ કી કશ્તી વો બારીશ કા પાની !

- Advertisement -

રામ મોરી (નવજીવન.અમદાવાદ): આંખ બંધ કરીએ અને નાનપણની એ ક્ષણોને વિચારીએ એટલે ચહેરા પર આપોઆપ અમુક સ્મિત અકબંધ થઈ જાય. બાળપણ કોરા કેનવાસ જેવું હોય છે. સમય અને અનુભવના રંગો એ કોરા કેનવાસ પર સંબંધોની નવી નવી ભાત પાડે અને એ રંગોની પાછળ કોરા કેનવાસ જેવું બાળપણ ઢંકાઈ જાય. એ મિત્રો જેની સાથે ખેતરમાંથી કાચી કેરી ચોરીને ખાધી હોય, નદીમાં નહાયા હો, સાથે બેસીને લેસન કર્યા હોય, ખુલ્લા ખેતરમાં કલાકો સુધી દોડ્યા હો, સાથે બેસીને ભરત ભર્યા હોય, વ્રત કર્યા હોય, રાતોની રાતો પરીક્ષા માટે સાથે બેસીને વાંચ્યું હોય, પાંચીકા, સાતકુકીથી માંડીને મોઈ દાંડી ને ક્રિકેટ સુધીની રમતો રમ્યા હોય એ બધા મિત્રો ને બહેનપણી અચાનકથી મોટા થઈ જાય ! ચહેરા પર આછી ઘાટી મુંછો ઉગી નીકળે, છાતી પર દુપટ્ટો નહીં રાખવાની સ્વાભાવિક આદતની જગ્યાએ સાડીના પાલવથી છાતી ઢાંકી રાખવાની સહજતા કેળવાઈ જાય.  સંબંધોની દરેક આંટી ઘુંટીથી આઝાદ હતા એ સમયમાંથી  સંબંધોના સરવાળા બાદબાકી કરતા પ્રદેશમાં પ્રવેશી ચૂક્યા છીએ. સમય બદલાઈ ગયો છે પણ ઉંડા શ્વાસ લઈ, નિરાંતે બેસીને આંખો મીંચીને વિચારશો તમારી અંદર એ બાળપણ અને કાચો કુંવારો હિસાબ છાતીમાં સળવળી ઉઠશે !

પાછળ જીવાયેલી જીંદગીની પોતાની ખુશ્બુ હોય છે. જીવાઈ ચુકેલા સંબંધોની મીઠાશ હોય છે. સ્મરણના પટારામાં એ સ્મૃતિઓ ગડીવાળીને એટલી વ્યવસ્થિત રીતે આપણે સાચવી હોય છે કે જ્યારે જ્યારે મૂડ ઓફ થાય કે કંટાળ્યા હોઈએ ત્યારે એ પટારો ખોલીએ એટલે વીતેલો સમય મૂડની લો બેટરી માટે ચાર્જરની ગરજ સારે છે. પણ સૌથી વધુ દુ:ખ ત્યારે થાય જ્યારે તમે જાણો કે તમે અને તમારા જૂના મિત્રો વચ્ચેની સાહજીકતા હવે મરી પરવારી છે! થોડો આંચકો ત્યારે પણ લાગે કે જે સ્મૃતિમાં તમે બારેમાસ લીલા રહેતા હતા એ ઘટનાઓ તો કદાચ એમને યાદ પણ નથી !

- Advertisement -

મિત્રોમાં એક હદ સુધી ફરિયાદો ચાલ્યા કરે અને પછી ધીમે ધીમે ફરિયાદો શાંત થવા લાગે. અભાવો શમી જાય છે. સંબંધોમાં જ્યારે ફરિયાદ શમી જાય ત્યારે એ પરિસ્થિતિ ખરેખર ચિંતાજનક છે. ફરિયાદો ને નાના અભાવો ને હક જતાવવાની ક્ષણો એ બે લોકોને એકબીજાની નજીક લાવે છે. તકલીફ ત્યારે થાય જ્યારે તમને એ સત્ય સમજાઈ જાય કે ભૂતકાળના નામે જે ઘટનાઓ બાબતે તમે હરખાઓ છો એ ઘટનાઓ તો હવે તમારા મિત્રો માટે સ્ટુપીડીટી છે. તમે તમારા જીવનની દરેક વાતો એટલા જ ઉત્સાહ સાથે તમારા મિત્રોને કરતા રહો, તમારા જીવન સાથે જોડાયેલા દરેક પ્રસંગોમાં તમે સતત એમને ઈનવોલ્વ કરતા રહો અને પછી તમને સમજાય કે તમારો હરખ તો તમારા મિત્રો માટે વધારાનો ભાર માત્ર હતો. એમના જીવનમાં બનેલી મહત્વની ક્ષણો બાબતે જ્યારે તમને સોશિયલ મિડિયા દ્વારા કે થર્ડ પર્સન દ્વારા જાણવા મળે ત્યારે તમને સમજાય છે કે જે સંબંધના ભ્રમમાં તમે જીવતા હતા એમાં તમે એકલા જ હતા !

પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા પછી વર્ષો બાદ જૂના મિત્રો, ક્લાસમેટને મળીએ ત્યારે સાહજીકતા વર્તાતી નથી એવું તમને ઘણીવાર અનુભવાયું હશે. એવું લાગે કે બંને પક્ષે કૃત્રિમતા વધી ગઈ છે. સહજતાથી હસી નથી શકાતું. દરેક વાત પર જાણે અજાણ્યે આપણે ધ્યાન રાખીએ છીએ કે ક્યાંક કોઈ એવી વાત ન થઈ જાય કે સામસામે કોઈ મનદુ:ખ ન થઈ જાય, કોઈને ખોટું ન લાગી જાય. કેટલી કરૂણતા કે તમે ખુલ્લી હથેળી જેવું વર્તી પણ ન શકો, ખુલ્લા મને હસી પણ ન શકો. એકબીજાને પોતપોતાની સફળતા અને સિદ્ધિઓથી આંજી દેવાની લ્હાયમાં ભૂતકાળમાં એક મુઠી ખારીશીંગ વહેંચી ખાતા હતા એ સરળતા ભૂલાઈ જાય છે. નાનપણમાં એકબીજાની નબળાઈને આપણે કોઈ આડંબર વગર આપણે રજૂ કરી શકતા. સમય જતા જ્યારે જૂના મિત્રો મળતા હોય છે ત્યારે એક અવેરનેસ આવી જાય કે આપણે આપણી નબળાઈને ઢાંકીને આપણે આપણી સબળાઈઓ રજૂ કરીને આપણે આપણો પાવર સાબિત કરવાનો છે. જે મિત્રો આપણો ચહેરો જોઈને સમજી જતા કે ‘ધેર ઈઝ સમથીંગ રોંગ વીથ મી’ એ મિત્રો આગળ જતા તમને ભાંગી પડેલો જુએ તો પણ તમારા હાલ પૂછવાનો એને સમય ન હોય એવું પણ બની જ શકે. સમયનો એક ખંડ એવો હોય છે જ્યાં તમે આ મિત્રો સાથે સોનાની સુગંધવાળી ક્ષણો ભરપેટ જીવી લેતા હો છો અને પછી સીધો એવો સમય આવે જ્યારે તમારા સંબંધમાં અફાટ રણ પથરાયેલું હોય છે. વચ્ચે વચ્ચે મૃગજળ જેવી પાછલા સમયની સ્મૃતિ તમને ભ્રમમાં સુખી રાખે છે. હવે, પ્રશ્ન એ થાય કે તો એ સમય સાચો હતો કે આ સમય સાચો છે?એ લોકો ખોટા પડ્યા કે ક્યાંય આપણે જ આપણી સચ્ચાઈ ને ખરાઈ સાબિત કરવામાં પાછા પડ્યા?આનો જવાબ બહુ સરળ છે જે જર્મન લેખક હરમાન હેસની નવલકથા સિદ્ધાર્થમાં સમાયેલો છે.  “જીવન એક નદી જેવું છે. નદીના નીરમાં જે કંઈ પણ આવે એ તણખલાં હોય કે મોટા મોટા તખ્તા… બધું જ વહી જાય છે… જન્મ અને મૃત્યુ એ આ નદીના બે કાંઠા છે જેની સમાંતરે જીવન નદી વહ્યા કરે છે. જે તમારું છે એ તમારી પાસે આવી જાય છે ને જે તમારું નથી એ ક્યાંય અટકતું નથી… તો માણસે શું કરવું જોઈએ ?માણસે ફરિયાદ કર્યા વિના પાણીની જેમ આગળ વધતું રહેવું જોઈએ કેમકે બંધન એ જળ કે જીવન બંનેમાંથી કોઈનો સ્વભાવ નથી !’’ ઈનશોર્ટ મુવ ઓન… તમને ખબર નથી કે જીવનના કયા વળાંકે કયો સંબંધ તમારી રાહ જોઈને ઉભો છે. અહીંથી આગળ વધશો તો એ વળાંક પર રાહ જોતા સંબંધ સુધી પહોંચી શકશો !

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular