નવજીવન ન્યૂઝ. વેરાવળ: Veraval Crime News: સામાન્ય રીતે પોલીસનું કામ પ્રજાનું રક્ષણ કરવાનું છે પરંતુ કેટલાક પોલીસ કર્મચારીઓ રક્ષણના બદલે ખુદ જ ગુંડા બની જતા હોય છે. રાજ્યમાં પુલીસ વાલા ગુંડા ફિલ્મ જેવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે આવો જ કિસ્સો ગીર સોમનાથ(Gir Somnath) જિલ્લાના વેરાવળમાં(Veraval) પ્રકાશમાં આવ્યો છે. જેમાં ગરીબ પાન-બીડીના દુકાનદાર સાથે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના (Veraval Police) એક પોલીસ કર્મચારીનું અસામાજિક તત્વો(anti-social elements) જેવું વર્તન સામે આવ્યુ છે. પોલીસના અસામાજિક કાર્યના સીસીટીવી ફૂટેજ સામે આવતા ગુંડા જેવા પોલીસકર્મી પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

મળતી વિગતો મુજબ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાન-બીડીની કેબિન ચલાવતા વેપારીને પોલીસકર્મીએ ઢોર માર માર્યો હોવાનો કથિત વીડિયો સામે આવ્યો છે. પોલીસને પીડિત ચીના સામત પરમારે કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ ગત તારીખ 31 જાન્યુઆરીના રોજ રાત્રે 11:30 વાગ્યા આસપાસ દુકાન પર હતા. દરમિયાન પોલીસવાન ત્યાંથી પસાર થઈ અને તેમણે ક્હયું કે દુકાન સાડા અગિયાર વાગ્યે કેમ ખુલી રાખો છો? જેના જવાબમાં ચીનાભાઈએ કહ્યું કે બહાર પડેલો સામાન અંદર મુકી દુકાન વસ્તી કરી લઉં છું. પરંતુ આ બાબતે પીસીઆરમાં સવાર પોલીસકર્મીએ બોલાચાલી કરી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા પીડિત ચીનાભાઈએ સભ્યતાથી વાત કરવાનું કહેતા પોલીસ કર્મચારી ગિન્નાયો હતો.
કથિત રીતે અસામાજિક તત્વો જેવા વર્તન બાદ ગિન્નાયેલા પોલીસ કર્મચારીએ ચીનાભાઈને જાહેર ચોકમાં લઈ જઈ માર મારવાનું શરૂ કર્યું હતું. ચીનાભાઈને ઢોર માર મારતા હોવાના કથિત સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કોઈ વ્યક્તિને લાકડી વડે ફટકારવામાં આવે છે, સાથે જ આસપાસ બે પોલીસની પીસીઆર વાન પણ જોવા મળે છે અને એક પીસીઆર વાન તો જાણે પીડિત વ્યક્તિની પાછળ દોડાવવામાં આવતી હોય તેવું જણાય છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ વિડીયો પરથી કોઈ તારણ નહીં મળતા નવજીવન ન્યૂઝના પત્રકારે પ્રભાસ-પાટણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા માહિતી મળી હતી કે કથિત ઘટના મામલે, ‘પીડિત ચીનાભાઈએ પોલીસ કર્મચારી હાર્દિકસિંહ પર ઢોર માર માર્યાનો આરોપ લગાવ્યો છે.’
નવજીવન ન્યૂઝના પત્રકારે પોલીસ સ્ટેશન સુધી પહોંચેલી ફરિયાદની આંશિક ખરાઈ કર્યા બાદ આ મામલે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર એસ.પી. ગોહિલ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઈન્સ્પેક્ટર એસ.પી. ગોહિલનો ફોન બંધ હોવાનું જણાયું છે. સાથે જ ફરિયાદી પીડિત ચીનાભાઈ અને તેમના ભાઈનો પણ સંપર્ક કરવામાં આવતા તેમના પણ ફોન સ્વિચ ઑફ મળ્યા હતા. ત્યારે આ મામલે સુત્રો જણાવે છે કે, ગતરોજથી જ ઘટનાને દબાવી દેવા માટે પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં પોલીસ અધિકારીઓના કહેવાથી રાજકારણીઓ સમજાવટ માટે મેદાને ઉતર્યા હતા. પરંતુ પીડિત દ્વારા સમાધાનની કોઈ પણ ફોર્મ્યુલા સ્વિકાર કરવામાં નહીં આવતા હવે સામાજિક દબાણ લાવી સમાધાન માટે સમજાવટ ચાલી રહી છે. ત્યારે જોવું રહ્યું કે પોલીસમાં જોડાઈ અસામાજિક તત્વો જેવા કાર્યો કરતા પોલીસકર્મચારી પર કાર્યવાહી થાય છે કે, પીડિતને સમજાવટ કરી ન્યાયથી વંચીત રાખવામાં આવે છે.
(માહિતી સાભાર: પરાગ સંગતાણી, વેરાવળ)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








