Friday, May 1, 2026
HomeGeneralમોડાસા હાઈસ્કૂલની ધો.11 ની વિદ્યાર્થીનીને કોરોના, જીલ્લામાં 5 લોકો પોઝિટિવ, આરોગ્યતંત્ર અંધારામાં

મોડાસા હાઈસ્કૂલની ધો.11 ની વિદ્યાર્થીનીને કોરોના, જીલ્લામાં 5 લોકો પોઝિટિવ, આરોગ્યતંત્ર અંધારામાં

- Advertisement -

નવજીવન. મોડાસા: ગુજરાતમાં ફરી એક વાર કોરોના માથું ઉંચકી રહ્યો છે, રાજ્યની શાળાઓમાં બાળકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે, તે જોતા લાગી રહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે ત્યારે અરવલ્લી જીલ્લામાં કોરોનાનો શાળામાં પગપેસારો થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. મોડાસા શહેરમાં આવેલી નામાંકિત શૈક્ષણિક સંકુલની કે.એન.શાહ મોડાસા હાઈસ્કૂલની ધો.૧૧ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સંક્રમિત થતા કોવીડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી. જીલ્લામાં ૨૪ કલાકમાં ૫ લોકો કોરોના સંક્રમિત થયા હોવાનું રાજ્ય સરકારે જાહેર કરેલ આંકડામાં બહાર આવ્યું હતું. બીજીબાજુ જીલ્લા આરોગ્ય તંત્ર અંધારામાં હોય તેમ જીલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓ અંગે મગનું નામ મરી ન પાડતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

મોડાસા શહેરની કે.એન.શાહ હાઈસ્કૂલમાં ધો.૧૧ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીને શરદી,ખાંસી અને તાવ સાથે શંકાસ્પદ લક્ષણો જણાતા મોડાસાની કોવીડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા વિદ્યાર્થીની કોરોના સંક્રમિત હોવાનું બહાર આવતા વિદ્યાર્થીઓ સહીત વાલીઓમાં ફફડાટ ફેલાયો હતો. મોડાસા હાઈસ્કૂલમાં ૧૧ સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની માલપુર તાલુકાના સાતરડા ગામની હોવાથી આરોગ્ય તંત્રએ સાતરડા ગામમાં સર્વેની કામગીરી હાથધરી સમગ્ર વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવા તજવીજ હાથધરી હતી. રાજ્યમાં અનેક શહેરોમાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બની રહ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લામાં સૌ પ્રથમ વાર વિદ્યાર્થીની કોરોના સંક્રમિત બનતા આગામી સમયમાં અન્ય વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણનું સંકટ મંડરાઈ રહ્યો છે.

- Advertisement -



શાળાઓ ફરી ઓનલાઈન શરૂ કરવાની માગ

મહત્વનું છે વિદ્યાર્થીઓમાં વધી રહેલા સંક્રમણને જોતા વાલીઓ દ્વારા શાળાઓ ફરી ઓનલાઈન શરૂ કરવાની માગ કરવામાં આવી રહી છે.. જ્યારે શિક્ષણ મંત્રીએ હાલ શાળાઓ નહીં બંધ કરવાનું સૂચન આપ્યું છે. અને કોવિડની ગાઈડ લાઈનનું પાલન કરવા માટે કહેવાયું છે.ત્યારે સવાલ એ થાય છે કે, વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓ સંક્રમિત થશે તો તેના માટે જવાબદાર કોણ હશે?…ત્રીજી લહેરની સંભવિતતા વચ્ચે બાળકોના આરોગ્ય સાથે આવું જોખમ કેમ લઈ રહ્યું છે શિક્ષણ વિભાગ?… શાળાઓ વિદ્યાર્થીઓને ફરજિયાત શાળાએ આવવાની ફરજ પાડે છે તેનુ શું? સરકાર શા માટે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા નથી કરતી? વિદ્યાર્થી સંક્રમિત થાય તે પછી શાળા બંધ કરાવો છો તો હાલની સ્થિતિને ધ્યાને રાખીને ક્યારે નિર્ણય લેશે સરકાર? સહીતની ચર્ચાએ જોર પકડ્યું છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular