નવજીવન. અરવલ્લીઃ અરવલ્લી જીલ્લાના નિર્માણને ૮ વર્ષ પુરા થવા છતાં હજુ સુધી સિવિલ હોસ્પિટલથી વંચિત છે. જિલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના શામળાજી રોડ પર જીલ્લા સેવાસદન નજીક સિવિલ હોસ્પિટલ માટે જમીનની ફાળવણી થઇ ગઈ છે. મુખ્યમંત્રીની મોડાસા શહેરની મુલાકાત પછી જિલ્લાની તાતી જરૂરિયાત એવી સિવિલ હોસ્પિટલ માટે ૧૨૧ કરોડની ગ્રાન્ટ મંજુર કરાયાને દોઢ મહિના કરતા વધુનો સમય થવા છતાં સિવિલ હોસ્પિટલના નિર્માણ માટે એક પણ ઈંટ ન મુકતા જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લામાં સત્વરે સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવે તે માટે ટાઉન હોલ ખાતે 5 દિવસ સુધી ધરણા કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેમાં પ્રથમ દિવસે જીલ્લા પ્રમુખ, ઉપપ્રમુખ, મોડાસા અને બાયડના ધારાસભ્ય તેમજ કોર્પોરેટર ધરણા પર બેઠા હતા.
કોરોના સંક્રમણની બીજી લહેરમાં સિવિલ હોસ્પિટલના અભાવે લોકોએ મોંઘીદાટ સારવાર લેવાની ફરજ પડી હોવાની સાથે કોરોના સંક્રમિત દર્દીઓને સમયસર સારવાર ન મળતા અનેક દર્દીઓએ દમ તોડી દીધો હતો. જિલ્લામાં ત્રીજી લહેંરમાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે લોકોના આરોગ્યલક્ષી સેવાઓ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે અરવલ્લી જીલ્લા કોંગ્રેસ સમિતિએ સીવીલ હોસ્પિટલના નિર્માણ માટે ધરણા કાર્યક્રમ પછી પણ કામકાજ શરુ નહિ થાય તો જલદ અંદોલની ચીમકી ઉચ્ચારી હતી.








