નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર અકસ્માતમાં (Ahmedabad Iskcon Accident) 9 લોકોના જીવન કચડાઈ ગયા જેની શાહી હજુ સુધી સુકાઈ નથી. ત્યાં તો વધુ એક અકસ્માત ગઈકાલે અમદાવાદમાં (Ahmedabad) સર્જાયો હતો. નશામાં ધૂત કાર ચાલકે BMW કાર પરથી કાબુ ગુમાવતા અકસ્માત (BMW Car Accident) સર્જ્યો હતો. BMW કાર ચાલકે જજીસ બંગલાથી લઈને માણેકબાગ સુધી બેફામ કાર ચલાવી હતી. માણેકબાગ નજીક કાર ચાલકે કાર પરથી નિયત્રંણ ગુમાવતા ફુટપાથ સાથે કાર અથડાવી હતી. જોકે કાર ચાલક અકસ્માત બાદ ભાગવા જતાં સ્થાનિક લોકોના ટોળાએ કાર ચાકલને ઝડપી પાડ્યો હતો.
અમદાવાદમાં ગઈકાલ રાત્રે વધુ એક નબીરાએ BMW કારથી અકસ્માત સર્જ્યો છે. BMW કાર નંબર GJ01 KA 6566ના ચાલકે રાત્રીના એક વાગ્યાની આસપાસ માણેકબાગ નજીક અકસ્મતા સર્જ્યો હતો. કાર ચાલકે આડેધડ કાર ચલાવીને ફુટપાથ સાથે અથડાવી હતી. જેના કારણે કારનું ટાયર પણ નીકળી ગયું હતું જેથી કાર થંભી ગઈ હતી. કાર ચાલક નશામાં એટલો ઘૂત હતો કે તેના શરીર પર પણ કાબુ પણ રહ્યો ન હતો. અકસ્માત બાદ કાર ચાકલે કારમાંથી નીકળીને ઊલટી પણ કરી હતી અને તે જ ઊલટી પર બેસી ગયો હતો. અકસ્માત સર્જ્યા બાદ ઘટના સ્થળ પરથી કાર ચાલકે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતું સ્થાનિક લોકોએ તેને ઝડપી પાડીને પોલીસને જાણ કરી હતી. પોલીસને આ બનાવની જાણ થતાં સ્થળ પર આવીને કાર ચાલક કમલેશ બિશ્નોઈની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ગત બુધવારની રાત્રીના સમયે ઈસ્કોનબ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં નવ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ બનાવ બાદ બોધપાઠ લઈને રાત્રીના સમયે નબીરાઓ પર અંકુશમાં લાવવા માટે અમદાવાદની પોલીસ અચાનક જાગી છે. આ અકસ્માત બાદ રાત્રીના સમયે અમદાવાદમાં પોલીસ દ્વારા સધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, તેમ છતાં દારૂ પીને છાકટા થઈને વાહન ચલાવતા નબીરાઓ પર અંકુશ લાવવામાં નિષ્ફળ થઈ રહી હોય તેવું ગઈકાલના અકસ્માત પરથી જોવા મળી રહ્યું છે. જો પોલીસ દ્વારા ઠેર-ઠેર ચેકિંગ કરવામાં આવતું હોય તો પોલીસના હાથે આ કાર ચાલક કેમ ઝડપાયો નહીં તે પણ એક મોટો સવાલ છે.
BMW કાર ચાલક દ્વારા જજીસ બંગલાથી લઈને માણેકબાગ સુધી બેફામ કાર ચલાવી તો પોલીસના ધ્યાનમાં કેમ આ કાર આવી નહીં, માણેકબાગ ખાતે BMW કાર ડિવાયડર સાથે અથડાતા કારનું ટાયર ફાટી ગયું હતું. જેના કારણે કાર ચાલકે કારને ઊભી રાખી દીધી હતી. ત્યારબાદ કાર ચાલક સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતું સ્થાનિક લોકોએ તેને ઝડપી પાડ્યો હતો. જે કામ પોલીસને કરવાનું હતું તે કામ સ્થાનિક લોકોએ કર્યું હતું. જો પોલીસ આખી રાત જાગીને નબીરાઓને અંકુશમાં લાવી રહ્યા હોય તો આ પ્રકારની ઘટના કેવી રીતે બને? ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં અમદાવાદમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ સામે આવી રહ્યા છે. તો શું આ નબીરાઓ પાતાળમાંથી દારૂ શોધીને લાવતા હશે, જો નબીરાઓને દારૂની બોટલો મળી જતી હોય તો, પોલીસને દારૂ વેચનારા બુટલેગરની કેમ જાણ નથી હોતી તે પણ એક મોટો સવાલ છે. આ પ્રકારના ઘટનાઓ બાદ સૌથી મોટો સવાલ એ થાય કે શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી છે ખરી?
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








