નવજીવન ન્યૂઝ. આણંદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા થકી લોકો સાથે છેતરપીંડીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આણંદમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. સમલૈંગિક સબંધોમાં રસ ધરાવતા લોકોને માયાજાળમાં ફસાવીને લોકો જોડે પૈસા પડાવતી ટોળકીનો પર્દાફાશ થયો છે.
માહિતી અનુસાર, સુરતનો એક વ્યક્તિ પોતાના સબંઘીને મળવા માટે આણંદ આવ્યો હતો. તે દરમિયાન ગ્રાઈડર નામની એપ પર અજાણ્યા વ્યક્તિનો મેસેજ આવતા વાતચીત શરૂ કરી હતી. ત્યારબાદ એકબીજા વીડિયો કોલના મારફતે વધુ મિત્રતા કરવા કેળવા હોટલમાં મળવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ બંને હોટલ દર્શન ઈન ખાતે ભેગા થયા હતા. અજાણ્યો વ્યક્તિ ફરિયાદીને રૂમમા લઈ ગયો હતો અને ત્યા ચોરી છુપીથી તેનો અશ્લિલ વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો.
અશ્લિલ વીડિયો ઉતાર્યા બાદ અન્ય સાથે મળીને ફરિયાદીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 4000 રોકડ અને 40 હજારની સોનાની ચેન પડાવી લીધી હતી. ઉપરાંત બીજા 5 લાખની માગણી કરી હતી. જો કે સમગ્ર મામલે ભોગ બનારે આણંદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ ઈન્સપેકટર વાય.આર.ચૌહાણ અને પોલીસ સબ ઈન્પેકટર આઈ.એન.ઘાસુરાએ હ્યુમન રીસોર્સીસ અને ટેકનીકલની મદદથી આ ગુનામાં સંડોવાયેલા મેરૂ બહાદુર રબારી, તનવીર અહેમદ જુનેજા, શક્તિ મનોજ બાજીપુરા, આશિફ અલી લિયાકતની ધરપકડ કરી છે. જ્યારે કુલદીપ દીપક ચારોલ ફરાર છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ આંણદ અને અન્ય શહેરોમાં અનેક સોશિયલ મીડિયાના માધ્યમથી સમલૈંગિક સબંધોમાં રસ ધરાવતા પુરુષો જોડે મિત્રતા કેળવી ત્યારબાદ હોટલમાં બોલાવીને અશ્લિલ વીડિયો ઉતારી લેતા હતા અને તેને વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઈલ કરી પૈસા પડાવતા હતા. પોલીસે આરોપી પાસેથી એક સ્વીફ્ટ કાર, 6 મોબાઈલ, 3 ધારદાર ચાકુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ અગાઉ લૂંટ, ચોરી, મારામારી અને પ્રોહીબીશનના ગુનામાં પકડાઈ ચુક્યા છે.








