નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ હાલ રાજ્યમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે. જેના કારણે નદી, કેનાલ અને તળાવની જળ સપાટીમાં વધારો થયો છે. જેથી તંત્ર દ્વારા નદી, કેનાલમાં વધતાં પાણીના પ્રવાહને કારણે લોકોને સચેત કરવામાં પણ આવે છે. તેમ છતાં કેટલાક લોકો નવા નીરને જોઈને ન્હાવા માટે પહોંચી જતાં હોય છે અને તેમને જીવ પણ ગુમાવવાનો વારો આવતો હોય છે. આવી જ એક ઘટના શુક્રવારે ખેડા (Kheda) જિલ્લામાં આવેલી મેશ્વા કેનાલમાં (Narmada Canal) બની છે. અમદાવાદના (Ahmedabad) ત્રણ કિશોરે આ કેનાલમાં ન્હાવા જવા માટેનો પ્લાન બનાવ્યો હતો. આ દરમિયાન કેનાલમાં ન્હાતી વખતે બે કિશોરના કેનાલમાં તણાયા હતા. કલાકોની શોધખોળ બાદ આખરે બે કિશોરના મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલા રાધેશ્યામ હાઉસિંગ બોર્ડમાં રહેતા મોહિતકુમાર કેદારપ્રસાદ ભગત, જયસ્વાલ પ્રાંજલ અજયભાઈ અને સચિન જેસિંગભાઈ રાજપુત આ ત્રણેય સગીર મિત્રો ઘરેથી બાઈક લઈને શાળાએ જવાના બદલે, મોહિતનું ધોરણ 10નું પરિણામ લેવા માટે ગેરતપુરમાં આવેલી નૂતન સ્કૂલમાં ગયા હતા. મોહિત ધોરણ 10માં પાસ થઈ ગયો હોવાનું પરિણામ આવતાં ત્રણેય મિત્રોએ ઘરે જવાની જગ્યાએ મિત્ર પાસ થયો તે ખુશીમાં કેનાલમાં ન્હાવા જવા માટે પ્લાન બનાવ્યો હતો.

બાદમાં ત્રણેય મિત્રો ખેડા જિલ્લાના માહિજથી પસાર થતી મેશ્વા કેનાલમાં ન્હાવા માટે સવારે 11 વાગ્યે પહોંચી ગયા હતા. ત્યાં પહેલાં ત્રણેય મિત્રો નાની કેનાલમાં ન્હાવા માટે પડ્યા અને ત્યારબાદ નાની કેનાલની બાજુમાંથી પસાર થતી મોટી કેનાલમાં મોહિત અને પ્રાંજલ ન્હાવા માટે પડ્યા હતા. મોટી કેનાલમાં વધુ પાણી હોવાથી સચિન કેનાલમાં ન્હાવા માટે ગયો ન હતો. મોહિત અને પ્રાંજલ મોટી કેનાલમાં પડ્યા બાદ થોડા સમય વીતી ગયો હતો. પરંતુ કેનાલમાં બંને મિત્રો ન દેખાતા સચિને બૂમાબૂમ કરીને સ્થાનિક લોકોને ઘટનાની જાણ કરી હતી. જેને પગલે ગ્રામજનો અને પોલીસ કેનાલ પાસે દોડી આવ્યા હતા.
સ્થાનિક તરવૈયાની મદદથી કેનાલમાં ડુબી ગયેલા બંને કિશોરની શોઘખોળ કરવામાં આવી હતી. તેમ જ ઘટનાની જાણ સિંચાઈ વિભાગને કરવામાં આવતા રાસ્કાથી કેનાલમાં પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું તથા માહિજ અને બિડજ વચ્ચે આવતી કાજીપુરા બ્રાંચમાં કેનાલનું પાણી ડાયવર્ટ કરી દેવામાં આવ્યું હતું. કલાકોની ભારે જહેમત બાદ આખરે સાંજે 5 વાગ્યે મોહિત અને પ્રાંજલનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો. મોટી કેનાલમાં 20થી 50 ફૂટ ઊંડું પાણી હોવાથી બંને કિશોર જે જગ્યા પર ન્હાવા માટે પડ્યા હતા, ત્યાંથી 50 મીટરના અંતરેથી બંનેની લાશ મળી આવી હતી. આ અંગેની જાણ પરિવારને કરવામાં આવતા કિશોરોનો મૃતદેહ જોઈને પરિવારજનો આધાતમાં સરી પડ્યા હતા.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796