આજની ભાગદોડ અને જવાબદારીથી ભરેલી જિંદગીમાં દરેક જણ ક્યાંકને ક્યાંક વિરામ શોધે છે. 4gના યુગમાં 6gની સ્પીડે ચાલતી જિંદગી પણ ક્યારેક એક બ્રેક ઇચ્છે છે. આવો જ કંઈક બ્રેક લીધો સર્વોદય વિદ્યામંદિરના પૂર્વ વિદ્યાર્થીઓએ.

પૂર્વ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી સર્વોદય વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ અનોખી રીતે શિક્ષકદિન ઉજવ્યો હતો. ગત રવિવારે શિક્ષકદિન નિમિતે વર્ષ 1989માં વધુ અભ્યાસ માટે શાળા છોડીને ગયેલા 75 કરતાં વધારે વિદ્યાર્થીઓ શાળામાં એકઠા થયાં હતાં. આ ઉજવણીમાં શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષકો પણ હાજર રહ્યા હતા.
આ ઉજવણીમાં ભાગ લેવા અમદાવાદ, સુરત, રાજકોટ, વાપી, પાલનપુર તેમજ ગુજરાતભરમાં સ્થાયી થયેલા પૂર્વ વિદ્યાર્થીઓ એકઠા થયાં હતાં. વિદ્યાર્થીઓએ શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષકોનું સાલ ઓઢાડીને તથા મોમેન્ટો આપીને સન્માન કર્યું હતું. આ એક દિવસની ઉજવણી દરમિયાન તેઓએ બાળપણની સ્કૂલડેયઝની યાદોને વાગોળી હતી. અને જે ક્લાસરૂમમાં તેઓ ભણતા, મસ્તી કરતાં તે જ ક્લાસરૂમમાં સમૂહભોજનની મિજબાની માણી હતી.









