આદરણી રત્નાકરજી,
તમારા નામ અને કામથી અમે વાકેફ છીએ, વિપરીત સ્થિતિને અનુકુળ બનાવવાનું ટાસ્ક કાયમ તમારા ભાગે આવે છે, ગુજરાતમાં તમને પાર્ટી દ્વારા નવી જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે તમે નવા પ્રદેશ અને નવા લોકો વચ્ચે આવ્યા છો, ગાંધી અને સરદારના ગુજરામાં તમારૂ સ્વાગત છે. તમને આ મારો પહેલો પત્ર છે. તમારા માટે મારૂ નામ ચોક્કસ અજાણ્યુ હશે પણ તમારા સાથીઓ અને તમારી પાર્ટી મારાથી ખુબ સારી રીતે વાકેફ છે, તમે ગુજરાતમાં આવ્યા પછી ગાંધી ટોપીના મુદ્દે જે ટવીટ કર્યુ ત્યારે જ મને ઈચ્છા હતી કે તમને એક પત્ર લખવો જોઈએ, પરંતુ મુદ્દો એટલો ક્ષુલ્લક હતો કે મને લાગ્યુ કે આ મુદ્દે મારો અને તમારો સમય બગાડવો જોઈએ નહીં, પણ ખેર તમારી પ્રયાસને હું આવકારુ છુ કારણ તમે તમારી ગાંધી ટોપીની ટવીટ હટાવી દીધી, આપણે બધા જ કયારેકને કયારેક ભુલ કરીએ છીએ અને કરતા રહીશુ પરંતુ આપણી ભુલનો અહેસાસ જયારે આપણને થાય અને તે ભુલનો આપણે સ્વીકાર કરીએ તે જ ઉત્તમ બાબત છે,. તમે તે મુદ્દો સરળ છો તેવુ મને લાગે છે.
પરંતુ આજે પત્ર લખવા બેઠો છુ ત્યારે કેટલીક વાત કોઈ પણ પ્રકારની કડવાશ અને પુર્વગ્રહ વગર લખી રહ્યો છુ અને મનની મોકળાશ સાથે તમને મનની વાત કરૂ છુ, જયાં સુધી તમારી પહેલી ટવીટનો સવાલ હતો કે ગાંધી કયારેય ટોપી પહેરતા ન્હોતા, અને જેને આપણે ગાંધી ગાંધી ટોપી કહીએ છીએ તે નહેરૂ પહેરતા હતા તો તે વાત સાચી નથી, ગુજરાત અને મહારાષ્ટ્રમાં વડિલો એક ચોક્કસ પ્રકારની ટોપી આજે પણ પહેરે છે, આ ટોપીને નહેરુ સાથે કોઈ નીસ્બત નથી ગુજરાતના મોરારજી દેસાઈ પણ આ જ ટોપી પહેરતા હતા, ભાજપની વાત કરીએ તો ભાજપના જ નેતા આત્મારામ પટેલ જેમને અમે આત્મારામ કાકા નામે ઓળખીએ છીએ તે પણ આ પ્રકારની ટોપી પહેરતા હતા,. ઈતિહાસના થોડાક પાના ઉથલાવીએ તો ગાંધીની ટોપી પહેરેલી અનેક તસવીરો ઈતિહાસમાં મોજુદ છે.
ટોપી માત્ર એક માથુ ઠાકવાનું કપડુ નથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં તે જીવનની એક પરંપરા રહી છે, ટોપીને આ બંન્ને પ્રદેશના લોકો પોતાનું સન્માન માને છે, પછી તમે તેને ગાંધી ટોપી કહો કે નહેરૂ ટોપી તેનો તેમને કોઈ ફેર પડતો નથી, જયારે માણસ પોતાની લાચારી કોઈને સામે વ્યકત કરે ત્યારે પોતાના માથા ઉપરની ટોપી ઉતારી હાથ જોડી ઉભો રહે આમ ગાંધી ટોપી તે એક સન્માનનું પ્રતિક છે એટલે ટોપીને ગાંધી નહેરૂના પરિપ્રેક્ષમાં જોવા કરતા જુદી રીતે જોવાની જરૂર છે, તમે રાજકિય પક્ષના આગેવાન છો એટલે તમારે દરેક ઘટનાને રાજકિય રીતે જોવી પડી અને વિરોધી મત ધરાવનાર રાજકિય પક્ષને તેમની ભાષામાં જવાબ આપવો પડે તેની ના નથી પણ તેવુ કરવામાં આપણે ઈતિહાસ પુરુષોને વચ્ચે લાવવા જોઈએ નહીં તેવો મારો વ્યકિતગત મત છે,
ગાંધી નહેરૂ અને સરદારે સહિત તેમના સાથીઓએ જે કઈ દેશ માટે કર્યુ તે આપણી સમજ, તાકાત અને હેસીયત બહારનું છે, તેઓ બધા જ સાથે હતા અને જીવનના અંતિમ શ્વાસ સુધી સાથે રહ્યા હતા, એટલે સરદાર ભાજપના અને નહેરૂ કોંગ્રેસના છે તેવુ કહી આપણે તેમનું કદ નાનુ કરવુ જોઈએ નહીં ગાંધી સરદાર અને નહેરુને તમે કોઈ એક પક્ષ અને પ્રદેશમાં બાંધી શકો નહીં અને જો આપણે તેવુ કરીએ છીએ તો તેના કરતા મોટુ કોઈ પાપ નથી ગાંધી સરદાર અને નહેરુ સમગ્ર દેશના હતા અને રહેશે, આજે જયારે તમારા જેવા નેતા તેમને ભાજપ કોંગ્રેસના નેતા તરીકે અલગ કરે છે ત્યારે તેમનો આત્મા કેટલો દુખી હશે તેની તમને કલ્પના નથી, ગાંધી પોતાની ધીકતી પ્રેકટીસ છોડી અને સરદાર અમદાવાદની લાખોની કમાણી મુકી દેશ માટે ન્યૌછાવર થવા નિકળ્યા હતા, નહેરૂનો જન્મ એવા પરિવારમાં થયો હતો કે અંગ્રેજી શાસન ચાલુ રહેતુ તો પણ તેમને ફેર પડવાનો ન્હોતો.
હા પણ તમે અને હું ગુલામી જીંદગી જીવી નહીં માટે તેઓ લડયા, કોંગ્રેસની વિચાર ધારા સાથે પક્ષ અને વ્યકિગત રીતે વાંધો હોઈ શકે છે તેમાં કોઈ વાંધો નથી, પણ ખુદ સરદાર પણ કોંગ્રેસી હતા તે યાદ રાખી ચર્ચા કરવી જોઈએ અને ગાંધી સરદાર અને નહેરુ જયારે આ ધરતી ઉપર જ નથી ત્યારે તેમના નામે વિવાદ કરવો યોગ્ય નથી કારણ હવે તેઓ પોતાનો પક્ષ મુકી શકવાના નથી,. મને નરેન્દ્ર મોદીની એક બાબત ખાસ ગમે છે તેઓ ગુજરાતમાં હતા ત્યારે અને આજે પણ જે પ્રદેશમાં જાય છે તે પ્રદેશના લોકો અને તેમના પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કરે છે તેવુ જ હોમવર્ક તમારે પણ કરવુ જોઈએ, ટોપી કોની છે તેના કરતા ગુજરાત યુવાનો-ખેડુતો અને વેપાર સહિતના અનેક પ્રશ્નો છે, તમારો ધ્યેય સત્તા પ્રાપ્ત કરવાનું હોય તેનો પણ કોઈ વાંધો નથી, પણ તમે સત્તા પ્રાપ્ત કરો પણ અમારા જેવા કરોડો સામાન્ય માણસના જીવનને સુરક્ષા મળે અને ભલુ થાય તેને પ્રાધાન્ય આપજો તમારી અનુકુળતાએ આપણે મળીશુ.
આભાર સહ
પ્રશાંત દયાળ