Monday, May 11, 2026
HomeGeneralઅમદાવાદમાં માત્ર પ્રિમિયમ એરિયામાં રૂ. 3.30 લાખમાં મળશે 1 BHK ફ્લેટ, આ...

અમદાવાદમાં માત્ર પ્રિમિયમ એરિયામાં રૂ. 3.30 લાખમાં મળશે 1 BHK ફ્લેટ, આ ગવર્મેન્ટ સાઈટ પર કરો અરજી

- Advertisement -
નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે રહેણાંક મકાનોની કિંમતો આસમાને પહોંચી રહી છે. ખાસ કરીને મધ્યમવર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે પોતાનું ઘર ખરીદવું મુશ્કેલ બનતું જાય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. શહેરના નિકોલ, બોપલ, મોટેરા અને મકરબા વિસ્તારમાં કુલ 7825 જેટલા EWS પ્રકારના 1 BHK ફ્લેટ બનાવવામાં આવશે. આ ફ્લેટો મેન્ટેનન્સ સહિત માત્ર રૂ. 3.30 લાખમાં આપવામાં આવશે.

આ યોજના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. નાગરિકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ https://housingapplicationform.ahmedabadcity.gov.in/ પર જઈને અરજી કરી શકશે. AMC દ્વારા અરજી સાથે જરૂરી સોગંદનામું અને પ્રોજેક્ટની વિગત દર્શાવતું બ્રોશર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

આ યોજના હેઠળ એવા પરિવારોને લાભ મળશે જેમની કુટુંબની કુલ વાર્ષિક આવક રૂ. 3 લાખથી ઓછી છે. અહીં કુટુંબનો અર્થ પતિ-પત્ની અને તેમના અવિવાહિત બાળકો થાય છે. પરિવારનો કોઈ પણ પુખ્ત સભ્ય ભારત દેશમાં પાકું મકાન અથવા જમીનનો પ્લોટ ધરાવતો ન હોવો જોઈએ.

- Advertisement -

AMC દ્વારા બનાવવામાં આવતા આ EWS આવાસોમાં ખાનગી ફ્લેટ જેવી અનેક સુવિધાઓ આપવામાં આવશે. દરેક ફ્લેટમાં આશરે 28 ચોરસ મીટર કાર્પેટ એરિયા અને 33થી 35 ચોરસ મીટર બિલ્ટઅપ એરિયા હશે. ફ્લેટમાં એક ડ્રોઇંગ રૂમ, એક બેડરૂમ, કિચન અને કોમન ટોઇલેટની સુવિધા આપવામાં આવશે.

પ્રત્યેક બ્લોકમાં સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ લગાવવામાં આવશે. કેમ્પસમાં ગ્રીન એરિયા, બાળકો માટે ગાર્ડન, આંગણવાડી, વિશાળ પાર્કિંગ અને ફાયર સેફ્ટીની સુવિધા પણ રહેશે. મોટાભાગની આવાસ યોજનાઓની બહાર દુકાનો પણ ઉપલબ્ધ રહેશે જેથી રહેવાસીઓને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ સરળતાથી મળી રહે.

યોજનાની મુખ્ય વિશેષતાઓમાં આકર્ષક એલિવેશન, ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટ, વિટ્રિફાઇડ ટાઇલ્સ ફ્લોરિંગ, સેન્ડવિચ કોટાસ્ટોનનું કિચન પ્લેટફોર્મ, પાવડર કોટેડ એલ્યુમિનિયમ ગ્લાસ સ્લાઇડિંગ વિન્ડોઝ અને લેમિનેટ સીટવાળો ફ્લશ ડોર સામેલ છે. કેમ્પસમાં RCC રોડ, પેવર બ્લોક પેવિંગ અને પરકોલેટિંગ વેલ જેવી સુવિધાઓ પણ રહેશે.

- Advertisement -

આ યોજના હેઠળ અરજી કરનાર વ્યક્તિએ ફોર્મ સાથે રૂ. 7500 ડિપોઝિટ ભરવાનું રહેશે. અરજી મંજૂર થયા બાદ મકાનની કુલ કિંમતના ઓછામાં ઓછા 20 ટકા રકમ ત્રણ મહિનાની અંદર ભરવાની રહેશે. અરજી સાથે ભરેલી ડિપોઝિટ રકમ બાદ બાકી રકમ જમા કરાવવાની રહેશે.

ત્યારબાદ બાકીની 80 ટકા રકમ AMCને 10 સમાન હપ્તામાં ભરવાની રહેશે. અંદાજે એક વર્ષ દરમિયાન આ તમામ હપ્તા પૂર્ણ કરવાના રહેશે. છેલ્લા હપ્તા સાથે મેન્ટેનન્સ ડિપોઝિટ અને અન્ય ચાર્જિસ પણ ભરવાના રહેશે. અરજદારે જે બેંકમાં પ્રથમ 20 ટકા રકમ જમા કરાવી હશે તે જ બેંક મારફતે બાકીના હપ્તા ભરવાના રહેશે.

AMCએ સ્પષ્ટ કર્યું છે કે મકાનની સંપૂર્ણ કિંમત ભરાઈ જાય અને દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ જ લાભાર્થીને મકાનનો કબજો આપવામાં આવશે.

- Advertisement -

આ યોજના હેઠળ PMAYના ચાર ઘટકો AHP, BLC, CLSS અને ISSR પૈકી કોઈ એકનો જ લાભ મેળવી શકાય છે. ઉપરાંત મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ અગાઉ લાભ લીધો હોય તેવા લોકો પણ આ યોજના માટે પાત્ર ગણાશે નહીં. જો કોઈ વ્યક્તિએ અગાઉ સરકારની અન્ય આવાસ યોજના હેઠળ મકાન મેળવ્યું હોવાનું સામે આવશે તો AMC દ્વારા ફાળવણી રદ કરવામાં આવશે.

AMCએ વધુમાં જણાવ્યું છે કે મકાનનો કબજો મળ્યા બાદ લાભાર્થીએ મહત્તમ 6 મહિનાની અંદર તેમાં રહેવાનું શરૂ કરવું ફરજિયાત રહેશે. જો સમયસર વપરાશ શરૂ નહીં કરવામાં આવે તો AMCને આગોતરી જાણ કરવી પડશે. સ્થળ તપાસ દરમિયાન આવાસ અન્ય વ્યક્તિને ભાડે આપ્યો હોવાનું સામે આવશે તો કોર્પોરેશન આવાસનો કબજો પરત લેવાની કાર્યવાહી કરી શકશે.

શહેરમાં સતત વધી રહેલી મકાનોની કિંમતો વચ્ચે આ યોજના ઓછી આવક ધરાવતા લોકો માટે પોતાના ઘરનું સપનું પૂરું કરવાની મોટી તક માનવામાં આવી રહી છે.

LOCATIONS સહીતની વિગતો જાણવા માટે જુઓ આ બ્રોશર

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular