નવજીવન ન્યૂઝ. અમદાવાદ: મહામારી સમયે લોકડાઉન શબ્દથી કોઈ અજાણ નથી, પરંતુ ગઈકાલે રાત્રીના સમયે અમદાવાદમાં અચાનક જ લાગેલા લોકડાઉનથી મોટાભાગના અમદાવાદના લોકો અજાણ હશે. રોજની જેમ ગતરોજ 22 જૂનની રાત્રે 11:30 વાગ્યે ખાણી-પીણીની દુકાનો અને નાઈટઆઉટ કરતા યુવાનોથી અમદાવાદ ધમધમતું હતું. આ દરમિયાન અચાનક જ શહેર જાણે થંભી ગયું હોય તેમ લાગતું હતું. કારણ કે પોલીસે જે લોકો જ્યાં હતા ત્યાં જ રોકી દીધા હતા. દરેકના મનમાં એક જ સવાલ હતો અચાનક આવું શું થયું કે શું થવાનું છે?
પોલીસને કન્ટ્રોલ રૂમથી એક મેસેજ મળતા જ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. ક્ન્ટ્રોલ રૂમે મેસેજ આપ્યો હતો કે એક સિલ્વર રંગની કારમાં ચાર શકમંદો ભાગ્યા છે, આ મેસેજ મળતા જ ચારે તરફ પોલીસે રસ્તા બંધ કરી નાકા બંધ કરી દીધી હતી. બેરિકેડિંગ કરી વાહનોની તપાસ અને મોટી સંખ્યામાં પોલીસને અચાનક રસ્તા પર જોઈ લોકો પણ ગભરાઈ ગયા હતા. લોકના મનમાં સવાલો હતા એજ રીતે સવાલો પોલીસના મનમાં પણ હતા.
પોલીસના કાફલા મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી પસાર થઈ રહેલા એક-એક વાહનને ચેક કરી રહ્યાં હતા. શંકાસ્પદ લાગે તો પુછપરછ પણ કરવામાં આવતી હતી. આ તમામ ઘટનાઓથી શહેરીજનો એકદમ અજાણ હતા જેના કારણે લોકોના મનમાં જ સવાલો પર સવાલો ઉભા થતા હતા, પરંતુ આખરે જે સિલ્વર રંગની કાર પોલીસને શોધવાની હતી તે ઝડપવામાં સફળતા મળી હતી.
ખરેખર આ પોલીસની એક પ્રક્રિયા હતી, જે શહેરમાં પોલીસ વિભાગ કેટલી ઝડપી કાર્યવાહી કરી શકે છે તે જોવા માટે કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પણ એકદમ નજીક આવી રહી છે ત્યારે તંત્ર એલર્ટ છે. આજરોજ 23 જૂને ગૃહમંત્રી સહિત અમદાવાદ પોલીસના અધિકારીઓની બેઠક પણ યોજાઈ હતી જેમાં સુરક્ષા અંગે ચર્ચા થઈ હતી. આમ પોલીસે જ સિલ્વર રંગની કારમાં પોલીસ કર્મચારીઓ બેસાડી સમગ્ર ડ્રાઈવ કરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











