નવજીવન ન્યૂઝ. અમદાવાદ: પાલનપુર સર્કિટ હાઉસથી એક ટ્વીટમાં કેસમાં જીજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી હતી, ત્યાર બાદ મહિલા પોલીસકર્મી સાથે ગેરવરતણૂક અને મારામારી કેસમાં ફરીથી તેમની ધરપકડ કરવામાં વી હતી. હવે આસામ જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી આજે અમદાવાદ પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર જીજ્ઞેશ મેવાણીના સમર્થકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જીજ્ઞેશ મેવાણીના સ્વાગતમાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પુષ્પમાળા પહેરાવીને જીજ્ઞેશ મેવાણીનું સ્વાગત કર્યું હતું.
અમદાવાદ આવ્યા બાદ તેમણે અમદાવાદના સારંગપુર વિસ્તારમાં આવેલા ડૉ બી.આર.આંબેડકરના સ્ટેચ્યુ આગળ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને જુના વાડજ ખાતે એક જનસભાને સંબોધિત કરી હતી. આ જનસભામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
જીજ્ઞેશ મેવાણીએ અમદાવાદ પહોંચીને મોદી સરકાર પર મોટા આક્ષેપ લગાવતાં કહ્યું હતું કે, “પ્રધાનમંત્રી કાર્યાલયમાં બેઠેલા નાથૂરામ ગોડસેના ભક્તોએ તેમના ઉપર ખોટી એફઆઈઆર કરાવી છે. જો ગોડસે ભક્ત કહેવા અંગે આપત્તિ હતી તો લાલ કિલ્લા ઉપર ઉભા રહીને ગોડસે મુર્દાબાદનો નારો લગાવીને બતાવો. ગુજરાતમમાં ચૂંટણી થવાની છે એટલા માટે પરેશાન કરવામાં આવી રહ્યા છે. પહેલાં રોહિત વેમુલાને આત્મહત્યા કરવા મજબૂર કરવામાં આવ્યો અને હવે મને ખતમ કરવા માંગે છે. દલિત નેતાઓને પીએમ મોદી હજમ નથી કરી શકતા.”
જીજ્ઞેશ મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, “હું સરકારની, આઈબી, ઈડી, સીબીઆઈ, કે પોલીસથી ડરવાનો નથી અને વધુ તાકાતથી લડીશ. મારી ધરપકડ એ સમગ્ર ગુજરાતીઓનું અપમાન છે.” જીજ્ઞેશ મેવાણીએ એરપોર્ટ પર સરકાર સામે હુંકાર કરતાં પુષ્પા સ્ટાઈલમાં કહ્યું હતું કે, સાલા ઝુકેગા નહીં.
આ ઉપરાંત આસામ પોલીસ દ્વારા ધકપકડ મામલે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ગઈકાલે દિલ્હીમાં કોંગ્રેસ ઓફિસ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્માં તેમણે કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કરતાં કહ્યું કે, “મને બરબાદ કરવા માટે ષડયંત્ર કરવામાં આવ્યું હતું. આસામ પોલીસ મને સાથે લઈ ગયા પણ કેસ વિશે કંઈ પણ જણાવ્યું નહોતું. હું એક વકીલ પણ છું પરંતુ મારા ઉપર કઈ કલમો લગાવામાં આવી તેની મને જાણકારી પણ નહોતી અપાઈ. ત્યાં સુધી કે મને મારા પરિવાર સાથે પણ મને વાતચીત નહોતી કરવા દીધી.”
જીજ્ઞેશ મેવાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કરતાં કહ્યું કે, “જ્યારે મને જામીન મળી ગયા ત્યાર બાદ તરત જ એક મહિલા દ્વારા મારા ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો. આ 56 ઈંચની કાયરતા છે. આસામ કોર્ટે આ FIRને ખોટી ગણાવી હતી અને પોલીસ ઉપર ગંભીર સવાલ કર્યા હતા. 19 તારીખે મારી સામે ફરિયાદ દાખલ કરાઈ અને તરત જ આસામ પોલીસ 2500 કિમી દુરથી મને ધરપકડ કરવા માટે ગુજરાત પહોંચી ગઈ. મારી ધરપકડ કરતી વખતે આતંકવાદીની ધરપકડ કરાય એવો માહોલ બનાવામાં આવ્યો. મારી અને મારી ટીમના કોમ્પ્યુટર, મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા મને શંકા છે કે તેમાં જાસુસી સોફ્ટવેર નાખી દેવામાં આવ્યા છે.”
![]() |
![]() |
![]() |











