પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા જતાં સામાન્ય નાગરિકો સાથે પોલીસ કેવો વ્યવહાર કરે છે, તે જાણવા સેકટર 2ના જોઇન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમાર એક મહિલા કોન્સટેબલ સાથે ખાનગી કપડામાં ફરિયાદી બની વાહન ચોરીની ફરિયાદ નોંધાવા ગયા, ત્યારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના સ્ટાફે પહેલા તો ફરિયાદ નોંધવાનો ઇનન્કર કર્યો હતો, પરંતુ મામલો ઉગ્ર બનતા કોન્સ્ટેબલે ગૌતમ પરમારને કહ્યું તમને એરેસ્ટ કરવા પડશે.
ગૌતમ પરમારની કચેરીમાં જ ફરજ બજાવતા પ્રદીપ નામના સેવકની બહેનને તેના પતિ દ્વારા મારઝૂડ કરવામાં આવતી હતી. પ્રદીપ પોતાની બહેનની ફરિયાદ નોંધાવા માટે તારીખ 26 ફેબ્રુઆરીએથી નિકોલ પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યો હતો. પરંતુ પોલીસ તેની ફરિયાદ નોંધાતી ન હતી. અંગત સચિવ દ્વારા ગૌતમ પરમાર સામે આ વિગતો મૂકવામાં આવી ત્યારે તેમને અંદાજ આવ્યો કે સામાન્ય નાગરિકો સાથે પોલીસનો વ્યવહાર અયોગ્ય હોય છે અને પોલીસ સાચી ફરિયાદ પણ નોંધાતી નથી.
આથી બુધવારના રોજ ખાનગી વાનમાં એક મહિલા કોન્સ્ટેબલને સાથે રાખી તેમના તાબાના ત્રણ પોલીસ સ્ટેશનોમાં ગયા હતા. કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં તેમણે મહિલા કોન્સ્ટેબલનો પરિચય મારી આ ભાણી છે અને તેનું સ્કૂટી ચોરાઇ ગયું છે, તેના સ્કૂટીની ડેકીમાં પર્સ છે જેમાં પૈસા અને પાસપોર્ટ પણ હતો તેવું જણાવ્યુ. પહેલા તો પોલીસે ગૌતમ પરમાર અને તેમની સાથે રહેલી મહિલા કોન્સ્ટેબલને ધમકાવવાની શરૂઆત કરી અને આજુબાજુ તપાસ કરીને આવો, અત્યારે ફરિયાદ નહીં નોંધાય તેવું જણાવ્યુ.
ગૌતમ પરમારે જ્યારે કહ્યું કે ડેકીમા પાસપોર્ટ છે માટે ફરિયાદ નોંધાવી જરુરી છે ત્યારે કોન્સ્ટેબલે કહ્યું કે તમારા પાસપોર્ટમાં જ ગડબડ હશે એટલે તમે ફરિયાદ કરવા આવ્યા છો, એટલે તમને જ એરેસ્ટ કરવા પડશે. આમ પોલીસ કેવી રીતનો વ્યવહાર કરે છે તેનો ખ્યાલ આવ્યા પછી ગૌતમ પરમારે તુરંત આસિસ્ટન્ટ કમિશનર મિલાપ પટેલને ત્યાં બોલાવી સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરીને આ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.
આવી બીજી ઘટના અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ઘટી હતી, જ્યાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોતાના પતિનો ત્રાસ હોવાની ફરિયાદ નોંધાવા આવી હોવાનું કહેતા ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલે કહ્યું કે તમે અહિયાં શું કામ ફરિયાદ આપો છો, તમારું પિયર ભાવનગર છે તો ભાવનગરમાં ફરિયાદ નોંધાવો. ગૌતમ પરમારે આ પોતાની ભાણી છે તેમ કહીને ફરિયાદ નોંધવાની વિનંતી કરી ફરિયાદ નોંધવા કહ્યું તો કોન્સ્ટેબલે પતિએ માર માર્યો છે અને તેની કોઈ સારવાર લીધી છે કે નહીં તેનું પ્રમાણપત્ર માગ્યું હતું, અને પતિ માર મારે છે તેવું નિવેદન આપી શકે તેવા 4 સાક્ષીઓ લઈ આવવા કહ્યું હતું. આમ અમરાઇવાડીમાં પણ ફરિયાદ નોંધવાનો પોલીસે ઇનકાર કરતાં JCP ગૌતમ પરમારે DCP અચલ ત્યાગીને ત્યાં બોલાવી આ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. જ્યારે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં તે ફરિયાદ નોંધવા પહોંચ્યા ત્યારે ત્યાંનો સ્ટાફ તેમને ઓળખી જતાં ત્યાંથી તેઓ પરત ફર્યા હતા. ગૌતમ પરમારે જણાવ્યુ કે, “સાચી ફરિયાદ નહીં નોંધનાર અને પ્રજા સાથે દુર્વ્યવહાર કરનારા પોલીસ કર્મચારીઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. ક્રાઇમ રેટ ઓછો બતાવવા માટે પોલીસ સાચી ફરિયાદ લેતી નથી તે બાબત ચલાવી લેવાશે નહીં.”
![]() |
![]() |
![]() |











