નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદના ચાંદખેડામાં ડોસાના ખીરાથી થયેલા બે બાળકીના શંકાસ્પદ મોતના કેસમાં હવે મોટો વળાંક આવ્યો છે. પ્રાથમિક તપાસમાં પોલીસને આશંકા છે કે આ ઘટના માત્ર ફૂડ પોઈઝનિંગ નહીં પરંતુ પુત્રપ્રાપ્તિના મોહમાં થયેલી હત્યા પણ હોઈ શકે છે.
તપાસમાં નવો એન્ગલ
આ મામલે પોલીસ દ્વારા તપાસ વધુ તેજ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 25થી વધુ લોકોના નિવેદન લેવામાં આવ્યા છે અને પરિવાર તેમજ ડેરી સાથે જોડાયેલા લોકોની પૂછપરછ ચાલી રહી છે.
ડાયરીમાંથી ખુલાસો
તપાસ દરમિયાન ઘરેથી મળેલી એક ડાયરીમાં મહત્વપૂર્ણ વિગતો મળી છે. ડાયરીમાં પુત્રપ્રાપ્તિની ઈચ્છા અંગે લખાણ હોવાનું સામે આવ્યું છે, જેને આધારે પોલીસને આ કેસમાં નવી દિશા મળી છે.
પતિ-પત્નીના કોલ ડીટેઈલ્સ
પોલીસે વધુ તપાસ માટે પતિ-પત્નીના કોલ ડીટેઈલ રેકોર્ડ (CDR) પણ મંગાવ્યા છે. આ ડેટાના આધારે ઘટના પાછળનું સત્ય જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
FSL રિપોર્ટની રાહ
બાળકીના મોતનું સાચું અને સચોટ કારણ જાણવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. રિપોર્ટ આવ્યા બાદ જ મોત પાછળનું સત્ય સ્પષ્ટ થશે.
ઘટનાએ જગાવી ચકચાર
આ કેસે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. શરૂઆતમાં ફૂડ પોઈઝનિંગનો આરોપ લાગ્યો હતો, પરંતુ હવે તપાસમાં નવા એન્ગલ સામે આવતા મામલો વધુ ગંભીર બન્યો છે. અહીં સુધી કે ઘરે ઘરે આ કેસની ચર્ચાઓ થવા લાગી હતી. લોકો ખીરુ લેવું કે નહીં તેની વાતો કરતા પણ સંભળાયા હતા. આ કેસમાં પણ જે શરૂઆતથી જ શંકા હતી તે જ થયું અને આ એક હત્યા કેસમાં હવે પરિણમશે.








