નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ફેસબુક પર સુંદરવાન યુવતીઓને ઓળખ્યા વગર જ મિત્રતા કરી બેસતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદમાં એક વેપારીને ફેસબુક પર અજાણી યુવતી સાથે મિત્રતા કરવી ભારે પડી હતી. યુવતીએ વેપારીને મળવા બોલાવ્યા બાદ એવી હરકત કરી નાખી કે વેપારી મોઢું બતાવવાના લાયક ન રહ્યો.
માહિતી અનુસાર, અમદાવાદના નાના ચીલોડામાં રહેતા અને કાપડાના ધંધા સાથે કંલાયેલા વેપારીને અગાઉની પત્ની સાથે છૂટાછેડા થઈ જતાં બીજા લગ્ન કરવા માટે શાદી ડોટ કોમ વેબસાઇટ પર પાર્ટનરની શોધ કરતો હતો. ત્યાર બાદ 2021માં વેપારીએ બીજા લગ્ન કર્યા હતા. આ સમય દરમિયાન વેપારીને ફેસબુક પર અજાણી યુવતીની રિકવેસ્ટ આવી હતી. જેમાં યુવતીનું નામ નીતા આહુજા હતું.
વેપારીએ નીતાની રિકવેસ્ટ સ્વીકાર્યા બાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી. ત્યારબાદ વેપારી પર એક દિવસ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં સામે છેડેથી નીતા વાત કરતી હોવાનું જણાવી પોતે કુબેરનગરમાં રહેતી હોવાનું જણાવ્યું હતું. વેપારી અને નીતા વોટ્સએપ અને ફોનથી વાત કરવા લાગ્યા હતા. એક મહિના બાદ નીતાનો વેપારી પર વહેલી સવારે ફોન આવ્યો અને મળવા માટેની વાત કરી હતી.
વેપારી નીતાને મળવા જવા માટે તેના મિત્રની કાર લઈને ગયો હતો. નીતાએ ગાંધીનગર તરફ જવાનું કહેતા વેપારી કોબા સર્કલ તરફ લઈ ગયો હતો. જ્યાં નીતાએ વેપારી સાથે મજાક મસ્તી કરવા લાગી હતી. નીતાએ વેપારીને શારીરિક અડપલા કરવાનું શરૂ કરી દીધુ હતું. ત્યાર બાદ બને નાસ્તો પાણી કરીને છુટા પડી ગયા હતા.
આ બનાવના ચાર દિવસ બાદ નીતાનો ફરીથી ફોન આવ્યો અને ગાંધીનગર કપડા લેવા જવાનુ કહીને વેપારીને સાથે લઈ ગઈ હતી. વેપારીએ નીતાને અલગ-અલગ દુકાનમાંથી પંદર હજારના કપડાં લઈ દીધા હતા. ઉપરાંત જ્યારે નીતાને પૈસાની જરૂર પડતી ત્યારે વેપારી પાસે પૈસાની માગણી કરતી હતી. વેપારીએ કુલ 70 હજાર જેટલી રકમ નીતાને જરૂર હતી ત્યારે આપ્યા હતા.
થોડા દિવસ અગાઉ નીતાએ વેપારીને ફોન કરીને નિકોલ પાસે આવેલી વકીલની ઓફિસે મળવા માટે બોલાવ્યો હતો. જ્યાં રાજેશ સોલંકી નામના વકીલે વેપારીને કહ્યું હતું કે નીતા પાસે તમારો એક વીડિયો છે અને નીતા પોલીસ ફરિયાદ કરવાનું કહી રહી છે. વેપારીએ જ્યારે વીડિયો જોયો ત્યારે પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. કારણે કે આ વીડિયો નીતા સાથે પહેલી મુલાકાત દરમિયાન થયેલી હરકતોનો હતો. ત્યાર બાદ નીતાએ વેપારીની બહેનને વીડિયો અંગે જણાવી પોલીસ કેસ કરવાની ધમકી આપતી હતી.
વકીલે વેપારીને ધમકાવવા માટે તેને એક દિવસ કોર્ટ પાસે બોલાવીને જણાવ્યું હતું કે, આમાં બળાત્કારનો કેસ થશે 3, 4 મહિના જેલમાં રહેવુ પડેશે અને 5 લાખ જેટલો ખર્ચ થઈ જશે. જેથી કરીને નીતા 10 લાખ માગે છે તે આપીને છુટો થઈ જા, અત્યારે સ્ત્રીનો જ કાયદો છે તારી કોઈ ફરિયાદ સાંભળશે નહીં, નીતાએ કેટલાય પાસેથી પૈસા ખંખેર્યા છે તને તારી ઈજ્જત વાલી હોય તો પૈસા આપીને છુટો થઈ જા કહીને વેપારીને ધમકાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર બાદ નીતા 5 લાખમાં વેપારીને છુટકો આપવા માટે માની ગઈ હતી. પરંતુ વેપારી 70 હજારથી વધારે નહીં આપી શકે તેવું કહેતા નીતા તેને બ્લેકમેલ કરવા લાગી હતી. આખરે વેપારી નીતાથી કંટાડીને પોલીસની મદદ લેવા પહોંચ્યો ગતો. નરોડા પોલીસે નીતા સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.








