દિલીપ ચાવડા (નવજીવન ન્યૂઝ.સુરત ગ્રામ્ય): દક્ષિણ ગુજરાતની રાજનીતિનું એપી સેન્ટર ગણાતા સુરત જિલ્લામાં વર્ષોથી પોતાના હરીફને પછાડવા પક્ષમાં અંદરો અંદર અનેક રાજકીય દાવ પેચ ખેલાતા આવ્યા છે. હવે વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે સુરત જિલ્લાની ભાજપ પક્ષની રાજનીતિએ પણ જોર પકડ્યું છે. હાલ સત્તાધારી ધારાસભ્યને પછાડી ટિકિટ મેળવવાનો અત્યારથી દાવો કરતા કેટલાક લોકો રાજકીય દાવ પેચમાં વિવિધ પેંતરા અજમાવતા થયા છે.
ત્યારે આવી જ એક રાજકીય રમત ૧૫૫ ઓલપાડ ધારાસભ્ય અને હાલ રાજ્ય સરકારના કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી મુકેશ પટેલ વિરુદ્ધ બનાવવામાં આવી હોવાનું ચર્ચામાં આવ્યું છે. પોલીસને કરેલી રજૂઆત મુજબ તેમનું રાજકારણ ખરડાય તેવી બદ દાનતથી તેમના વિરોધીઓએ પોસ્ટકાર્ડ પ્લાન બનાવ્યો છે. મંત્રી મુકેશ પટેલ વિરુદ્ધ તાલુકા કક્ષાની લઈને પ્રધાનમંત્રી સુધી પોસ્ટકાર્ડ લખવાનો પ્લાન બનાવી ઓલપાડ તાલુકાના એક યુવકે ૨૦૦૦ પોસ્ટકાર્ડ પણ ખરીદી કર્યા હતા.
ઓલપાડ તાલુકા ભાજપ સંગઠનમાં મંત્રી મુકેશ પટેલના આશીર્વાદથી રાજકારણમાં આવવા સાથે સત્તા ભોગવતા આવેલા અને હાલ મુકેશ પટેલ સામે જ વિધાનસભાની ટિકિટ માટે પોતાને દાવેદાર ગણાવતા લોકોએ સાથે મળીને પોસ્ટકાર્ડ પ્લાન બનાવ્યો હોવાની વાત ચર્ચામાં છે. જ્યારે મંત્રી વિરુદ્ધ બનાવેલ પોસ્ટકાર્ડ પ્લાનના પત્તા ખુલી જવા સાથે આ વાતની પોલીસને ભનક આવી જતા પોલીસ પણ આ પ્રકરણના તપાસમાં લાગી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પોલીસે પોસ્ટકાર્ડ પ્રકરણમાં યુવકની પુછપરછ પણ હાથ ધરી છે. ત્યારે આમ પણ કહેવાય છે કે સમગ્ર મામલે પોલીસ તલસ્પર્શી તપાસ કરતા મોટા રાજકીય માથાઓના નામ પણ ખૂલે તેમ છે.
મંત્રી મુકેશ પટેલ વિરુદ્ધ બનાવેલ પોસ્ટકાર્ડ પ્લાન માં યુવકે એક સાથે ૨૦૦૦ પોસ્ટકાર્ડ ખરીદી કરવાથી લઈને તેને આવી રીતે લખવા માટે તેને પીઠબળ પુરૂ પાડવામાં ખુદ ભાજપ પક્ષના અને મંત્રીના વિરોધીઓની પડદા પાછળની ભૂમિકા હોવાનુ ચર્ચામાં છે. પોસ્ટકાર્ડ પ્રકરણમાં પોલીસ તમામ પાસાઓ પર ઊંડાણ પૂર્વકની તપાસ કરી ગુનો નોંધવા સુધીની તૈયારીમાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓલપાડ તાલુકા ભાજપ સંગઠનના કાર્યકર દ્વારા પ્રધાન મંત્રી વિરુદ્ધની ફેસબુકની પોસ્ટ લાઈક કરવા સાથે પક્ષ વિરુદ્ધની વાતચીત સાથેનો ઓડિયો વાયરલ થવા સાથે જ પ્રદેશ અધ્યક્ષ અને પક્ષ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અભદ્ર ટીપણી કરવામાં પોલીસમાં અરજી થવાનું પ્રકરણ હજુ ઊભુ જ છે ત્યાં હવે પોસ્ટકાર્ડ પ્લાન બહાર આવતા રાજકારણ ગરમાયું છે.
મંત્રી વિરુદ્ધ બનાવેલા પોસ્ટકાર્ડ પ્લાનમાં ૨૦૦૦ પોસ્ટકાર્ડ સુરત મહાનગર પાલિકાના કોર્પોરેટર દ્વારા આપવામાં આવ્યા હોય જે કેવી રીતે અને કોને કોને અને ક્યારે લખવા અને તેમાં શું લખવાનું તેની એક પાટીદાર યુવક સાથે મળીને એક તાલુકા પંચાયતના સભ્ય અને માજી સરપંચ દ્વારા આખી યોજના બનાવવામાં આવી હોવાનું કહેવાય છે. જ્યારે આટલું નહીં હોય ત્યાં હજુ અનેક મોટા માથાના પણ નામ બહાર આવશે.
આ સંદર્ભે મંત્રી મુકેશ પટેલે કહ્યું કે, પ્રધાનમંત્રી સાથે પક્ષ અને મને ખોટી રીતે બદનામ કરવા સાથે ખોટી રીતે ખેડૂતોને ભડકાવવામાં બદ ઇરાદાથી પોસ્ટકાર્ડ પ્લાન બનાવ્યો હતો. આ પ્રકરણની તટસ્થ તપાસ માટે મેં પોલીસમાં રજૂઆત કરી છે જેમાં હાલ તપાસ ચાલી રહી છે. આખા પ્રકરણની ખૂબ ગંભીરતા હોય પોલીસ પણ તલસ્પર્શી તપાસમાં છે.








