Friday, April 17, 2026
HomeGeneralઅમદાવાદઃ “દોરડા” પર કરતબ બતાવતો સમુદાય સમજ્યો અંગદાનનું મહત્વ, દિકરાના ધબકતા હ્રદયએ...

અમદાવાદઃ “દોરડા” પર કરતબ બતાવતો સમુદાય સમજ્યો અંગદાનનું મહત્વ, દિકરાના ધબકતા હ્રદયએ સ્થાન બદલ્યું ધબકારા નહીં

- Advertisement -

અમિતસિંહ ચૌહાણ(નવજીવન ન્યૂઝ.અમદાવાદ): મહીસાગર જીલ્લાના લુણાવાડાના ૨૫ વર્ષીય “જયેશભાઇ નટ” બ્રેઇનડેડ થતા પિતાએ અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો. દીકરાના બ્રેઇનડેડ થવાના સમાચાર સાંભળીને પિતા ધૂળાભાઇના આંસુ રોકાયે રોકાતા ન હતા તેવા સમયે અંગદાંનનો નિર્ણય કર્યો હતો. સિવિલ હોસ્પિટલમાં ૫૨મું અંગદાન થયું છે.



નટ શબ્દ સાંભળીને માનસ પટલ પર ચોક્કસથી નાનપણમાં જોયેલું કોઈ એવું દ્રશ્ય પ્રતિબિંબિત થયું હશે. જેમાં એક નાની દીકરી કે દીકરો થોડી ઉંચાઈ પર બાંધેલા દોરડા પર ચાલીને કરતબ બતાવી લોકોનું મનોરંજન કરી રહ્યા હોય. આમ જયેશભાઈ પોતે ભલે આ વ્યવસાય સાથે જોડાયેલા ન હતા પરંતુ જેમ દરેક ગરીબજન ઊંચાઈ પર બાંધેલ ગરીબીની એક દોરી પર રોજ ચાલીને જીવન અને મરણ વચ્ચે પોતાના અસ્તિત્વનું સંતુલન જાળવે છે. જ્યાં તેને પોતાના પરિવારની દૈનિક જરૂરિયાતને સંતોષવા માટે એક નટ સમુદાયની જેમ જ રોજ સંઘર્ષ કરવો પડતો હોય છે.

આવા જ એક ધૂળાભાઇ નટ(બ્રેઇનડેડ જયેશભાઇના પિતા)ની એક મોટી દીકરી અને એકનો એક જુવાનજોધ ૨૫ વર્ષના જયેશની વાત છે. કોઈ પણ મા-બાપની જેમ જ જયેશના પિતાને પણ દિકરો મોટો થતા તે પગભર બનીને હવે પરિવારની પડખે ઉભો રેહશે તેવી આશાની કિરણ જાગી. પરંતુ કુદરતને જાણે એ મંજુર જ ન હતું. એટલે એક જ ઝાટકે કાળની બેરહેમ ઘડી આવી અને જયેશને ૧૦ મી એપ્રિલે ટેમ્પાનો માર્ગ અકસ્માત નડ્યો…આ માર્ગ અકસ્માતમાં તેને માથાના ભાગમાં ગંભીર ઇજા થઇ અને બ્રેઇન હેમરેજ થઈ ગયુ. જયેશને ગંભીર પ્રકારની ઇજામાંથી ઉગારવાના ધરખમ પ્રયાસો સિવિલ હોસ્પિટલના તબીબો અને પરિવારજનોએ કર્યાં. પરંતુ જીવન અને મરણ વચ્ચેના કાળ સમયમાં ૧૧ મી એપ્રિલના રોજ તબીબોએ જયેશને બ્રેઇનડેડ જાહેર કર્યો.



પિતા ધૂળાભાઇને જ્યારે સિવિલ હોસ્પિટલના તબીબોએ બ્રેઇનડેડના સમાચાર આપ્યા ત્યારે તબીબોએ તો આ દ્રશ્ય જોઇને પોતાનાં આંસુ રોકી લીધા હતા. પરંતુ પિતા ધૂળાભાઇના આંસુ રોકાયે રોકાતા ન હતા.
આ પ્રસંગે જ્યારે સહાનુભૂતિને નેવે મૂકીને પરાનુભૂતિ એટલે કે પોતાની જાત ને એક ક્ષણ માટે આ પરિસ્થિતિમાં મૂકીને જોઇશું તો સંવેદનશીલતાથી વાકેફ થઇ શકીશું. જ્યાં દિકરાને બ્રેઇનડેડ જોઇ પિતા ધૂળાભાઇના આંસુ પણ રોકાયે રોકાતા ન હતા તેવામાં દિકરા પ્રત્યેની લાગણીથી ઉપર દાનનું મહત્વ સમજીને તેઓએ દિકારાના અંગોના દાન કરવાનો નિર્ણય કર્યો.

- Advertisement -

પિતા ધૂળાભાઇએ અંગદાન માટે હા પાડતા સિવિલના તબીબો દ્વારા બ્રેઇનડેડ જયેશભાઇના અંગોને રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા.
કલાકોની ભારે જહેમત બાદ બ્રેઇનડેડ જયેશભાઇના અંગદાનમાં હ્રદય, ફેફસા, એક કિડની અને લીવરનું દાન મળ્યું.
હ્રદયને અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં અને ફેફસાને મુંબઇની ગ્લોબલ હોસ્પિટલમાં ગ્રીનકોરિડોર મારફતે જ્યારે કિડની અને લીવરને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં પ્રત્યારોપણ માટે ગણતરીની મીનીટોમાં મોકલવામાં આવ્યા.



અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, અંગદાનની સમગ્ર પ્રક્રિયામાં હ્રદય અને ફેફસાનું રીટ્રાઇવલ અને પ્રત્યારોપણ અત્યંત ગંભીર અને જટીલ હોય છે. ગણતરીના કલાકોમાં જ આ બંને અંગોને પ્રત્યારોપણ માટે સામેના વ્યક્તિ સુધી પહોંચાડવા ગ્રીનકોરિડોરની મદદ લેવી પડતી હોય છે.
સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી ૫૨ અંગદાતાઓ થકી મળેલા ૧૫૮ અંગોમાંથી ૮ હ્રદય અને ૮ ફેફસાનું દાન મેળવવામાં સફળતા મળી છે.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular