નવજીવન અમદાવાદઃ અમદાવાદના સરદારનગર વિસ્તારમાં એક હાસ્યાસ્પદ ઘટના બની છે. અમદાવાદમાં ક્વોલીટી વગરના રોડ બનાવવા માટે તો અમદાવાદ કોર્પોરેશનને અગાઉ ઘણી વખત સોશિયલ મીડિયા પર લોકોની નારાજગી અને જોક્સનો અનુભવ થયો જ છે. પણ હાલ સરદાર નગરમાં તંત્રની રોડ બનાવવાની કામગીરીની એક તસવીર હાસ્યાસ્પદ રીતે સામે આવી છે. આ ઘટનામાં જ્યાં રોડ બનાવવાનો હતો ત્યાં પાર્કિંગ કરેલી કારની જગ્યાને છોડી આજુબાજુમાં રોડ બનાવી દેવાયો છે.
અમદાવાદના સરદારનગરમાં આવેલી એક સોસાયટીમાં રોડ રિસર્ફેસનું કામ થઈ રહ્યું હતું. જોકે ત્યાં ઘણી જગ્યાએ કામગીરી બાકી મુકી દેવામાં આવી છે. અહીં તાબડતોબ કામ પુરુ કરી દેવાની લહાયમાં કોન્ટ્રાક્ટરે પાર્ક કરેલી કારને હટાવ્યા વગર જ ત્યાં રોડ બનાવી નાખ્યો છે. જેને કારણે સોશિયલ મીડિયા પર કોર્પોરેશનને હાંસીનો ભોગ બનવાનો વારો આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ સ્થળ પર ત્રીસ વર્ષે રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને તેમાં પણ આવું કામ જોઈ લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.
રોડ રસ્તા પાછળ આપણે ત્યાં કરોડો રૂપિયા ખર્ચ થાય છે. અહીં સુધી કે ભુવા પડે તો તેને પુરવામાં પણ કરોડો રૂપિયા વાપરવામાં આવે છે. એટલામાં કોઈનું આલીશાન ઘર બની જાય તેટલો ખાડામાં ખર્ચો થાય છે. તે વાત સનાતન સત્ય છે અને આવા સમયમાં રોડ રસ્તાને લઈને ઘણી વખત કોર્પોરેશને લોકોના રોષનો ભોગ બનવાનું થાય છે. જોકે લોકોને આવા ક્રીમ રસ્તાનો હાંશકારો અમુક દિવસ સુધી જ મળે અને પાછું રોડ જેવા હતા તેવા. સરદારનગરમાં બનાવાયેલા રોડની કામગીરીમાં સુપરવિઝનથી લઈ તમામ તબક્કે ગોતા ખવાયા છે તે સ્પષ્ટ જોઈ શકાય છે.








