અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. બેંગકોક જતી ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા એક કપલ પાસેથી અંદાજે ₹63.44 લાખની વિદેશી ચલણની રકમ જપ્ત કરવામાં આવી છે. ટ્રોલી બેગમાં વેક્યુમ પેક કરીને છુપાવાયેલા અમેરિકન ડૉલર કસ્ટમ્સ અધિકારીઓએ તપાસ દરમિયાન શોધી કાઢ્યા હતા.
શંકાના આધારે તપાસ
માહિતી મુજબ, થાઈ એરએશિયાની ફ્લાઈટ FD145 (અમદાવાદ–બેંગકોક)માં મુસાફરી કરી રહેલા એક પુરુષ અને એક મહિલા મુસાફર પર કસ્ટમ્સ વિભાગના એર યુનિટને શંકા જતા તેમને રોકીને તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન બંને મુસાફરોના સામાનની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન એક ટ્રોલી બેગમાંથી USD 35,300 અને બીજીમાંથી USD 35,040 મળી આવ્યા હતા. કુલ USD 70,340 જેટલી વિદેશી ચલણની રકમ મળી આવી હતી, જેની ભારતીય ચલણમાં કિંમત અંદાજે ₹63.44 લાખ થાય છે.
ટ્રોલી બેગમાં વેક્યુમ પેક કરી છુપાવ્યા હતા ડૉલર
પ્રાથમિક તપાસમાં બંને મુસાફરો વલસાડ જિલ્લાના હોવાનું સામે આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ટ્રોલી બેગની અંદર ડૉલરને વેક્યુમ પેક કરીને ખાસ રીતે છુપાવવામાં આવ્યા હતા, જેથી સુરક્ષા તપાસ દરમિયાન તે સહેલાઈથી નજરમાં ન પડે.
છેલ્લા બે વર્ષમાં અનેક કેસ
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી છેલ્લા બે વર્ષમાં સાતથી દસ કરોડ રૂપિયાની વિદેશી ચલણ સાથે 15થી વધુ કેરિયર ઝડપાઈ ચૂક્યા છે. ભૂતકાળના કેસોની તપાસમાં ઘણી વખત જોવા મળ્યું છે કે થાઈલેન્ડ જતી ફ્લાઈટોમાં મુસાફરો મોટી રકમમાં ડૉલર લઈને જાય છે અને પરત ફરતી વખતે ગેરકાયદે વસ્તુઓ લાવવાના પ્રયાસો કરે છે.
યુદ્ધના તણાવ વચ્ચે કડક સુરક્ષા
ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે મિડલ ઈસ્ટમાં અનેક દેશોએ પોતાનું એર સ્પેસ બંધ કર્યું છે, જેના કારણે હજારો ફ્લાઈટો રદ થઈ ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટ પર પણ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.
કસ્ટમ્સ વિભાગે આ કેસમાં કસ્ટમ્સ એક્ટ 1962, FEMA 1999 અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ રેગ્યુલેશન્સ હેઠળ કાર્યવાહી કરીને ડૉલરની રકમ જપ્ત કરી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








