નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ: અમદાવાદના નરોડા દહેગામ રોડ પર રિંગરોડ સુધી જવાના રસ્તા પર લગભગ તમામ મોટી બ્રાન્ડ્સના શોરૂમ્સ, મોટી અને મોંઘીદાટ બિલ્ડીંગની સ્કીમ, ધડાધડ ડેવલપમેન્ટ અહીં છેલ્લા કેટલાક વર્ષોમાં જોવા મળી રહ્યું છે અને તેના કારણે અહીં વાહનોની અવરજવર પહેલા કરતાં પણ ઘણી વધુ અને ઝડપી બનતી જાય છે. આ રસ્તા પર ડિવાઈડર ન હોવાને કારણે અહીં નિર્માણ પામેલી વિવિધ સોસાયટી, ફ્લેટ, ધંધાકિય ઈમારતોમાં અવરજવર કરતાં લોકો રોડ ક્રોસ કરવાથી લઈ વાહન ચલાવતી વખતે પણ એક છૂપા ભયનો અનુભવ કરે છે કારણ અહીં કોઈપણ તરફથી મોત સીધું તેમની તરફ ધસી આવે તેવી સ્થિતિ સર્જાઈ પડે છે. આવી જ એક ઘટમાં હાલમાં એક ખેડૂત પરિવારનો જુવાનજોધ યુવાન મૃત્યુને ભેટ્યો છે. અહીંના રહીશોનું માનવું છે કે જો ડિવાઈડર હોત તો આટલો ગંભીર અકસ્માત થયો ન હોત.
બનાવ એવો છે કે ગત 16મીએ અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા વિમલપાર્ક સોસાયટીમાં રહેતા પૃથ્વી ઈરીનકુમાર પટેલ નામનો યુવક પોતાની કારમાં સ્મશાનથી રિંગરોડ તરફ જવાના રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અકસ્માતને કારણે થયેલું ટોળું જોયું પોતે પણ ત્યાં નજર કરી તો કોઈ જાણીતું હોય તેવો અંદાજ ગયો, કાર થોભાવી તપાસ કરતાં પોતાના કાકા રુત્વીક કિરણભાઈ પટેલ (ઉં.વ. 36)ને લોહીથી લથબથ હાલતમાં પડેલા જોઈ તુરંત અન્યોની મદદથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો, જોકે સારવાર તેમને કારગર નિવળી નહીં અને તેમણે બીજા દિવસે હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા. જોકે અહીં વાત માત્ર અકસ્માતની કરવી નથી, અકસ્માત સાથે અકસ્માતની ગંભીરતા પરિવારને કેટલું મોટું નુકસાન આપી શકે છે અને ઉપરાંત અહીં ડિવાઈડર ન હોવાને કારણે રોડ પર કેટલું જોખમ છે તેની પણ વાત કરવી રહી. રુત્વીક પટેલ પોતાના કામ અર્થે નરોડા સ્મશાન પાસે આવેલી તક્ષશિલા એપાર્ટમેન્ટ પાસેથી બાઈક લઈ પસાર થઈ રહ્યા હતા. દરમિયાન તક્ષશીલા એપાર્ટમેન્ટમાંથી એક બાઈક ચાલક પુર ઝડપે મુખ્ય રસ્તા પર આવે છે અને ધડાકા ભેર રુત્વીકભાઈના વાહન સાથે ભટકાય છે જેમાં રુત્વીકભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થાય છે.
રુત્વીક પટેલ ખેતી કરી પોતાના પરિવારનો આર્થિક ટેકો કરનાર યુવક હતા, તેમના પરિવારમાં એક માતા, પિતા, ભત્રીજો, સાડા ચાર વર્ષની દીકરી અને પત્ની હતા. એવું કહી શકાય કે બે નાના બાળકો અને વૃદ્ધ માતા પિતા સાથેના આ પરિવારનો તે એક માત્ર ટેકો હતા. કારણ કે થોડા વર્ષ પહેલા જ તેમણે પોતાના મોટા ભાઈને ગુમાવ્યા હતા. આ એક અકસ્માતે પરિવારના બધા ગણીત ફેરવી નાખ્યા છે. અહીં સ્થળ પર જ્યાં અકસ્માત બન્યો તે રસ્તા પર ડિવાઈડર ન હોવાને કારણે લોકોને જ્યાં કામ હોય ત્યાં તેઓ રોડ ક્રોસ કરતા હોય છે, જોકે બીજી બાજુ અન્ય વાહન ચાલકો તો કઈ પ્રકારની રેસમાં હોય છે તે જ અહીં સમજાતું નથી, જાણે કોઈને ઘડી ભર વાહનની સ્પીડ ઘટાડવી ન હોય તે રીતે અહીં વાહનો પસાર થતા રહેતા હોય છે.
આ વિસ્તારનો જેટલો ઝડપી વિકાસ થઈ રહ્યો છે તેટલા જ ઝડપી હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર પણ બની છે. આ અકસ્માતની ફરિયાદ પોલીસે નોંધી છે અને કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે પરંતુ અહીં માત્ર પોલીસ કાર્યવાહી સંતોષજનક પગલું નથી. પગલું સંતોષજનક ત્યારે છે જ્યારે અહીંના રહીશો, વૃદ્ધો, બાળકો, મહિલાઓ જે રીતે શહેરના અન્ય રસ્તાઓ પર નિર્ભય થઈ વાહન ચલાવી શકે છે તેવી રીતે નિર્ભયતા અનુભવે, ડિવાઈડર ન હોવાને કારણે જ્યાં ત્યાં વાહનો વળવા અને રોડ ક્રોસ કરવામાં જોખમ, રોજ અહીંના રહીશો માટે સવાલ હોય છે કે સવારે અહીંથી નિકળેલું સ્વજન રોડ ક્રોસ કરતાં કે વાહન ચલાવતા ક્યાંક અકસ્માતનો ભોગ ન બને. હાલ આ પ્રશ્નનો જવાબ તંત્રએ વિચારવો રહ્યો.
![]() |
![]() |
![]() |