નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાતના સફાઈ કર્મચારી હર્ષ સોલંકીને કેજીરવાલે પોતાના ઘરે આવકાર્યા હતા. તેઓ પોતાના પરિવાર સાથે ગુજરાતથી દિલ્હી પહોંચ્યા હતા. અહીં જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમને આવકાર્યા ત્યારે તેમની આગતા-સ્વાગતા અને મળેલા માનપાન જોઈ બેઘડી માટે ત્યાં જ હર્ષની આંખોમાં આંસુ આવી ગયા હતા. કેજરીવાલે તેમને શાંત કર્યા અને તેમના પરિવારને પણ આવકાર્યો હતો.
કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે આઉટસોર્સિંગના કર્મચારીઓ અને યુવાનો સાથે સંવાદ કર્યો હતો. દરમિયાન તેમણે અરવિંદ સોલંકી નામના યુવકે ઘરે જમવા આવવાનું આમંત્રણ આપ્યું તો તેઓ અને આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ સાથે રિક્ષામાં બેસી હર્ષના ઘરે જમવા ગયા હતા. તે વખતે અરવિંદ કેજરીવાલે તેમને સહપરિવાર પોતાના ઘરે જમવા આવવાનું આમંત્રણ આપ્યું હતું. આજે હર્ષ અને તેમનો પરિવાર પ્લેનમાં દિલ્હી પહોંચ્યો અને કેજરીવાલના ઘરે તેમનું ભાવથી સ્વાગત થયું હતું.
ગુજરાતના હર્ષ અને તેમના પરિવારનું દિલ્હી એરપોર્ટ પર ગુજરાતના સહપ્રભારી રાઘવ ચડ્ઢા દ્વારા સત્કાર કરવામાં આવ્યો હતો. તેમની સાથે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા હતા. તેમની આગતા-સ્વાગતા અને આવકાર જોઈને હર્ષની આંખો ભરાઈ ગઈ હતી.








