Saturday, April 25, 2026
HomeGujaratઆગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને સી.આર પાટીલે જાહેર સભામાં આપી દીધું મોટું...

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને સી.આર પાટીલે જાહેર સભામાં આપી દીધું મોટું નિવેદન, જાણો શું કહ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદ: નવરાત્રીના દિવસોની ગણતરી આજે પૂર્ણ થઈ છે પરંતુ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે. એક તરફ પક્ષપલટોની ઋતું યથાવત છે, બીજી તરફ રાજકીય પક્ષો અન્ય પક્ષોથી ચડિયાતા થવા અને ચૂંટણીની જીતનો તાજ પોતાને માથે ચઢાવવા અવનવી રણનીતિ ઘડી રહ્યા છે. ત્યારે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. તેવામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ચૂંટણીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે જે સમાચારોમાં વહેતું થયું છે. જોકે તે પછી તેમણે આ નિવેદન અંગે ફોડ પણ પાડી અને પોતાના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હોવાનું કહ્યું હતું.

આજરોજ આણંદ જિલ્લાના નવા કાર્યાલય કમલમનું લોકાર્પણ કરવામાં આવ્યું. ત્યારબાદ જિલ્લા પેજ સમિતિ સ્નેહ મિલન સભા યોજાઈ હતી. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને નિવેદન આપ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી પોતાનો સેવા કરવાનો મંત્ર નિભાવી રહી છે. નવેમ્બરના અંત સુધીમાં આ વખતે ચૂંટણી પૂરી થઈ જાય તેવું મને લાગી રહ્યું છે. અંત સુધીમાં તો ચૂંટણી પૂરી થઇ જાય એવું મને લાગે છે. ગયા વખતે વર્ષ 2012 અને 2017માં તો ડિસેમ્બરની 12મી તારીખે ચૂંટણી હતી.

- Advertisement -

ન્યૂઝ ચેનલ્સમાં બ્રેકીંગ ન્યૂઝની સ્પર્ધામાં ક્યારેક ન કહેવાયેલા શબ્દો પર પોતાના મત બેસાડી દે છે અને આ બાબતમાં એવું જ થયું. મીડિયામાં સીઆર પાટીલે ચૂંટણીની જાણે જાહેરાત કરી દીધી હોય અને ચૂંટણીપંચની ઉપરવટ ગયા હોય તેવું ચિત્ર ન્યૂઝને જોતા લોકોના માનસમાં ઉપસવા લાગ્યું. ત્યારે મીડિયા પર તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે, આ વખતે 10-12 દિવસો ચૂંટણી વહેલી આવી જાય તેવું મારું માનવું છે. મને કોઇએ કહ્યું નથી. મારી સાથે કોઇની વાત થઇ નથી. હમણાં ન્યૂઝ આવી જશે કે અધ્યક્ષે તારીખ જાહેર કરી નાખી. કોઇ તારીખ જાહેર કરવાની મને કોઇ સત્તા નથી. આડકતરી રીતે દિવાળીમાં ચૂંટણીના એંધાણ આપતા તેમણે જણાવ્યું કે, હું કાર્યકરોને કહેવા માંગુ છું કે, તેઓ દિવાળીના તહેવારમાં સુષુપ્ત ન થઇ જાય.’

આ ઉપરાંત તેમણે સંબોધનમાં દાવેદારોને પણ ટકોર કરી છે કે, ટિકિટ માંગો, તમે રજૂઆત કરો, નિરીક્ષક આવે ત્યાં પણ રજૂઆત કરો પણ ગાંધીનગર ટોળાં લઈને આવવાનો પ્રયત્ન ના કરતાં તેમના કારણે સંગઠનને નુકસાન થાય છે. ટોળાં લઈને આવવાથી સંગઠનમાં ગ્રુપ પડે છે. આ ગ્રુપીઝમને ગુજરાત ભાજપમાં કોઈ અવકાશ નથી. તમારી રજૂઆતને ઉપર સુધી પહોંચાડવાની અમે ખાતરી આપીએ છીએ તમે અમને જીતાડવાની ખાતરી આપો”.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીને લઈ કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અવાર નવાર ગુજરાત પ્રવાસ કરીને ગુજરાતની જનતાને જીતવાના તેમજ ચૂંટણી જીતવા માટે પ્રચાર-પ્રયાસ કરી રહ્યાં છે. તેવામાં ચૂંટણી વિશેના સી.આર.પાટિલના નિવેદને અનેક તર્ક વિતર્ક ઊભા કર્યા છે જે ટોક ઓફ ધ ટાઉન બન્યું છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular