Friday, April 17, 2026
HomeGeneralઓફ ધ રેકોર્ડ: વીજળીની અછત વચ્ચે ઉર્જા વિભાગમાં તણખા, ધારાસભ્યએ જમાઇરાજાને IPS...

ઓફ ધ રેકોર્ડ: વીજળીની અછત વચ્ચે ઉર્જા વિભાગમાં તણખા, ધારાસભ્યએ જમાઇરાજાને IPS બનાવી દીધા

- Advertisement -

ઓફ ધ રેકોર્ડ (નવજીવન ન્યૂઝ.કચ્છ):
(૧/૫) વીજળી અછતની બૂમ વચ્ચે ઉર્જા વિભાગમાં વર્ચસ્વની લડાઈ

કારણ ગમે તે હોય પરંતુ ભુપેન્દ્ર પટેલ સરકારની રચના બાદ જો સૌથી વધુ આંતરિક ખેંચતાણ જોવા મળી હોય તો તે સરકારનો ઉર્જા વિભાગ છે. જેની પ્રતીતિ કેટલી ઘટનાઓ પરથી થાય છે. જેમાં ઉર્જા મંત્રીના નિવાસ સ્થાને મળેલી બેઠક લેટેસ્ટ છે. વિધાનસભા સત્રને લઈને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ તેમના નિવાસસ્થાને 13મી માર્ચની સાંજે અધિકારીઓની મિટિંગ બોલાવી હતી. જેમાં વિભાગના તમામ અધિકારીઓ તો હાજર હતા પરંતુ ગાંધીનગરમાં હાજર હોવા છતાં એનર્જી ડિપાર્ટમેન્ટનાં વહીવટી વડા એવા ACS મમતા વર્મા ધરાર આ મીટિંગમાં ગયા ન હતા. વિભાગના વડા જ આમ મંત્રીની મીટિંગમાં ન આવે તે બાબત સરકાર કેવી રીતે લે છે તે આવનારો સમય જ બતાવશે. જો કે આ પહેલી ઘટના નથી જેમાં મંત્રી અને બાબુ સામસામે આવ્યા હોય. હકીકતમાં ઉર્જા વિભાગમાં તણખા ઉડવાની શરૂઆત શાહમીના હુસેન નામનાં મહિલા IAS અધિકારી અને રાજ્ય કક્ષાનાં મંત્રી મુકેશ પટેલની મગજમારીથી થઈ હતી. જેમાં મંત્રી પટેલ ચાલુ મિટિંગ છોડીને બહાર નીકળી ગયા હતા. ત્યારે પોતાના મંત્રીને રોકવાનો કેબિનેટ ઉર્જા મંત્રી કનુ દેસાઈએ પ્રયાસ પણ કર્યો ન હતો. ત્યારબાદ હુસેન બદલાઈ ગયા હતા. અન્ય એક ઘટનાક્રમમાં અલ્પા દાણી નામની મહિલા ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની બદલીને લઈને બની હતી. આ બહેન વીસ વર્ષથી ગાંધીનગરમાં ફરજ બજાવતા હતા. તેમને નડિયાદ બદલ્યાના એક મહિનામાં જ ઉર્જા વિભાગને તેમને ફરી એ જ જગ્યાએ મુકવા પડ્યા હતા. જેની પાછળ સી.આર.પાટીલે દેસાઈને ઠપકો આપ્યાની વાત મળી રહી હતી. એક તરફ રાજ્યમાં ખેડૂતો વીજળી પુરવઠાને લઈને દેખાવો કરી રહ્યા છે ત્યારે ઉર્જા વિભાગના આ તણખા આગ બનશે કે ઠરી જશે તે આગામી દિવસોમાં ખબર પડશે.



(૨/૫) વિધાનસભા ચૂંટણી વહેલી થશે, જાણો આ ત્રણ સંકેત

- Advertisement -

સમય પહેલા અચાનક ચૂંટણી જાહેર કરવામાં ભાજપ માહેર છે. તેવામાં ફરી એક વખત ગુજરાતમાં વહેલી ચૂંટણીની હવા જામી છે. આ ચર્ચા પાછળ ત્રણ સંકેતને લોકો વહેલી ચૂંટણી સંદર્ભે જોઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તાર માટેના પાર તાપી પ્રોજેકટમાં ગુજરાત અને મહારાષ્ટ્રને હાલ પૂરતા બાકાત કરવામાં આવ્યા છે. બીજુ DGPનું એક્સટેનશન છે. આશિષ ભાટિયાને બે મહિનાનું એક્સટેનશન આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે આ પ્રકારનો કાર્યકાળ મોટેભાગે છ મહિના માટેનો હોય છે. કદાચ આવું પહેલી વખત હશે કે ડીજીપીનો કાર્યકાળ માત્ર બે મહિના માટે વધારવામાં આવ્યો હોય. આઇપીએસ આશિષ ભાટિયા આગામી મે મહિનામાં નિવૃત્ત થવાના છે. હવે કાર્યકાળ વધારતા તેઓ જુલાઈમાં નિવૃત્ત થશે અને જે રીતે સત્રના અંતિમ દિવસે સ્પીકરે ગ્રુપ ફોટો માટે સભ્યોને કહ્યું હતું તેને જોતા હવે વિધાનસભાનું સત્ર યોજાય તેવી સંભાવના દેખાતી નથી. સત્ર પૂરું થયાનાં બીજા જ દિવસે કેબિનેટની વહેલી બેઠકને લઈને પણ અટકળો કરવામાં આવી રહી છે. જુઓ, કુછ ભી હો શકતા હૈ…



(૩/૫) ઉત્સાહી ધારાસભ્યએ નોમિનેશન પહેલા જ જમાઇરાજાને IPS બનાવી દીધા

બાહુબલી ધારાસભ્ય તરીકે જાણીતા કચ્છની માંડવી બેઠકના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ એક પોલીસ અધિકારીને નોમિનેશનની જાહેરાત થાય તે પહેલાં જ IPS બનાવી દીધા છે. રાજ્યમાં સૌ પ્રથમવાર મોટી સંખ્યામાં GPS કેડરનાં અધિકારીઓને IPS કેડરમાં નોમિની કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેવામાં ઉત્સાહી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ દ્વારા ડૉ. રાજદીપસિંહ ઝાલા નામના GPS કેડરના ઓફિસરને IPS અધિકારી બનવા બદલ ટ્વીટર ઉપર અભિનંદન આપી દીધા હતા. બાય ધ વે ડૉ. ઝાલા તેમનાં જમાઈ છે તેવું તેમણે પોતે કરેલા ટ્વીટમાં જણાવ્યું છે.



(૪/૫) સ્પીકર નીમાબેન આચાર્યનાં પતિનો રેડ ક્રોસમાં પરાજય શું સંકેત આપે છે..?

- Advertisement -

તાજેતરમાં જ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ગુજરાતના પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કચ્છ ગાંધીધામના તબીબ ડૉ. ભાવેશ આચાર્યનો વર્ષો બાદ પરાજય થયો છે. તેઓ લાંબા સમયથી આ સંસ્થામાં એકહથ્થુ શાસન ભોગવી રહ્યા હતા. જી, હા… ડૉ. ભાવેશ આચાર્ય એટલે બીજું કોઈ નહીં પરંતુ ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર નીમાબેનના પતિદેવ. ભાવેશ આચાર્ય કચ્છ ભાજપમાં અગ્રણી તરીકે અને ગાંધીધામ નગર પાલિકામાં પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેમની ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીમાં હાર એટલી મહત્વની નથી. પરંતુ તેઓ કોની સામે હાર્યા એ મહત્વનું છે. ભાવેશ આચાર્યને ગુજરાતમાં સહકારી ક્ષેત્રે મોટું માથું માનવામાં આવતા ADC બેંકના અજય પટેલે હરાવ્યા છે. મતલબ ભાવેશ આચાર્યને ખબર હતી કે અજય પટેલ ચૂંટણી લડી રહ્યા છે. છતાં તેઓ લડ્યા અને હારી ગયા. અજય પટેલ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ખાસ વ્યક્તિ છે તે જગજાહેર છે. હવે તમે સમજી શકો છો કે, ડોક્ટર પતિની ચૂંટણી લડવાની આ જીદ નિમાબેન આચાર્યને કેટલી મોંઘી પડી શકે.

(૫/૫) રાજકોટ મ્યુનિ. કમિશનરના પત્નીને સેટ કરવા દસ વર્ષથી ખાલી PGVCLના જોઈન્ટ એમડીનું પોસ્ટિંગ થયું

લોકો ભલે એમ માનતા હોય કે, વિજય રૂપાણીની વિદાય બાદ રાજકોટનો દબદબો ચાલ્યો ગયો છે. પરંતુ એવું નથી. વર્ષ 2012ની બેચનાં આઈએએસ અધિકારી એવા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાની પત્નીને રાજકોટમાં તેમના કમિશ્નર પતિ સાથે રહેવાના આશયથી PGVCLના જોઈન્ટ એમડીની જગ્યા દસેક વર્ષ પછી ભરવામાં આવી છે. આ પોસ્ટ ઉપર ઇન્ડિયન પોસ્ટ એન્ડ એકાઉન્ટ ફાયનાન્સ સર્વિસીસ (IP&AFS) કેડરના અધિકારી પ્રીતિ શર્માને મુકવામાં આવ્યા છે. ડેપ્યુટેશનથી ભરવામાં આવેલી આ પોસ્ટ દસ વર્ષથી ખાલી હતી. છે ને સંવેદનશીલ સરકાર…

- Advertisement -

ઇનપુટ : જયેશ શાહ (કચ્છ)




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular