નવજીવન ન્યૂઝ. બનાસકાંઠા: પાલનપુરમાં નગર પાલિકાની સામાન્ય સભામાં આજે ઝપાઝપીના દ્રશ્ય સર્જાયા હતા. સામાન્ય સભા દરમિયાન વિરોધ પક્ષના નેતાએ પ્રમુખ સામે વિરોધ કરીને સાડી ખેંચી લીધી હતી. બંને પક્ષના નેતા સામ-સામે આવી જતાં નગરપાલિકાની સભાનો માહોલ ગરમાઈ ગયો હતો. જો કે હવે આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાલનપુર નગરપાલિકાની આજે સામાન્ય સભા યોજાઈ હતી. જેમા વિરોધ પક્ષના નેતાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. નગર પાલિકામાં વિરોધ પક્ષના નેતાએ સામાન્ય સભામાં નકલી નોટો ઉછાળી હતી. હોબાળો એટલો વધી ગયો કે મામલો મારામારી પર આવી ગયો. વિરોધ પક્ષના નેતા અંકિતા ઠાકોરે તમામ મર્યાદા ભૂલી પાલિકા મહિલા પ્રમુખ હેતલ રાવલની સાડી ખેંચી વિરોધ કર્યો હતો. વિરોધ પક્ષના નેતાએ શાસક પક્ષના નેતાનો કોલર પકડી લીધો હતો. આ બનાવ અંગે નગરપાલિકાના પ્રમુખ હેતલ રાવલે વિપક્ષનેતા અંકિતા ઠાકોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અંકિતા ઠાકોર સામે IPC કલમ 323, 294 (ખ), 427 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પાલનપુર નગર પાલિકામાં વિપક્ષના નેતાએ પ્રમુખની સાડી ખેંચતા વિવાદ, થઈ પોલીસ ફરિયાદ #banaskantha #palanpur #nagarpalaika pic.twitter.com/6i0cPqXnxq
— Navajivan News (@NavajivanNews) March 31, 2022
સમગ્ર મામલે નગર પાલિકાના પ્રમુખ હેતલ રાવલે જણાવ્યું હતું કે, આજે બજેટ બોર્ડ હતું જે રજૂ કરવામાં આવ્યું હતું અને અમારા સભ્ય દ્વારા બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું. તે દરમિયાન કોંગ્રેસના વિપક્ષના નેતા દ્વારા મારા ઉપર હાથ ઉપાડવામાં આવ્યો હતો. તેમણે મારી સાડી ખેંચીને કાઢી નાખી હતી. આવી રીતે વિરોધ ન થવો જોઈએ, તેમણે મીડિયામાં આવવા માટે જે કરી રહ્યા છે તે તદ્દન ખોટું છે.
![]() |
![]() |
![]() |











