નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી ઇલેક્ટ્રીક વાહનો ઉપરની સબસિડી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લાં ઘણા સમયથી પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ગેસના ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે લોકો હવે ઇલેક્ટ્રીક વાહનો તરફ વળી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ પ્રકારની યોજના બહાર પાડવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા પણ વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રીક વાહન ઉપર રૂપિયા 12000ની સબસિડી આપવામાં આવતી હતી જે હવે બંધ કરી દેવામાં આવી છે. આવામાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજીની મોંધવારીની સામે રાહત આપતા ઇલેક્ટ્રીક સાધનો પણ હવે ખરીદવા મોંઘા બનશે.
રાજ્ય સરકાર દ્વારા લો સ્પીડ એટલે કે 25ની સ્પીડ પર ચાલતા હોય તેવા વાહનો ઉપર સબસિડી બંધ કરવામાં આવી છે, આવા વાહનો મોટા ભાગે વિદ્યાર્થીઓ વાપરતા હોય છે. સામાન્ય રીતે આવા ઇલેક્ટ્રીક વાહનોની કિંમત 70 હજાર રૂપિયા સુધીની હોય છે, સબસિડી બંધ થતાં આ વાહનો લોકોને ખરીદવા પરવળે તેમ નથી. જો કોમર્શિયલ ઇલેક્ટ્રીક વાહનો ઉપર કેન્દ્ર સરકાર દ્વારા મળતી સબસિડી બંધ કરવામાં નથી આવી.
કેન્દ્રની ભાજપ સરકાર તરફથી ગ્રાન્ટ નહીં મળી હોવાને કારણે આ સબસિડી બંધ કરાઇ હોવાનું ગુજરાતની ભાજપ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે, પરંતુ ગ્રાન્ટ ફરી મળશે ત્યારે આ સબસિડી ફરીથી શરૂ કરવામાં આવશે પણ તે ક્યારે મળશે તે અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. સબસિડી બંધ થતાં લો સ્પીડ ઇલેક્ટ્રીક વાહનો વેચતા શો રૂમ માલિકોને આંચકો લાગ્યો છે, આવો નિર્ણય કેમ કરવામાં આવ્યો તે અંગે શો રૂમ માલિકો હજુ અસમંજસમાં છે.
![]() |
![]() |
![]() |











