રાજેશ લાહોરી (નવજીવન ન્યૂઝ. સુરત): સુરત નશામુક્તિ કેન્દ્રમાં સારવાર લઈને સ્વસ્થ થયેલા રાજેશ લાહોરી પોતાની દારૂની ટેવથી મુક્ત થવાની સફર અંગે વાત કરતાં જણાવે છે કે, “હું એક એડિક્ટ વ્યક્તિ છું, મને છેલ્લા 15 વર્ષથી દારૂનું વ્યસન છે. આ વ્યસનની શરૂઆત ધીમે ધીમે થઈ હતી અને ત્યાર બાદ આ વ્યસન એટલી હદ સુધી વધી ગયું હતું કે તેની મને ખબર પણ નહતી પડી. મારી સામે કોઈ પણ આવે, કોઈ પણ સલાહ સૂચન મને દેખાતા નહતા, મને માત્ર દારૂની બોટલ જ દેખાતી હતી, અને હું પીતો પછી એટલું બધુ પીતો હતો કે બધુ જ ભૂલી જતો હતો. દારૂના નશામાં ઘણી વાર હું રસ્તામાં પડી ગયો હતો, આખી આખી રાત ઘરે નથી પહોંચ્યો જેના કારણે મારા પરિવારના સભ્યો ચિંતામાં રહ્યા છે. મારી આર્થિક, માનસિક અને સામાજિક બધી સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. હું રસ્તા પર આવી ગયો હતો, હું એક મોટી ઇન્ટરનેશનલ કંપનીમાં નોકરી કરતો હતો તે પણ છૂટી ગઈ. મારી પત્ની અને બાળકો બધુ જ છૂટી ગયું.”
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “ત્યાર બાદ મારા એક મિત્ર અને મારા શુભેચ્છકે મને અહિયાં વ્યસનમુક્તિ કેન્દ્રમાં સંપર્ક કરવી આપ્યો હતો અને અહિયાં દાખલ કર્યો હતો. મારા ખુદના પરિવારના સભ્યો મરાઠી દૂર થઈ ગયા હતા તેમ છતાં મારા મિત્ર મને અહિયાં લઈને આવ્યા અને આ પરીવર્તન કેન્દ્રના કર્મચારીઓએ પણ મને સહકાર આપ્યો. આ જે કેન્દ્ર છે તેમાં અલગ અલગ કાર્યક્રમો ચાલે છે જેમ કે યોગા, મેડિટેશન, પ્રાર્થના અને મિટિંગ જેના કારણે મને લાગ્યું જ નહીં કે હું અહિયાં આવા કોઈ કેન્દ્રમાં છું, એક પરિવાર સાથે જ રહું છું તેવું જ લાગતું હતું. મારા જેવા દારૂના વ્યસની માણસની સાથે કોઈ ઊભું રહેવા પણ તૈયાર થતું ન હતું, ત્યારે આ સંસ્થા દ્વારા મારી સાથે પરિવાર જેવો જ વ્યવહાર કરવામાં આવ્યું. મારા જે કાઉન્સિલર છે કલ્પનાબેન તેમણે મને ઘણી સારી રીતે સમજવ્યું કે દારૂથી થતાં નુકશાન છે. હવે હું દારૂના વ્યસનથી દૂર છું, અને મે મારૂ પોતાનો ધંધો શરૂ કરી દીધો છે અને હવે બધુ વ્યવસ્થિત ચાલી રહ્યું છે, તે આ પરિવર્તન કેન્દ્રના કારણે જ થયું છે.”
![]() |
![]() |
![]() |











