નવજીવન ન્યૂઝ.બાયડઃ અરવલ્લી જિલ્લા સહીત બાયડમાં ચોર લૂંટારુ ગેંગ્સ બેફામ બની ગઈ છે. બંધ મકાનો અને ધંધા રોજગાર પર ત્રાટકી ચોરી લૂંટની ઘટનાઓને અંજામ આપી ખાખી વર્દી અને બુદ્ધીમાન, બાહોશ તંત્ર ચેલેન્જ આપી રહી છે. બાયડના ડેમાઈ ગામે આવેલી ચામુંડા જવેલર્સમાં તસ્કરોએ હાથફેરો કરી બાયડ સીપીઆઈ તરીકે ચાર્જ સંભાળનાર મુકેશ તોમરનું સ્વાગત કર્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. સીપીઆઈ તરીકે તેમણે ચાર્જ સંભાળ્યો હતો. ત્યાં જેમ દબંગ મુવીના ડાયલોગ મુજબ સ્વાગત નહીં કરો ગે હમારા, અહીં તસ્કરોએ ડેમાઇની ચામુંડા જવેલર્સમાં વહેલી પરોઢે હાથફેરો કરી લાખ્ખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ જતા રીતસરનો એક પડકાર ફેંક્યો હોય તેવો ઘાટ છે. બાયડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જો કે સીપીઆઈ તોમર સરકારી બંદોબસ્તમાં હોવાથી હજુ હાજર થયા નથી.

મળતી માહિતી અનુસાર, બાયડ શહેરના છેવાડે આવેલી સોસાયટી વિસ્તારમાં ધાડપાડુ ગેંગ સતત આંટાફેરા મારી ચોરીની ઘટનાને અંજામ આપી છૂમંતર થઈ રહી છે ત્યારે બાયડ-કપડવંજ હાઈવે પર ડેમાઈ ગામમાં તેજસ અશ્વિનભાઈ પાટડીયાની આવેલી ચામુંડા જવેલર્સની દુકાનમાં શુક્રવારે પરોઢિયે તસ્કરોએ દુકાન આગળ લગાવેલા લોંખડની જાળીનું તાળું તોડી નાખી આખેઆખો દરવાજો ઉંચો કરી નાખ્યો હતો. આવી રીતે તેઓ દુકાનમાં પ્રવેશી ૩૫૦ ગ્રામ સોનાના દાગીના, ૨૭ કિલો ચાંદીના ઘરેણાં અને દુકાનમાં રહેલા ૯૦ હજાર રોકડા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તેજસભાઈને આ ચોરી અંગે વહેલી સવારે જાણ થતાં તેઓ એક દોટે દોડી આવ્યા હતા. જોકે હવે તેમના માટે પોલીસ જ મદદ કરી શકે તેવી સ્થિતિ હતી.

જવેલર્સમાંથી મોટા પ્રમાણમાં સોના-ચાંદીના દાગીનાની ચોરી થતા તેમના માથે આભ તૂટી પડ્યું હતું. જવેલર્સની દુકાનમાં ચોરી થતા કુતુહલ વસ જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ચોરીની ઘટનાની જાણ બાયડ પોલીસને કરી હતી. પોલીસ પણ જાણકારી મળતા સ્થળ પર આવી અને પ્રાથમિક તપાસના પગલા લેવાના શરૂ કર્યા હતા. જો કે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી આ ઘટનાની ફરિયાદ નોંધાઈ નથી. ડેમાઈમાં ચોરી થતા લોકોમાં પોલીસના નાઈટ પેટ્રોલિંગના મસમોટા દાવાઓ સામે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. રાત્રીના સુમારે ઘોડેસવાર પોલીસ મુકવામાં આવે અને સઘન પેટ્રોલિંગ કરવામાં આવેની માંગ કરી હતી, જોકે હવે જનતાની માગ ક્યાં સુધી પુરી થાય છે અને લોકો પોતાની મિલકતો સલામત છે તેવો અનુભવ કરી શકે તેવી સ્થિતિ ક્યારે નિર્માણ થાય છે તે જોવું રહ્યું.
![]() |
![]() |
![]() |











