Monday, April 20, 2026
HomeGeneralઆપણે રોજ મંદિર અને મસ્જિદમાં જઈએ છીએ તો પણ આપણી સમસ્યાનો અંત...

આપણે રોજ મંદિર અને મસ્જિદમાં જઈએ છીએ તો પણ આપણી સમસ્યાનો અંત કેમ આવતો નથી

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ અમદાવાદ): મથાળુ વાંચી ઈશ્વરમાં ભરોસો નહીં કરનાર મારા મિત્રોના નાકના ટેરવા ઉંચા થઈ શકે છે, પણ અહિયા તે મિત્રોની વાત કરવી નથી, પરંતુ જેઓ ઈશ્વર અથવા કુદરતના એવા કોઈ સંચાલનમાં ભરોસો કરે છે તેવા મિત્રોની સાથે વાત કરવી છે, ઘણા એવુ માને છે ઈશ્વરનો ડર જ આપણને સારો માણસ રહેવાની ફરજ પાડે છે, હું કહુ છુ અહિયા ડરની પણ વાત કરવી નથી, મંદિરમાં આપણે આંખો બંધ કરીને ઉભા રહીએ ત્યારે સામાન્ય રીતે આપણે સમસ્યા, આપણી લાગણી અને માગણીની જ વાત ઈશ્વર સાથે કરતા હોઈએ છીએ, ઈશ્વર હોવાનો આપણને ભરોસો છે તેવુ આપણે અનેકો વખત બોલચાલમાં કહીએ છીએ. આપણે જે બોલીએ છીએ કદાચ આપણને તેની ઉપર જ ભરોસો નથી, ઈશ્વર છે કે નહીં તેવુ મનના કોઈક ખુણામાં આપણને લાગે છે, છતાં ઈશ્વર નથી તેવુ આપણે ખોંખારીને માનવા પણ તૈયાર નથી. આવી અવઢવભરી જીંદગીઓ અને પેઢીઓ પસાર થઈ જાય છે, પણ એક તબ્બકે માની લઈએ કે ઈશ્વર છે તો આપણી સમસ્યાનો કેમ અંત આવતો નથી. આપણી પ્રાર્થનાઓ કેમ મંદિર ગુંબઝ અને મસ્જીદની છતને અથડાઈ પાછી આવે છે.



વર્ષો પહેલા મેં કોઈક પાસે સાંભળેલી વાત આ વખતે યાદ આવી, એક મજુર માણસ પાસે પારવાર પરેશાનીઓ હતી. એક દિવસ તે માથા ઉપર એક વજનદાર થેલો માથા ઉપર મુકી કાચા રસ્તા ઉપર ચાલી રહ્યો હતો. તેના માથા ઉપર એટલો ભાર હતો કે ભારને કારણે તે કમરમાંથી વળી ગયો હતો, આ માણસ ઉપર ઈશ્વરની નજર પડી, ઈશ્વરે તેને મદદ કરવાનો નિર્ણય કર્યો, ઈશ્વરે એક બળદગાડા વાળાનો વેશ ધારણ કર્યો અને આ માણસ ચાલી રહ્યો હતો તે રસ્તે ઈશ્વર બળદગાડા વાળો બની નિકળ્યો, જયારે ઈશ્વર પેલા ભાર ઉંચકી ચાલી રહેલા માણસ પાસે આવ્યો ત્યારે ઈશ્વરે પેલા માણસને કહ્યું ભાઈ હું પણ આગળના ગામ જાઉ છુ મારા ગાડામાં બેસી જા, પેલો માણસ ગાડામાં બેસી ગયો, ઈશ્વરના મનમાં પેલા માણસને મદદ કરવાનો આનંદ હતો, ગાડુ આગળના ગામ પહોચ્યુ જયાં પેલા માણસને જવાનું હતું. ઈશ્વરે પેલા માણસને તારૂ ગામ આવી ગયુ તેવું કહેવા પાછા વળી જોયુ તો પેલો માણસ ઈશ્વરના ગાડામાં તો બેઠો હતો, પણ તેના માથા ઉપર મુકેલો ભારે થેલો તેણે પોતાના માથા ઉપર જ રાખ્યો હતો. આમ ઈશ્વરના ગાડામાં બેઠા પછી તેણે પોતાનો ભાર પોતાની પાસે જ રાખ્યો હતો.



આપણે મોટા ભાગના લોકો પેલો ભાર ઉંચકી ફરતા માણસ જેવું જ જીવીએ છીએ, આપણે શીવના મંદિરમાં દુધ પાણી ચઢાવીએ છીએ, ગાયને રોટલી ખવડાવીએ છીએ, અઠ્ઠઈ કરીએ છીએ, રોઝા રાખીએ છીએ, ઈસુ વધસ્તંભે ચઢયો તેને યાદ કરી ઉપવાસ કરીએ છીએ, આ બધુ કરવા પાછળ આપણો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ હોય તો સારી બાબત છે પણ ખરેખર તેવુ ભાગ્યે જ હોય છે. ઈશ્વર આપણને કઈક આપશે અને આપણી સમસ્યાનો અંત આવશે તેવી જ અપેક્ષા હોય છે, ઈશ્વર પાસે અપેક્ષા રાખવી અને માગણી કરવી તેમાં પણ ખોટુ નથી, કારણ ઈશ્વર આપણો પાલક છે અને પાલક પાસે માંગવુ અને આપણી સમસ્યા તેની સામે મુકવી તેમાં પણ ખોટુ નથી, પણ માંગવાનું અને સમસ્યા તેની પાસે છોડી દેવાનું કામ પણ આપણે પુરી શ્રધ્ધાથી કરતા નથી, પેલા મજુર માણસની જેમ આપણે એક હાથમાં આપણી પરેશાનીનો થેલો અને બીજા હાથમાં માગણીનો કટોરો લઈ ઈશ્વરના દરબારમાં હાજર તો થઈએ છીએ પરંતુ જયારે તેના દરબારમાંથી બહાર નિકળીએ ત્યારે પેલા મજુર માણસે ભુલ કરી તેવી જ કરીએ છીએ આપણી ચિંતા અને પરેશાનીનો થેલો ઈશ્વર પાસે છોડી દેવાને બદલે બહાર નિકળતી વખતે તે થેલો પણ સાથે પાછો લેતા આવીએ છીએ.



તેવી જ રીતે જે માગણીનો કટોરો હોય છે તે પણ એટલા માટે ખાલી હોય છે. માગણીના કટોરામાં પહેલાથી એટલો છલોછલ ભરેલો હોય છે. ઈશ્વર તેમાં કઈક મુકે તો કેવી રીતે મુકે તેવી ઈશ્વરને પણ સમસ્યા થાય છે, 1971માં ભારત પાકિસ્તાનનું યુધ્ધ શરૂ થયુ, યુધ્ધની શરૂઆત કાશ્મીર સરહદેથી થઈ હતી એટલે ભારતની બીજી સીમા ઉપર રહેલા સૈન્યને ખસેડી કાશ્મીર મોકલી આપવામાં આવ્યુ હતું, ગુજરાતના બનાસકાંઠાની જમીની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે, સુઈ ગામ પાસે નડાબેટ નામનો વિસ્તાર છે, ત્યાંથી પાકિસ્તાન માત્ર 30 કિલોમીટર છે, નડાબેટ રહેલા, સૈન્યને પણ કાશ્મીર મોકલી આપવામાં આવ્યુ હતું સરહદ રેઢી તો મુકી શકાય નહીં, એટલે ગુજરાત સ્ટેટ રિર્ઝવ પોલીસ ફોર્સ (એસઆરપી)ની અમદાવાદની કંપની જેમાં એકસો જવાનો હતા. તેમને નડાબેટ તૈનાત કરવામાં આવ્યા તેમની પાસે હથિયારમાં બીજા વિશ્વ યુધ્ધમાં ઉપયોગમાં લેવામાં આવેલી જુની પુરાણી 303 રાયફલ્સ હતી.

- Advertisement -



નડાબેટ સરહદ ઉપર કઈ થશે નહીં તેવી ધારણા હતી, પરંતુ એસઆરપીના જે જવાનો નડાબેટ તૈનાત હતા તેમણે જોયુ તો પાકિસ્તાન સરહદ તરફથી પાકિસ્તાન રેંજર્સ ભારત તરફ આવી રહ્યા હતા. એસઆરપીને સરહદી લડાઈની તાલીમ હોતી ન્હોતી. એટલે તેમણે તત્કાલ સરકારને જાણ કરી કે ભારત તરફ પાકિસ્તાની રેંજર આવી રહ્યા છે, સૈન્યને મોકલી આપો, તો સરકારે જવાબ આપ્યો કાશ્મીર સરહદેથી સૈન્યને નડાબેટ પહોંચતા 24 કલાક લાગશે ત્યાં સુધી તમે મોરચો સંભાળી રાખો એક તરફ આધુનિક હથિયાર સાથે પાકિસ્તાન રેંજર હતા બીજી તરફ આપણી પાસે 303 રાયફલ સાથે એસઆરપી જવાનો હતા. જવાનો પાસે બે જ વિકલ્પ હતા, પહેલો લડવુ અને બીજો સરહદ મુકી ભાગી જવુ, એસઆરપીના જવાનોએ પહેલો વિકલ્પ નક્કી કર્યો, નડાબેટ ખાતે નડાદેવીની એક નાનકડી દેરી હતી, જવાનો નડાદેવીની દેરી સામે આવી ઉભા રહ્યા, એક જવાને દેરીમાં દિવો કર્યો અને કહ્યું મા અમારા ભાગ્યમાં લડવાનું આવ્યુ છે, અમારી લડવાની હેસીયત નથી પણ તુ અમારી સાથે રહેજે, અમને મારવા હોય તો મારજે અને તારવા હોય તો તારજે, આપણી પ્રાર્થના અને ભરોસો આ એસઆરપી જવાનો જેવો હોતો નથી, એટલે ઈશ્નરને આપણી સમસ્યા સોંપ્યા પછી પણ તેનો થેલો આપણી સાથે લઈ ફરીએ છીએ. (આપને અહિયા ટુંકમાં જણાવી દઊં કે અંતમાં પેલા એસઆરપી જવાનો ગર્વ અને સમ્માન સાથે લાડ્યાં અને સફળ થયા)




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular